આત્મપરિચય/માંહ્યલો ડોલ્યો નથી
પાસે બેઠેલી મિત્સુ કહે છે : ‘રમકડાને ચાવી આપો.’ હું ચાવી આપું છું ને એ રંગલો હાથમાંના મંજીરા વગાડવા લાગે છે. મિત્સુ એના તાલે નાચવા માંડે છે. મારા શરીરમાં પણ એ લયનો સંચાર થાય છે પણ હું એકદમ તાળી પાડી ઊઠતો નથી. એ રમકડાં પર અને મિત્સુના કુમળા મુખ પર સવારનો તડકો — કૂણો તડકો પડે છે. આ બધું હું જોઉં છું. ક્ષણ પૂરતું એ બધું કશાક અદૃશ્ય સૂત્રે ગૂંથાઈ જાય છે. એક અખિલાઈનો અનુભવ થાય છે. આ સંવેદન ચેતનામાં સમરસ થઈ જાય છે. નેપથ્યમાં આખી એક પ્રક્રિયા શરૂ થાય છે. કદાચ ભવિષ્યમાં એ કશુંક રૂપ ધારણ કરે. અત્યારે મનમાં એનો લોભ નથી. એની સાથે તુરત જ એક બીજું દૃશ્ય ભળે છે. બળબળતા વૈશાખના બપોરે મુખ્ય રસ્તા પર થઈને ચાલ્યો આવું છું. ડાબી બાજુના બંગલાઓની દીવાલની કૃપણ છાયાનો આશ્રય લઈને દસબાર રગતપીતિયાંનાં કુટુમ્બો રહે છે. આંગળીઓનાં ખરી પડેલાં ટેરવાંવાળાં હાથે એક મા એના સાતઆઠ વરસના દીકરાને ગુસ્સે થઈને એના કૂણા ગાલમાં તમાચો ચોડી દે છે. પહેલી વાર ‘ચોડી દેવું’નો અર્થ પ્રત્યક્ષ થાય છે. ખરેખર માનાં એ આંગળાં બાળકના ગાલ પર ચોંટી ગયાં છે. થોડે દૂર રસ્તા પર ડામર પાથરતા મજૂરના પગની છાપ પડે છે. આ બધું પણ એક અખિલાઈનો અનુભવ કરાવે છે. આગળના ઓરડામાં બેઠો છું. ધીમે ધીમે અન્યમનસ્કતામાં સરી પડું છું. મારી આજુબાજુ એકાન્તનો પટ છવાઈ જાય છે. ત્યાં પવનની એક લહર દોડી જાય છે. દક્ષિણ તરફની બારીમાંથી જાસૂદનું ફૂલ ડોકિયું કરે છે અને ફરી લપાઈ જાય છે. મારા એકાન્તનો મર્મ જાણે જાસૂદના ફૂલની એ મુદ્રા પ્રકટ કરી આપે છે. જાસૂદના સ્વાક્ષર વગર મારી એ ક્ષણની અધિકૃતતા ઊણી રહી ગઈ હોત એવું મને લાગે છે. કોઈ વાર મને લાગે છે કે હું એકાન્તની ઓરમાં વીંટળાઈને જ જન્મ્યો છું. એક સ્થળે ત્રણ યુવાન વયનાં દીકરાદીકરીજમાઈનાં મરણના આઘાતથી હતવાક્ બની ગયેલા દાદા અને એમનાં મૂંગાંબહેરાં અકાળે વિધવા થયેલાં બહેન — આ નિ:શબ્દતાને ગળથૂથીમાંથી હું પામ્યો છું. ઘરના ઓરડાઓ મૌનથી તસતસતા હતા. બાળપણમાં આ વિષાદને પ્રતિરૂપ આપીને એમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ નહોતો. આથી એ વિષાદ ચેતનામાં ઊંડેઊંડે ઝમતો ગયો. જુવાનીમાં એ કોઈ વાર રોષ રૂપે ભડકો થઈ ઊઠ્યો તો કોઈ વાર એકાએક એનાં ઘેરા ઊંડાણમાં હું સરી પડ્યો. જીવનમાં આનન્દ ખૂબ માણ્યો છે પણ એ બધો આ વિષાદથી શબલિત થઈ ગયો. મને એવો પણ અનુભવ થયો છે, આ વિષાદને કારણે હું ઘણાના મૌનને સમજી શક્યો છું. ઘણી વાર એવો પણ અનુભવ થયો છે કે હું વિષાદ અને આનન્દના એવા પ્રદેશમાં પહોંચી ગયો છું જ્યાં એ બેનાં જુદાં નામ નથી. એ વ્યક્ત જ્યાં અવ્યક્ત બને છે તે પ્રદેશ છે. આથી જ તો હું વારે વારે અવ્યક્તના ઊંડાણમાં સરી પડું છું. એક બાજુ ઘરનું કણસતું મૌન અને બીજી બાજુ આજુબાજુના વનપ્રદેશની પ્રકૃતિપ્રચુરતા — મારું શિશુમન ક્રીડાંગણ છોડીને વિસ્મયપૂર્વક એનો મર્મ સમજવા મથતું હશે એમ તો હું આજે અનુમાન કરું છું. એટલું ખરું કે મારું મન એમાં ખોવાઈ જતું. એનો મર્મ પામવાની ભાષા તો ત્યારે તો નહોતી. એ ઘરમાં શબ્દોની વસતી જ નહીં જેવી હતી. આથી મને લાગે છે કે કશીક prelinguistic awareness (પ્રાગ્ભાષાકીય સમ્પ્રજ્ઞતા) હોવી જોઈએ. Phenomenology(પ્રતિભાસવિજ્ઞાન)ને આધારે એ બધું સમજવાનો વેપલો માંડી બેઠો છું. જગત ત્યારે વ્યવધાનરહિત ઇન્દ્રિયપ્રત્યક્ષોનું બનેલું હતું. ભાષાની સંકેતવ્યવસ્થા પણ આપણને સમાજ પાસેથી પ્રાપ્ત થાય છે. પાઠ્યપુસ્તકોમાંનું જગત તો અર્થઘટન પામી ચૂકેલું હોય છે. આથી વણબોટ્યું સાવ નરવું જગત પામવા માટેનો ઝુરાપો મનમાં હશે. પ્રતિરૂપો મારા જગતને સીમિત કરતાં નહોતાં. જગત ઉપમાનઉપમેયનાં ખાનાંમાં વહેંચાઈ ગયું નહોતું. એટલું ખરું કે છલકાતા ચૈતન્યની છાલક આજુબાજુનાં બધાંને સજીવન કરી મૂકતી હતી. મોગરાના ફૂલને બોલતાં સાંભળવું, પાણીમાં ડૂબકી મારીને અલોપ થઈ જવું, ઝાડની ડાળે શાખામૃગ બનીને પ્લવંગમ લયથી કૂદવું, ફૂટતા અંકુર જોડે ફૂટવું, ખરતાં પાંદડાં હવામાં જે રેખાઓ આંકે તેને મુગ્ધ બનીને જોયા કરવી — આ બધાંમાં રચ્યાપચ્યા રહેવાને કારણે બારાખડીએ જે સૃષ્ટિમાં પ્રવેશ કરાવ્યો તેમાં મન ઝટ જતું નહોતું. આંકડાઓની આંટીઘૂંટીમાંથી એ તરત ભાગી છૂટતું. આમ છતાં બારાખડીએ જ ધીમે ધીમે શબ્દોના રણકારને સાંભળવા પ્રેર્યો, શબ્દને શબ્દ સાથે જોડતાં જે જાદુ થયો તે જોઈને વિસ્મિત થયો. બાળપણમાં કોઈ બાળવાર્તા કે પરીકથા કહેનાર ઘરમાં કોઈ હતું નહીં, આથી