અવલોકન-વિશ્વ/દાર્શનિક ગૂઢ તત્ત્વની નવલકથા – બસંતકુમાર પંડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દાર્શનિક ગૂઢ તત્ત્વની નવલકથા – બસંતકુમાર પંડા


49-Basant-VARSHA-DAS-197x300.jpg


‘શેષ ઈશ્વર’ની કથારેખા – વર્ષા દાસ
‘શેષ ઈશ્વર’ નવલકથાના વિશાળ ફલકને જોઈને કેટલાક સમીક્ષકો એને મહાભારત સાથે સરખાવે છે. હા, એ ખરું કે આ નવલકથાનાં પ્રકરણોને લેખિકા પ્રતિભા રાય પર્વ કહે છે. એ સત્તર પર્વોનાં નામ પરથી જ નવલકથાના વિકાસક્રમનો ખ્યાલ આવી જશે: માનવપર્વ, આનંદપર્વ, ગૃહપ્રવેશપર્વ, નામકરણપર્વ, હિંસાપર્વ, વિદાયપર્વ, ભાવપર્વ, પુનર્જન્મપર્વ, ત્યાગપર્વ, પુણ્યપર્વ, સ્વર્ગપર્વ, માયાપર્વ, સમુદ્રપર્વ, શોકપર્વ, હૃદયપર્વ, અન્વેષાપર્વ અને છેલ્લું ઈશ્વરપર્વ.

એક નાના, નિર્દોષ, નિરીહ બાળકને એક ખ્રિસ્તી દંપતી મોમ (મધર) ગ્લોરી અને ફાધર ફ્રેન્કલીન આશ્રય આપે છે. એ બાળક એમની મિશનરી સ્કૂલમાં ભણે છે. એનો ઉછેર સારી રીતે થાય છે. સ્કૂલના શિક્ષણ દરમિયાન એ અંગ્રેજી, ઉડિયા ઉપરાંત આદિવાસીઓની ભાષા પણ શીખે છે. ખ્રિસ્તી દંપતીએ એ બાળકને અપાર સ્નેહ કર્યો, પરંતુ સંતાનનો દરજ્જો ન આપ્યો. કિશોરવસ્થાએ પહોંચ્યો તે પહેલાં જ એ બાળકે સામાજિક વ્યવહાર, જીવવાની મર્યાદાઓ, ભાષાજ્ઞાન મેળવી લીધેલાં. પણ એ ખ્રિસ્તી ન બન્યો.

એ બાળકે પોતે જ પોતાનું નામ પાડ્યું માસાક નોમાડ, એટલે કે યાયાવર, પરિવ્રાજક. એક દિવસ માસાકે નજરોનજર જોયું કે ફ્રેન્કલીન અને એનાં સંતાનોને કેટલાક લોકોએ એમની મોટરમાં પૂરી દીધાં અને મોટર સળગાવી દીધી. ફ્રેન્કલીને એના કૅમેરાથી માસાકને ફોટા પાડવાનું શીખવેલું. માસાકે એ કૅમેરાથી જ સળગતી મોટર અને એમાં બળતા ફ્રેન્કલીન અને એનાં સંતાનોના ફોટા પાડ્યા. પોલીસ તપાસ કરવા આવી. માસાક પોલીસથી ડરી ગયો. સાચી વાત કહી ન શક્યો. એ ગામ છોડીને ચાલ્યો ગયો.

ફરતો ફરતો એ નકસલીઓના હાથમાં જઈ પડ્યો. નકસલ નેતાને જાણવું હતું કે માસાક છે કોણ, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, વગેરે. માસાકે સ્પષ્ટપણે બધી વાત કહી. કેટલોક સમય એ ત્યાં જ, નકસલીઓની સાથે રહ્યો. એણે જોયું કે આ લોકો જે આદર્શોની વાત કરે છે તેનું પાલન નથી કરતા. એ લોકોમાં એણે કામના, લોભ, હિંસા અને ઘૃણા જોયાં. એને ત્યાંથી પણ ભાગી જવું હતું. માસાકની સચ્ચાઈ જોઈને નકસલીઓએ એને મુક્ત કરી દીધો. તે પછી તથાકથિત સભ્ય સમાજમાં પહોંચી મોમ ગ્લોરીની ભલામણથી એ દિલ્હી પહોંચ્યો. આગળ ભણ્યો. ફોટોગ્રાફી કરતો હતો એટલે દિલ્હીની એક ફોટો-લૅબમાં એને નોકરી મળી ગઈ. જીવવા માટે એટલી આવક પૂરતી હતી.

દિલ્હીમાં હિંદુ-મુસલમાનના એક હુલ્લડમાં માસાકનો પ્રિય મિત્ર પોલીસની ગોળીથી મરી ગયો. જેમ હુલ્લડમાં ભાગ લેનારા પાગલ લોકો હકીકત નથી જાણતા, ધર્મ એટલે શું તે પણ નથી જાણતા, એ રીતે પોલીસ પણ સત્યને જોઈ નથી શકતી. ફોટો-લૅબનો માલિક સુલેમાન માસાકના કામથી ખુશ હતો. એના સ્વભાવ અને ચરિત્રથી પણ પ્રભાવિત હતો. એણે માસાકને વધુ ભણવા, રીસર્ચ કરવા પરદેશ મોકલ્યો, વિભિન્ન સંપ્રદાયોમાં, સંસ્કૃતિઓમાં જીવી જીવીને માસાક આગળ વધતો ગયો.

એના નામ પ્રમાણે નોમાડ ફરતો રહ્યો. પોતાની ઇચ્છાથી નહીં, પણ પરિસ્થિતિવશ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જતો. એણે જુદા જુદા પ્રકારની ભાષાઓ સાંભળી અને શીખ્યો પણ. માનવસુલભ ગુણો જોયા તો ધર્માંધતા પણ જોઈ. ધર્મના નામે ઘૃણા અને હત્યાની વિભીષિકા જોઈ. મૃત્યુથી તે કેટલીય વાર બચી ગયો. નીડરતાપૂર્વક મૃત્યુ અને ઘૃણાનો સામનો પણ કર્યો. એણે કોઈ પણ ધર્મ સ્વીકાર્યો નહીં. કોઈ પણ ધર્મનો અનાદર પણ કર્યો નહીં. પરંતુ એના પ્રશ્નોના જવાબ એને ક્યાંય ન મળ્યા. સત્યની શોધમાં આખી દુનિયામાં ફર્યો. કેટલીયે યુવતીઓ સાથે પ્રેમ કર્યો. પરંતુ માસાક દેહને નહીં, આત્માને શોધતો રહ્યો એટલે હંમેશાં એકલો પડી જતો.

આવી એકલતામાં એકવાર એ સમુદ્રકિનારે ઊભો હતો. ત્યાં એક બાળક તરતું તરતું એની નજીક આવી પહોંચ્યું. એને થયું કે એને શિશુરૂપે ઈશ્વર પ્રાપ્ત થયા છે. પછી તો દૂરથી એક નાની હોડી આવતી દેખાઈ. જાણે માસાકની અંતિમ યાત્રા માટે જ ન આવી હોય! માસાકે નક્કી કર્યું કે એ પરિત્યક્ત શિશુને લઈને એવી જગ્યાએ જશે જ્યાં હિંસા, દેશની સીમારેખા, જાતિવિભાજન, ધર્મવિભાજન કંઈ જ ન હોય. આરંભ અને અંતની મધ્યમાં માત્ર મનુષ્ય જ છે, અને તે જ ઈશ્વર છે. – વર્ષા દાસ

