અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ઊડી ઊડી રે એક ચરકલડી
Jump to navigation
Jump to search
ઊડી ઊડી રે એક ચરકલડી
મનોહર ત્રિવેદી
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી અને પછવાડે ઊડ્યું આ આંગણું
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું
સીમેથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
કોઈ સવાર એના કલરવમાં ન્હાય
કદી ઘરને ઘેર્યું’તું એના રુસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાયઃ પડે ઝાંખું ના એકે સંભારણું
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ ઝરણાનો આરો?
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે એક બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી અને પછવાડે ઊડ્યું આ આંગણું
(2-11-200, ચૂંટેલી કવિતાઃ મનોહર ત્રિવેદી)