પુસ્તકો વાંચવાનો લોભ વધ્યો. દાદાના હાથમાં પુસ્તકાલયની વ્યવસ્થા એટલે ચોપડીઓના પાર્સલ આવે ત્યારથી એને દાદા છોડે તેની રાહ જોઈએ. આમ ખોવાઈ જવા માટેનું એક બીજું જગત મળ્યું. દાદા પાસેથી છન્દો શીખ્યો. પછી દાદાના મન્દાક્રાન્તાશિખરિણી સુધારી પણ આપતો. ચોરીછૂપીથી એક જોડકણું ‘બાલમિત્ર’માં છપાવેલું. દાદાની નજરે એ ચઢ્યું. બોલાવ્યો ને તમાચો માર્યો. કહ્યું : ‘એ રસ્તે આપણે જવાનું નથી.’ ત્યારે તો એ નહોતું સમજાયું. મારા કાકા લખવાના શોખીન હતા. એકાદ નવલકથા લખેલી તે એમના ભરજુવાનીમાં થયેલા મરણ પછી મળી. આથી દાદાના મનમાં ભય પેસી ગયેલો. એ તમાચો વાત્સલ્યપ્રેરિત જ હતો તે પછીથી સમજ્યો. ગામડાગામની દન્તકથાઓ, ભૂતપ્રેતની કર્ણોપકર્ણ સાંભળેલી વાતો, પાસેના કિલ્લામાંથી સંભળાતી વાઘની ત્રાડ, હોળી વખતે તૂર અને કાંસાની થાળીમાંથી પ્રકટતો દ્રુત લય — આ બધું અલંકારશાસ્ત્ર શીખ્યો તે પહેલાં મનમાં જુદા જુદા સંચારી ભાવોને સંચિત કરતું ગયું. અધ્યાપનના વ્યવસાય માટે કરાંચી જવાનું થયું, ત્યાં રહેવાને ઘર મળ્યું નહોતું. પ્રા.ભવાનીશંકર વ્યાસે આશ્રય આપ્યો. એમણે પુસ્તકાલયમાં લઈ જઈને મેં નહીં વાંચેલા યુરોપના સર્જકોને ચીંધી બતાવ્યા, એ કાળ વાચનનો હતો. પાંચછ કલાક પુસ્તકાલયમાં બેસી જ રહેતો. આ બધું વાંચવાથી સર્જક થવું હોય તો કેવી ગુંજાશ કેળવવી પડે તેનો ખ્યાલ આવ્યો. બધું કાચું લખાણ ફાડી નાખ્યું. પછી એકદમ કલમ ઝાલવાની હિંમત ચાલી નહીં. લગભગ બાર વરસનું એ મૌન આવશ્યક જ હતું. આ વાચનને પરિણામે સમજાયું કે શબ્દને શબ્દ સાથે જોડવો એ ભારે કપરું કામ છે. હેમિંગ્વે અને ચેહોફનો સંયમ જોયો ને પ્રભાવિત થયો. ટૂંકી વાર્તામાં telegraphic briefness (તારમાં હોય એવું ટૂંકાણ)હોય પણ સાથે epic tenor (િમહાકાવ્યોચિત સ્વર) પણ હોય એ વાત મને ગમી ગઈ. ત્યારથી જ એ વાત સમજાઈ ગઈ છે કે જે લખવું તે કશોક પડકાર ઝીલીને લખવું, Failure is the privilege of an artist (નિષ્ફળતા એ તો કળાકારનો અધિકાર છે) એ વાત હું કદી ભૂલ્યો નથી. જે કાંઈ લખ્યું છે તેને વાસ્તવમાં મુસદ્દા રૂપે જ ગણતો આવ્યો છું. એ માટે કોઈકે મારી ઠેકડી પણ ઉડાવી છે. એમાં મેં સદ્ભાવ જ જોયો છે. ‘ગૃહપ્રવેશ’ પ્રકટ થતાં ‘પ્રવેશ આમ ન મળે’ એમ કહેવાયું ત્યારે ચાનક ચઢી. પ્રવેશ મળે કે ન મળે એ મહત્ત્વનું નથી, સફળતા મળે કે ન મળે એ મહત્ત્વનું નથી; આપણા પુરુષાર્થમાં ઊણપ ન આવવી જોઈએ. આથી જ તો પ્રેરણાબ્રેરણામાં મને ઝાઝી શ્રદ્ધા નથી. એને નામે slovenliness (લઘરાપણું)ઘૂસી જાય છે. મેં તો એમ જ હંમેશાં માન્યું છે કે હું દરેક લખેલા અને ભૂંસેલા શબ્દ માટે જવાબદાર છું. ટેક્નિક વડે મારે શોધ આરમ્ભવાની હતી. ઘણું વાંચેલુંભણેલું ભૂલવાનું હતું. મારી આગલી પેઢીના લેખકોને માટે મને માન હતું. એ લોકો જ્યાં પહોંચ્યા હતા ત્યાં સુધી મને દોરી લાવ્યા એ માટે હું એ સૌનો ઋણી છું. આમ છતાં કોઈની છત્રછાયા જ જો મારા પુરુષાર્થની સીમા બની રહે તો એ મારે માટે ઇષ્ટ નહોતું. પ્રશંસાનિંદાના ઘોંઘાટભર્યા વાતાવરણમાં સર્જનકર્મ ન થઈ શકે. છતાં એ બધાં વચ્ચે જ આપણે તો રહેવાનું છે. એ પરત્વે ઉદાસીનતા અને નિલિર્પ્તતા કેળવવા મથ્યો છું. છતાં બધી જ વખત એ જાળવી શક્યો છું એવું પણ નથી. ટૂંકી વાર્તા ચીનાઓ ચોખાના દાણા પર બસો અક્ષર કોતરે એના જેવી અઘરી કળા છે. એ માટે જ તો એ પડકાર ઝીલવાને લલચાયો. હું સામાજિક સમસ્યા લઈને વાર્તા લખતો નથી, સમસ્યા રસકીય જ હોય છે. છતાં એ પણ સમજું છું કે રસનિષ્પત્તિની પ્રક્રિયા અનુભવોની સંરચનાને પણ પ્રકટ કરતી આવે છે. મને માનવનિયતિ સાથે નિસ્બત છે. સૌથી વિશેષ વેદના માનવસમ્બન્ધોની કડી તૂટે છે ત્યારે મેં અનુભવી છે. માનવ્યનું ગૌરવ રહ્યું નથી. ક્ષુલ્લક સ્વાર્થ માટે અમાનુષી બની જતા લોકોને મેં જોયા છે. મને લાગે છે કે આપણા સમયમાં કરુણનું મુખ્ય આલમ્બન આ જ છે. છતાં મિલાન કુન્દેરાની જેમ laughter (હાસ્ય) અને forgetting (વિસ્મરણ)થી હું એ સિદ્ધ કરી શક્યો નથી. ભાષા સાત માળનો મહેલ છે. એના ઘણાબધા ઓરડાઓ અવાવરુ જ રહી ગયા હોય છે. વિધિનિષેધોથી ગ્રસ્ત પ્રજાને અનેક પ્રકારની છોછ વળગેલી હોય છે. આથી ભાષા પ્રત્યેનું આપણું વલણ હંમેશાં સર્જનને ઉપકારક નીવડ્યું નથી. આને કારણે અનુભવના ઘણા સમૃદ્ધ ખણ્ડો આપણી અભિવ્યક્તિની સીમામાં આવી શક્યા નથી. બાળપણના એકાન્તમાં ઘરમાં ક્યારેક જ એકાદ શબ્દ ઉચ્ચારતો. ખંડેરમાંથી ખરતી કાંકરી જેવો એ શબ્દ હૃદયમાં અનેક તરંગો જગાડતો. પછીથી મહાનગરમાં