દાર્શનિક ગૂઢ તત્ત્વની નવલકથા

નવલકથા ‘શેષ ઈશ્વર’ ભારતીય કથાસાહિત્ય જગતનું એક અનન્ય સર્જન છે. ઈશ્વરની શોધના દીર્ઘ રહસ્યમય દાર્શનિક ગૂઢ તત્ત્વને નવલકથાના મુખ્ય પાત્ર માસાક નોમાડની વિસ્મયકર જીવનયાત્રા દ્વારા એક અદ્ભુત, આકર્ષક, જટિલ, આવેગમય, કથાવસ્તુમાં પરિણત કરવાની દક્ષતા આ પુસ્તકની પરમ સિદ્ધિ છે. સમાજની ઘનીભૂત સમસ્યા – પછી તે ધાર્મિક અસહિષ્ણુતા હોય કે સંત્રાસ હોય, કટ્ટરવાદી દુરાચાર હોય કે ધાર્મિક અંધવિશ્વાસ, કર્મકાંડ અને કુસંસ્કૃતિનું વિષચક્ર હોય – એ બધાને પરાજિત કરીને સાધારણ આધ્યાત્મિકતાના સહજ માનવવાદની સ્થાપના થવાથી ઘણા દૂરના ઇતિહાસમાંથી જાણે આ કથાવસ્તુ લેખકે પ્રાપ્ત કર્યું છે. પહેલાનો વારસો, ઇતિહાસ, પુરાણ, પ્રકૃતિ, માટી, મનુષ્ય, સંસ્કૃતિ, વગેરે વિષયોના વિન્યાસથી જડિત પ્રતિભા રાયનું સર્જક-મન આ નવલકથાના મહાન કથાવસ્તુની શોધમાં પ્રવૃત્ત હોવાથી પાંચ વર્ષના લાંબાગાળા સુધી કરેલા રાત-દિવસના સંશોધન પછી આ સાહિત્યપ્રકારના માધ્યમથી ‘શેષ ઈશ્વર’ની પ્રાપ્તિ થઈ છે. આ શેષ ઈશ્વર કોણ એની શોધ કરવામાં દુર્વાર જીવનસંગ્રામથી મળેલી રોમાંચક વાર્તા ‘શેષ ઈશ્વર’ના વાચકોને સતત ગતિશીલ ઉત્કંઠાથી આકષિર્ત કરશે. એટલે આ સમીક્ષકનો ઉદ્દેશ વાર્તા કહેવાનો નથી, વાર્તાની ચારેબાજુ રહેલા અદૃશ્ય રહસ્યમય ધુમ્મસને દૂર કરીને સુરમ્ય કથાવસ્તુને અનાવૃત્ત કરી તેના માળખા તરફ અંગુલિનિર્દેશ કરવાનો મારો પ્રયત્ન છે.

ધર્મ અને ઈશ્વરની વાર્તાઓ વિભિન્ન અને વિચિત્ર છે. પુરાણની કલ્પના અને તત્ત્વની જિજ્ઞાસામાં એ અશેષ અને અસામાન્ય છે. ધર્મ મનુષ્યકૃત છે એટલે તેનો ઇતિહાસ છે. ઈશ્વરનું માત્ર અસ્તિત્વ છે, તેનો ઇતિહાસ નથી. (ઈશ્વરના અસ્તિત્વ અંગે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે – ઉપનિષદથી માંડીને ફ્રેડરિક નિત્શે સુધી ઈશ્વરની શોધનો ઇતિહાસ લાંબો છે, પણ છેલ્લો નથી). આ પ્રકારના એક દુરુહ વિષયને નવલકથાના કથાવસ્તુ તરીકે પસંદ કરીને લેખિકા એક કથાનક સુધી પહોંચી ગયાં છે, અથવા તો ‘શેષ ઈશ્વર’ના નામકરણથી વાચકનું કુતૂહલ જાગે તે માટેનું કારણ ઊભું કર્યું છે, એવું આ નવલકથા વાંચ્યા પછી લાગશે. નવલકથાનું કથાવસ્તુ, કથાસ્વરૂપ, ગતિ, બહુલ પાત્રો અને વિશાળ કેનવાસ મહાભારતનો ભ્રમ પેદા કરશે, વ્યાસકુટિની મરીચિકા પ્રતીત થશે. આ બધામાંથી જે મેળવ્યું તેને સુપાઠ્ય બનાવીને લિપિબદ્ધ કરવાની ફલશ્રુતિ છે ‘શેષ ઈશ્વર’.

