અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ખુશ્બો મૂકી જાય!
Jump to navigation
Jump to search
ખુશ્બો મૂકી જાય!
રતિલાલ છાયા
આવી આવી દ્વારે મારે
ખુશ્બો મૂકી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય!
કુમકુમ ઝરતી પગલી એની,
પાની ના ઝંખાય;
સ્મિતથી વીજળી ચમકે પાસે,
નયણાં ના દરશાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
નીલ આકાશે ઓઢણી ઊડે,
દેહ ના દેખાય
રત્નજડિત ઉડુની માળા,
કંઠ ના ડોકાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
પુષ્પડાળે વેણી રે ઝૂલે,
કેશ ના કલ્પાય!
ઉરનો અળતો ઊછળે આભે,
હૈયું ના હેરાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
દિવસે આવે, રાત્રે આવે;
સ્હેજ ના સ્પર્શાય!
તોય એની નૌતમ લીલા,
અંતર આંજી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)