અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/એક બપોરે
Jump to navigation
Jump to search
એક બપોરે
રાવજી પટેલ
મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈં…
મારા ખેતરને શેઢેથી —
(અંગત, પૃ. ૧)