મને લાગે છે કે, માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યનું જીવન સર્વશ્રેષ્ઠ છે. દલીલ અને ધર્મથી ઉપર આધ્યાત્મિકતાની સ્થાપના કરીને બધાના કેન્દ્રમાં મનુષ્યને અભિનવ ભાવથી સ્થાપિત કરવો તે નવજાગરણનું શ્રેષ્ઠ કૃતિત્વ ગણાય. એ જ સાધનાની અતિક્રમશીલતાની ચિત્તાકર્ષક ગાથા આ ગ્રંથમાં પ્રતિબંિબિત થઈ છે.

સાહિત્ય-સમાલોચનાની અધુનાતન ધારા વિઘટનવાદના માનદંડથી આ ગ્રંથ વાંચતી વખતે જેમ જેમ આગળ વધશો તેમ તેમાં અનેક અભિનવ કથાઓ જડશે. પરંતુ આ સંક્ષિપ્ત લેખમાં એ બધું સમાવવાનું સંભવ નથી. માત્ર દેરિદાએ કહેલાં કેટલાંક મુખ્ય સૂત્રોને સ્પર્શીને વિચાર કરી શકાય. (એક ગ્રંથના રચયિતા, પૃષ્ઠભૂમિ, ઇતિહાસ, ઉદ્દેશ્ય – એ બધાથી દૂર રહીને માત્ર પુસ્તકના કથાવસ્તુ અને એના અર્થ-પ્રત્યયના સંપર્કનું ઊંડાણ, તાત્ત્વિક દૃષ્ટિકોણ લઈને ‘વિઘટનવાદની સ્થાપના, દેરિદાના મતાનુસાર ભાષાવિન્યાસ પ્રતીકાત્મક શૃંખલા પર જ સંભવિત છે.) કેન્ટથી માંડીને વિટગેનસ્ટાઈન સુધીના સૌએ આ અર્થ-પ્રત્યયનું વિશ્લેષણ કર્યું છે. ‘શેષ ઈશ્વર’નાં 17 પર્વોમાંથી કોઈ પણ અંશનું ઉદાહરણ લઈને અર્થ-પ્રત્યય લઈએ તો વ્યક્તિ અથવા વિષયથી મુક્ત રહીને સર્જકનો ઉદ્દેશ્ય કેવી રીતે પ્રતીકાત્મક બને છે તે સમજી શકાશે.

આમાં કવિ જેવી સુષમા અને દાર્શનિક ગંભીરતા, દલીલ અને પ્રામાણિકતા, સર્જનની ચમત્કારિકતા અને સંગઠનની દક્ષતા, તત્ત્વજિજ્ઞાસા અને શૈલીકૌશલ – આ બધું એકી સાથે દેખાય છે. શબ્દ અને અર્થની જાદુઈ ક્રીડામાં પાત્રો, ઘટનાઓનાં અનેક વર્ણનો એક સૂત્રમાં ગૂંથીને નવલકથાના પ્રારંભ અને અંતની અપૂર્વ સંયોજના કરવામાં આવી છે. પ્રકૃતિની સાથે મનુષ્યના ગાઢ સંપર્કથી શાશ્વત કહાણી નવી રીતે કહી છે. મુખ્ય પાત્ર માસાક નોમાડના જીવનની કથા વિચારતી વખતે યાદ આવી જાય છે વિશ્વસાહિત્યનાં કેટલાંય યશસ્વી પાત્રો – મહાભારતના અર્જુન, ઓડિસીના ઓડિસ્યૂસથી શરૂ કરીને આધુનિક જગતના ‘વોર એન્ડ પીસ’ના પિયેર અથવા ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યૂડ’ના બુએન્ડિયા સુધીનાં પાત્રો. માયાવી વાસ્તવિકતાના સ્પર્શથી નવલકથાનાં ચિત્રો અને પાત્રો પરીકથાની અતિરંજનાથી વાચકને અતિવાસ્તવિકતા સુધી લઈ જાય છે. એક મોહરહિત સત્યનિષ્ઠાથી લેખક વાચકને પોતાની રચનાની સાથે લઈને આત્મતૃપ્તિનો શ્વાસ લે છે.

