અવલોકન-વિશ્વ/ભારતીય અંગ્રેજી ફિલ્મવિચાર – અમૃત ગંગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભારતીય અંગ્રેજી ફિલ્મવિચાર – અમૃત ગંગર


Illuminating-Agony-300x180.jpg


Illuminating Agony: Ritwik Ghatak – Devayani Haldar, Culcatta, 2016


ડો. દેવયાની હલદરનું પુસ્તક ઘટકની ફિલ્મોસોફી અને વર્લ્ડવ્યૂ વિશે કેટલીક નવી આબોહવા લઈને આવે છે. અને આ આબોહવામાં ચોક્કસપણે લેખકનો માર્ક્સવાદી અભિગમ છતો થાય છે. તેમના પૃથક્કરણમાં લેખક 1942થી 1976 સુધીના ગાળાને આવરી લે છે. 1925ના વર્ષમાં પૂર્વ બંગાળમાં જન્મેલા ઋત્વિક ઘટક 1976માં પશ્ચિમ બંગાળમાં નિધન પામ્યા હતા. અને આ સમયકાળમાં તેઓ બંગાળના ભાગલાથી ભગ્નહૃદયી થયા હતા અને આ દુ:ખનું કારુણ્ય તેમની દરેક ફિલ્મકૃતિઓમાં ડોકાતું રહે છે. લેખક આ વેદનાને ઇલ્યૂમિનેટિન્ગ એગની એટલે પ્રદીપન-વેદના કહે છે. પ્રસ્તુત સમયકાળમાં ઘટકે બંગાળના દુકાળની અમાનુષી ભીષણતા પણ જોઈ હતી અને બાંગ્લાનું યુદ્ધ તેમજ રાષ્ટ્રવ્યાપી કટોકટી પણ. ડો. હલદર ફિલ્મસર્જકની વેદનાને નવી વાચા આપે છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતી ફિલ્મ દિગ્દર્શક અને પૂણે-સ્થિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ઇન્ડિયા (હવે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં ઋત્વિક ઘટકના વિદ્યાર્થી રહી ચૂકેલા શ્રી અડૂર ગોપાલકૃષ્ણન ઘટકની પટકથા આધારિત બિમલ રોય દિગ્દશિર્ત હિન્દી ફિલ્મ મધુમતી વિશે રસપ્રદ ઉલ્લેખ કરે છે. વિદિત છે તેમ ટૂંક સમય માટે ઘટક એફટીઆઈઆઈમાં અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ એમણે મુંબઈમાં પણ કામ કર્યું હતું. ડો. હલદરનું પુસ્તક તેના રાજકીય અભિગમને લીધે જુદું તરી આવે છે. ઋત્વિક ઘટકને તેઓ માર્ક્સવાદી કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક તરીકે જુએ છે અને એ રીતે સંદર્ભીને તેમના ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન વ.ના સંબંધોની આગવી રીતે વાત કરે છે. ઋત્વિક ઘટક અને ભારતની ડાબેરી સાંસ્કૃતિક ચળવળના અભ્યાસીઓ માટે ડો. હલદરનું પુસ્તક વિશેષ રીતે ઉપયોગી થઈ શકે.