અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/તું...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


તું...

મણિલાલ હ. પટેલ

તું જ તો છે માટીમાં
ને વૃક્ષોમાં પણ તું જ...
તું અવનિ અને આકાશની
ભૂરી ભૂરી આશા...
માટીમાં મહેક ને વૃક્ષોમાં સ્વાદ
પાંદડે પાંદડે તારા જ તો રંગો છે
ને પત્તી પત્તીએ સુગંધ...
તું જાણે છે —
રાગ અને આગ એક જ તો છે...

ઋતુઓ તને જોઈને વસ્ત્રો બદલે છે
પવન ભણે તારી પાસે સુવાસના પાઠ
તડકો શીખે રંગો ઘૂંટતા તારી કને
તારી ઓથે અંધારું રચે રૂપ-આકારો
સવાર તારાથી જ છે ભીની ભીની
ને તને અડીને સમય કોમળ કોમળ...

વસંત પંચમી પહેલાં જ
આંબે આંબે
મંજરી થઈને લચી પડે છે તું
પૃથ્વી થોડે ઊંચે ઊંચકાઈ છે
ને આકાશ ખાસ્સું નીચે ઊતર્યું છે
હું આટલો સમૃદ્ધ ને પ્રસન્ન
ન્હોતો કદીય
અવનિ અને આકાશ વચ્ચે...
તા. ૦૨.૦.૨.૨૦૧૬