અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/પાંજે વતનજી ગાલ્યું
સુંદરજી બેટાઈ
પાંજે વતનજી ગાલ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા,
ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા :
બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું. અનેરી.
પાદરની દેરી પે ઝૂકેલા ઝુંડમાં,
ભર્યે તળાવ, પેલા કૂવા ને કુંડમાં :
છોટપણું છંદમાં ઉછાળ્યું. અનેરી.
પેલી નિશાળ જેમાં ખાધી’તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટીયું :
કેમે ભુલાય કાનઝાલ્યું? અનેરી.
બુઢ્ઢાં મીઠીમા, એની મીઠેરી બોરડી;
ચોકી ખડી — એની થડ માંહે ઓરડી!
દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડી :
બોર ભેળી ખાધી’તી ગાળ્યું. અનેરી.
બાવા બજરંગીની ઘંટા ગજાવતી,
ગોમી ગોરાણીની જીભને ચગાવતી,
ગોવા નાવીની છટાને છકાવતી,
રંગીલી, રંજીલી ગાલ્યું. અનેરી.
વ્હાલભર્યાં વેલાંમા, ચંચી એ ચીકણી,
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી,
શ્યામુ કાકાની એ ધમકીલી છીંકણી
જેવું બધુંય ગયું હાલ્યું. અનેરી.
છોટી નિશાળેથી મોટીમા ચાલ્યાં,
પ…ટ પ…ટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા,
ભાઈ ભાઈ ક્હેવાતાં અકડાતા હાલ્યા :
મોટપણું મ્હોરન્તું મ્હાલ્યું. અનેરી.
(તુલસીદલ, ૭૧-૭૨)