અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/હવેલી પાછળ નમતો ચાંદ
મકરન્દ દવે
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતી
એ રંગીન રમણા!
ખીલ્યાં પોયણાં સંગ
સોહાગ-સમણાં!
અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો!
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું!
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરેનો આ પડછાયો ઘેરો?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
હશે ઇન્દ્રપુરની
નવોઢા એ નારી?
હશે લાડલી
દેવ કેરી દુલારી?
પિતા! પૂછતી આજ આંખો નિમાણી :
તમારાં રતન રોળવા શું ઉઝેરો?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યા ઝરૂખે
સલૂણી, સુહાની
ભર્યા જોબને આ
ઢળી જિંદગાની:
અરે, મુક્ત આકાશી પંખીને પીંખે
શિકારીનો પાષાણી પંજો નમેરો!
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
૨-૩-’૫૩