ગયો, શિષ્ટાચારથી સાફસૂથરા કરેલા નિષ્પ્રાણ શબ્દો સાંભળ્યા. એકાન્ત તો મને વીંટળાયેલું જ રહ્યું. મેં જોયું કે ઘણી વાર અસ્તિત્વમાંથી અન્અસ્તિત્વમાં સરી જવાય છે. ત્યારે અસ્તિત્વની પુન:પ્રાપ્તિ માટે એકાદ કાવ્યપંક્તિ, એકાદ વાક્ય તરણોપાય બની રહે છે. જુવાનીમાં જ શરીરે બળવો માંડ્યો. દમને કારણે શ્વાસનો લય તૂટ્યો. શ્વાસ મેળવવાની મથામણ અને શબ્દ મેળવવાની મથાપણ એકસરખી કપરી બની રહી. દમની અસ્વસ્થતામાંથી છૂટવા મારું મન જેમાં પૂરું કેન્દ્રિત થાય એવી પ્રવૃત્તિને સામે પલ્લે મૂકવાની જરૂર ઊભી થઈ. આમ મેં એક આન્તરિક આવશ્યકતાવાળી વાર્તા લખવી શરૂ કરી. વાક્યો જોડવા કરતાં તોડવાનું પણ જરૂરી લાગ્યું. સમય પણ તૂટક તૂટક અનુભવાતો હતો. આથી વાક્યની અસ્ખલિતતા કૃતકતાની ચાડી ખાતી હતી. ભાષાનાં પોત બદલાતાં રહ્યાં. માંહ્યલો ડોલ્યો નહીં. નિષ્ફળતાની એક ઉગ્ર સંવેદના મને ક્રિયાશીલ બનાવતી રહી. સ્વેચ્છાએ હું ઇતિહાસની બહાર નીકળી ગયો. એકાન્તની મારી માતૃભૂમિમાં હું મારાં જ ઉપાલમ્ભ અને આલોચનાને સહેતો સહેતો જીવી રહ્યો છું. એક જર્મન કવિ પંક્તિ લખતાં રેઢિયાળ વિશેષણ મૂકવાનું આવે ત્યાં જગ્યા કોરી રાખે છે. મને એ ગમ્યું છે. જે શબ્દ તમે લખો તે પહેલાં વાચક જાણી ગયો છે તે તો જીર્ણ થઈ જ ચૂક્યો. એને પ્રયોજવાથી શું? તો બીજી બાજુ ધીમે ધીમે (metaphor) રૂપક ઘસાઈ જાય છતાં ભાષાને વળગેલાં રહે એવી સ્થિતિ ઊભી થાય ત્યારે ભાષાને ‘મેટફર’માંથી મુક્ત કરવી પડે. જે રેઢિયાળ ભાષાનો ઉકરડો આપણી ચારે બાજુથી આપણને ઘેરી વળ્યો છે તેની દુસ્સહતાની સંવેદના પણ જગાડવાની રહે છે. પૃથ્વીની બે પ્રકારની ગતિ છે : એ પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. આ બંને ગતિને સમ્બન્ધ છે. નિબન્ધોમાં આવી આત્મનેપદી ગતિ કરવી મને ગમે છે. કાવ્યથી તો બધું જ રસાયેલું છે. પ્રદક્ષિણા કરવાને નિમિત્તરૂપ સૂર્ય સહજલભ્ય બન્યો નથી છતાં સર્જન એને માટેની જ શોધ છે. મૌન અને નિ:શબ્દતા મારે માટે તો નોળવેલ જેવાં છે. તાત્ત્વિક ઊહાપોહ ગમે છે પણ વ્યક્તિને કેન્દ્રમાં રાખી થતી જીભાજોડીથી દૂર રહું છું. આખરે એકલતાના જ ગર્ભમાં ફરી પ્રવેશવાની ક્ષણ આવશે. ૧૪-૬-૮૪ (સર્જકની આન્તરકથા સં. ઉમાશંકર જોશી)