અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/અંધકાર
Jump to navigation
Jump to search
અંધકાર
યૉસેફ મેકવાન
ઝીણો રે ઝગે છે અંધકાર…
ક્યાંક ફૂટી છે તેજલ કળી
એનો આ અણસાર!
ઝીણો રે ઝગે છે અંધકાર!
ઝરતી રે ઝરતી આછી મ્હેક હો
એમાં ભીંજાતું રે અંગ,
કોણ રે નર્તંતું વાયુવ્હેણમાં
બજલી ધીરું મૃદંગ.
તૂટી રે જાય સહુયે દીવાર,
ઝીણો રે ઝગે છે અંધકાર!
હળવે રે હળવે પડદા ઊપડે
આંખ્યુંમાં ઊઘડે આકાશ,
ઊછળે રે ઊઝળે સાગર શ્વાસના
મનને કોઈ ન આડશ,
હું જ છું ભીતર ને છું બ્હાર.
ઝીણો રે ઝગે છે અંધકાર!
(અલખના અસવાર, ૧૯૯૪, પૃ. ૫)