આચમની/૩૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૦

રાજર્ષિ જનકની સભામાં આર્તભાગે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું : ‘મૃત્યુ પછી મનુષ્યનું શું થાય છે?’ યાજ્ઞવલ્ક્ય જવાબમાં કહ્યું: ‘સૌમ્ય અર્તભાગ, આ પ્રશ્નનો જવાબ લોકોના સમુદાયમાં આપી શકાય તેમ નથી. ચાલ, મારો હાથ પકડ; આપણે બંને એકાંતમાં જઈ આનો નિર્ણય કરીએ.’ યાજ્ઞવલ્ક્ય અને અર્તભાગ એકાંતમાં ગયા. બન્નેએ મળી નિર્ણય કર્યો કે ‘મૃત્યુ પછી મનુષ્યનાં કર્મ તેની સાથે જાય છે.’ ‘મનુષ્યનું શરીર રાસાયણિક દ્રવ્યોના મિશ્રણથી આવેલો ઊભરો છે અને તે ઊભરો શમી જતાં શરીર નાશ પામે છે?’ કે પછી, ‘શરીરથી ભિન્ન કોઈ ચેતના છે?’ — આ પ્રશ્નના જવાબ લોકસમુદાયમાં મળે તેમ નથી. પોતાની મેળે જ, પોતાના અનુભવમાંથી જવાબ મેળવવાનો રહે છે. શરીરનો નાશ થતાં શરીરથી ભિન્ન એવો જીવાત્મા કર્માનુસાર ગતિ કરે છે એવું ઋષિઓનું દર્શન છે. આ સત્યનો અનુભવ કરવા માટે વ્યક્તિએ પોતે આત્માને જાણવો અને જોવો જોઈએ. ઋષિઓએ આત્માને તેજોમય, અમૃતમય, આનંદમય કહ્યો છે. મૃત્યુ સર્વનો ગ્રાસ કરી જાય છે; તો મૃત્યુનો યે ગ્રાસ કરે એવું તત્ત્વ આ જગતમાં છે કે નહીં? ઋષિઓના વાર્તાલાપમાં કાવ્યમય અને પ્રાણવાન વાણી સંભળાય છે :

યદિદં સર્વ મૃત્યોઃ અન્નમ્
કા સ્વિત્ સા દેવતા યસ્યા મૃત્યુ અન્નં

આ બધું મૃત્યુનું અન્ન છે તો એ દેવતા કોણ છે જેનું મૃત્યુ અન્ન છે? માત્ર અન્ન કે મુખ્ય ભોજન નહીં પણ ઋષિ તો મૃત્યુને અથાણું કે ચટણી જ ગણે છે. ‘મૃત્યુ યસ્ય ઉપસેચનમ્’ – મૃત્યુ આપણા બધાની ચટણી કરી નાખે છે ત્યારે મૃત્યુની ચટણી કરે એવું છે કોઈ આ મૃત્યુલોકમાં? યમરાજ પાસેથી જ અમૃતની વિદ્યા મેળવતા નચિકેતાની સાક્ષી છે :

અયમર્ત્ય: અમૃતો ભવતિ
અત્ર બ્રહ્મ સમશ્નુતે
(ઋ ૨-૩-૧૪)

ઋષિઓએ તો સર્વ મનુષ્યોને અમૃતસ્ય પુત્રાઃ — અમૃતના પુત્રો કહી સંબોધ્યા છે. જીવનના ભોજનથાળમાં મૃત્યુની ચટણીનો સ્વાદ માણવો હોય તો તેમને પગલે ચાલવું રહ્યું.

***