અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/રાત આખી
Jump to navigation
Jump to search
રાત આખી
સુરેશ દલાલ
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
મને સૂતીને સપને જગાડ્યા કરી.
બાવરી આ આંખ મારી આમતેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લો
મધુવનના વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.
નીલરંગી છાંય થઈ તારો આ સૂર
મારી યમુનાના વ્હેણમાં દોડે;
જાગીને જોઉં તો જાણું નહિ કે કેમ
મોરપિચ્છ મહેકે અંબોડે!
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.
(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૨)