અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ના કમાયા કશું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ના કમાયા કશું

રઈશ મનીઆર

ના કમાયા કશું ફક્ત વારસ રહ્યા,
તોય શબ્દોની સાથે નિખાલસ રહ્યા.

છો ને આશય વિસામાનો હો એમનો,
આપણી છત ઉપર બે’ક સારસ રહ્યાં.

ના તો પંડિત થયા ના તરણ આવડ્યું,
જો તમે ગંગાકાંઠે બનારસ રહ્યા.

ટાંકણાં છીણીઓની સરતચૂકથી,
મંદિરે ના સ્થપાયા બસ, આરસ રહ્યા.

એમ કહીને પછી દેવો હસતા રહ્યા,
લ્યો, ‘રઈશ’ તો હજુ સાવ માણસ રહ્યા.
(કાફિયાનગર, ૧૯૮૯, પૃ. ૧૭)