કહેવાય છે કે એક ઉત્કૃષ્ટ વાર્તાને મહાન કથામાં પરિણત કરવા માટે સાત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ‘શેષ ઈશ્વર’માં એ બધાંનો અનાયાસે ઉપયોગ થયો છે. એમાં પહેલી પદ્ધતિમાં પંચેન્દ્રિયના આભૂષણને અતિક્રમ કરીને ઈશ્વરીય આનંદને સ્પર્શ કરવાનો છે. ‘શેષ ઈશ્વર’નાં અનેક વર્ણનોમાં અદ્વિતીય ચેતનાના સ્પર્શથી વાચક પહેલાં કદી ન અનુભવેલો આનંદ પામશે, જે ઇન્દ્રિયગત નથી, આત્મિક અને આધ્યાત્મિક છે. દાખલા તરીકે, ‘એ જાણે છે કે હિમાલય પર વિજય મેળવવાની ઇચ્છા સાથે ઊંચે જવાથી મનુષ્યના અહંકારને એ ધૈર્યપૂર્વક સહે છે અને પાથિર્વ જગતમાંથી અપાથિર્વ તરફ લઈ જાય છે. મનુષ્યના વિજયને પણ સ્થાપિત કરે છે હિમાલય. માણસનો પગ જ્યારે લપસે છે તે વખતે હિમાલય મને સાવધ કરી દે છે કે વિજય પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે ન આવો. આવો મને આલિંગન કરવા માટે. આવો મારા હૃદયસ્પંદનને જાણવા માટે. ત્યારે જોજો, હિમાલય તમે હૃદયમાં જ દેખાશે. પરંતુ અહંકારના સ્વરૂપમાં નહીં. મહાન વિશ્વમાનવના સ્વરૂપમાં.’

બીજી વાત છે નવલકથાના દરેક પાત્રમાં અસાધારણતા ભરી દેવા માટેનો સચેતન પ્રયાસ. ‘શેષ ઈશ્વર’નો માસાક, સાંદ્ર, ફાધરથી માંડીને અરમ્યા સુધીનાં દરેક પાત્રમાં એ અસાધારણતા ભરી લીધી છે. આ નવલકથામાં સ્થિર અને ગતિશીલ બંને પાત્રો છે. કેટલાંક પોતપોતાની વાત કરે છે અને કેટલાકની વાત લેખક કરે છે. પરંતુ બંને પ્રકારનાં પાત્રોમાં રોજિંદા જીવનમાં મળતા સીધાસાદા માણસો નથી. પોતાના ક્રિયાકલાપમાં તેઓ અસાધારણ ગુણો દર્શાવે છે. ત્રીજી વાત કોઈ પણ મહાન કથાસાહિત્યનું એના ચીલાચાલુ માળખા અથવા આંગિક સૌંદર્ય પરથી મૂલ્યાંકન કરવામાં નથી આવતું. વર્ણનના ચાતુર્યમાં, ભાષાની ચમત્કારિકતામાં, શૈલીની સુષમા દ્વારા વાચક ગમે તેટલો મુગ્ધ થાય, પણ તેના ભાવના અભાવથી તે રચના દરિદ્ર થઈ જાય છે. જોકે બહારથી લાગે છે કે દરિદ્રતા પણ આત્મિક રસ સર્જે છે, એ જ દરિદ્રતામાંથી ઐશ્વર્ય ખીલી ઊઠે છે. ‘શેષ ઈશ્વર’ને શરીર નથી, એના આત્માની અમ્લાન દીપ્તિ જ તેની ગરિમા છે.

