આચમની/૩૨
કાર્લ જુંગે ‘મેમરીઝ, ડ્રીમ્સ રિફ્લેક્શન્સ’ નામની તેમની આત્મકથામાં પોતાનાં સ્વપ્નોની વાત લખી છે. એક સ્વપ્નમાં તે જુએ છે કે ટેકરીઓવાળા પ્રદેશમાં એક સાંકડા રસ્તા પરથી પોતે જાય છે. સૂર્ય પ્રકાશે છે અને પોતે બધી જ દિશામાં દૂર સુધી સ્પષ્ટ જોઈ શકે છે. ત્યાં રસ્તાની ધારે આવેલા એક દેવળમાં તે જાય છે. બારણાં ખુલ્લાં છે. જુંગ આશ્ચર્યથી જોઈ રહે છે કે દેવળમાં આવેલી વેદિકા પર મધર મેરીની મૂર્તિ કે ક્રુસ નથી, પણ ફૂલોની અદ્ભુત રચના કરવામાં આવી છે. પછી જુંગ જુએ છે કે વેદિકા પાસે તેના ભણી મુખ કરી એક યોગી પદ્માસન વાળી ઊંડા ધ્યાનમાં બેઠો છે. જુંગ નજીક જઈ બારીકાઈથી જુએ છે તો તેને લાગે છે કે યોગીનો ચહેરો બરાબર પોતાને મળતો આવે છે. તેને વળી એમ પણ થાય છે કે યોગી પોતાનું જ ધ્યાન ધરે છે અને પોતે યોગીના ધ્યાનનું પાત્ર છે. અચાનક ભયભીત બની જુંગ જાગી જાય છે. તેને ખ્યાલ આવે છે કે એ યોગી પોતાને ધ્યાનમાં જુએ છે. પોતે એના સ્વપ્નનું પાત્ર છે અને યોગી જાગશે એટલે પોતાનું અસ્તિત્વ નહીં હોય. જુંગના મન પર આ સ્વપ્ને ઊંડી અસર કરી. આ સ્વપ્ન દ્વારા તે અહંભાવ અને આત્મભાવ વચ્ચેનો ભેદ પામી શક્યા. સમુદ્રમાં ઊંડે ડૂબકી મારનાર જેવી રીતે ડૂબકી માટે પહેરવામાં આવતો પોષાક પહેરે છે એવું જ દેહ સાથે જોડાયેલા અહંભાવનું છે. ડૂબકી મારનાર પાણીમાંથી બહાર આવતાં પોતાનો પોષાક ઉતારી નાખે છે એવી જ રીતે મૃત્યુ વખતે મનુષ્યનો દેહભાવ છૂટી જાય છે અને આત્મભાવની ઝાંખી થાય છે. ઈગો (અહંભાવ) અને સેલ્ફ (આત્મભાવ) વચ્ચે આવો તફાવત છે. યોગીનું સ્વપ્ન પૂરું થતાં પોતે મૃત્યુ પામશે એવો જુંગને ભય લાગ્યો. પણ તેને એમ શા માટે ન થયું કે પોતે નાશ પામવાને બદલે પેલા સ્વપ્નદૃષ્ટા યોગીની સાથે જ એકરૂપ બની જશે? પોતાના દેહને જ કેન્દ્રમાં રાખી જીવવાને બદલે પેલા પરમ કેન્દ્રમાં સ્થિર રહી આ દેહને જોઈ શકાય તો મૃત્યુને બદલે પોતાના જ સાચા સ્વરૂપની પ્રાપ્તિ થાય.
***