ચોથી વાત છે સત્યબદ્ધતાની. એ લેખકને માટે છે. પ્રત્યેક પાત્રની અંદર પોતાની ચેતનાનો પડછાયો મૂકવાને લીધે એ બધાના પાત્રચિત્રણની સત્યબદ્ધતા શાશ્વત મર્યાદાને લીધે થાય છે. ‘શેષ ઈશ્વર’માં વર્ણવાયેલાં ઇતિહાસ અને ભૂગોળ તત્કાલીન નથી, સર્વકાલીન છે. એટલે જ મહત્ત્વપૂર્ણ છે. સત્યની શોધનાં અનેક ઉદાહરણો ‘શેષ ઈશ્વર’માં મળે છે.

પાંચમી પદ્ધતિ – સંગ્રહિત તથ્ય અને ઉપાદાનોમાં પણ જે સર્વોત્કૃષ્ટ છે તેનો ઉપયોગ કરવાનું ઉચિત છે. કોઈ પણ તથ્ય કે ઉપાદાનનો ઉપયોગ કરી સૃષ્ટિના ક્લેવરની વૃદ્ધિ કરી શકાય. પરંતુ તેનો સદુપયોગ ન થાય ને તે ઉત્કૃષ્ટ પણ ન ગણાય. ‘શેષ ઈશ્વર’માં કેટલીક જગ્યાએ આ પ્રકારની ત્રૂટિ હોઈ શકે. પરંતુ આ પદ્ધતિને લીધે ગ્રંથ વૈચિત્ર્યમય બની શક્યો છે.

છઠ્ઠી અને સાતમી વાત છે બધાં જ પાત્રોમાં હસાવવાની અને રડાવવાની યોગ્યતા. હસાવવાનો અને રડાવવાનો અર્થ છે આનંદ અને વેદના એકી સાથે. જે આનંદ વાચકને વિભોર કરે છે તે વળી વેદનાથી વ્યાકુળ પણ કરે છે.’ વળી આ બંને અવસ્થામાં નિલિર્પ્ત રહીને ‘સ્ટોઇક’ ચેતનામાં પોતાને સ્થિર રાખવા પાત્રમાં જીવનમુક્તિનો ભાવ પ્રગટ કરવાનું કાર્ય મહાન સર્જક જ કરી શકે. ‘શેષ ઈશ્વર’માં અનેક જગ્યાએ આ પ્રકારના ભાવ વાચકના ચિત્તને વિસ્ફુરિત કરે છે. એટલે માત્ર એક સાધારણ મનોમુગ્ધકર વાર્તા વાંચીને સૂઈ જવા જેવું આ પુસ્તક નથી. વાચકના મનને અનંત જિજ્ઞાસાથી પ્રશ્નઘાત અને અબાધિત કુતૂહલને આંદોલિત કરીને ‘શેષ ઈશ્વર’ વાચકને વારંવાર વાંચવા માટે અને જીવનના અર્થને જોડવા માટે આહ્વાન કરે છે.

‘શેષ ઈશ્વર’ નવલકથાની વિશેષતા એ છે કે એનાં લેખકના વિચારોની ગતિ તિર્યક નથી, રૈખિક અને તીવ્ર છે. વિડંબિત નથી, વિસ્તૃત છે. વિચાર તર્કયુક્ત, વર્ણનો પ્રાંજલ, જાદુઈ વાસ્તવવાદમાં દેખાતી દુર્બોધતા અને રહસ્યમય કથાવસ્તુને અતિક્રમીને ચિરંતન માનવવાદી ઉદારતા અને જીવનવાદી તન્મયતા પ્રારંભથી અંત સુધી વાચકને ભાવપ્રવણ રાખશે. ‘સર્વની ઉપર મનુષ્ય સત્ય, તેની ઉપર કંઈ નહીં’, તેની જ વાત છે. – બસંતકુમાર પંડા

*

વર્ષા દાસ
અનુવાદક
પૂર્વ-નિયામક, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નવી દિલ્હી.
દિલ્હી.
varshadas42@gmaill.com
98181 89946

*
બસંતકુમાર પંડા

વિવેચક
શિક્ષણસંસ્થાન એનસીઈઆરટીના ઉડિયા ભાષાના અધ્યક્ષ,
ભુવનેશ્વર.
99373 87017

*