ઇતિ મે મતિ/શરીર : માનવઆત્માની શ્રેષ્ઠ છબિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શરીર : માનવઆત્માની શ્રેષ્ઠ છબિ

સુરેશ જોષી

ઘણી વાર વિચાર કરું છું તો મનમાં પ્રશ્ન થાય છે કે જેને વારેવારે ‘હું’ કહીને બીજાને ઓળખાવવાનો પ્રયત્ન કરું છું તે શું છે? આ સમાજમાં એ ‘હું’ની વ્યાખ્યા બાંધવાનો મને સર્વાધિકાર મળ્યો છે ખરો? દરેક સમ્બન્ધ આ ‘હું’ના નિશ્ચંતિ ખ્યાલમાં પરિણામકારી ફેરફાર નથી લાવી દેતો? હું જે કરું છું તે જ માત્ર નહિ, પણ હું જે કરતો નથી તેથી પણ એ ‘હું’ની વ્યાખ્યા બદલાતી રહેતી નથી? આવી અનેક નિમિત્તે બદલાયા કરતી વ્યાખ્યાઓને યાદ રાખીને પોતાની જાત સાથે વારે વારે તાળો મેળવ્યા કરવાનો ઉદ્યમ કેવો તો થકવી નાખનારો હોય છે!

જે આત્મા ‘અંગુષ્ઠમાત્ર’ છે તેને મેં જોયો નથી, કારણ કે દેખાવાનો એનો સ્વભાવ જ નથી. વિટ્ગેનસ્ટાઇને તો કહ્યું જ છે ને કે માનવશરીર જ માનવઆત્માની શ્રેષ્ઠ છબિ છે! જોહ્ન હેયન્સ નામના કવિએ માનવીની જુદી જ વ્યાખ્યા આપી છે : એને ગમે તેના બદલામાં ગિરવે મૂકી શકાય છે. પગાર ચૂકવતાં પહેલાં જ કાપી લેવામાં આવતી રકમની જેમ સરકાર એને, એની જાણ કર્યા વિના ખણ્ડિત કરી શકે છે. પત્ની જે નામ દઈને એને બોલાવે છે તે નામ સાથે એનો સમ્બન્ધ બંધાયો હોતો નથી. એનો જે જવાબ વાળે છે તે પોતે છે એવું લાગતું નથી. બાળક કોઈ વાર હાથમાં કોલસો આવી જાય છે તો ભીંત પર થોડાક લસરકાથી માણસનું ચિત્ર દોરી નાખે છે. તે શું ‘હું’ છું? ના. જો પ્રામાણિકપણે કહેવું હોય તો એમ જ કહેવું પડે કે ‘હું’ મને ઓળખતો નથી. મારો આકાર ગમે તે હોઈ શકે. કોઈ વાર વૃક્ષની જેમ સીધો હું જમીનમાંથી જ ઊગી નીકળું છું તો કોઈ વાર જળની જેમ વહેતો થઈ જાઉં છું. કોઈ વાર હું મને નક્કરપણે સ્પર્શથી અનુભવવાને ઉત્સુક થઈ જાઉં છું ત્યારે જ ‘હું’ મને બાષ્પીભૂત થઈને ઊડી જતો જોઈ રહું છું. કોઈ વાર ઝાકળના જેવો હું સ્પર્શભંગુર બની જાઉં છું તો કોઈ વાર અવિરત ફરી રહેલા યુગચક્રના આંકાને ઝીલનાર શિલા બની રહું છું. સરકારના મનમાં આવે છે ત્યારે એ મારું નામ એના કોષ્ટકમાંથી ભૂંસી નાખે છે. કોઈક વાર મારા નામ પર કોઈક કાળું પોતું ફેરવી દે છે, તો કોઈક વાર ઇતિહાસમાં સોનેરી અક્ષરે મારું નામ કોતરવાની મને લાલચ આપવામાં આવે છે! કોઈ વાર છાપામાં બે ઈંચની હેડલાઇન પર મને ઊભો કરી દેવામાં આવે છે તો કોઈક વાર ગુમ થયેલાઓની યાદીમાં મારું નામ મૂકી દેવામાં આવે છે!

મારી સાથેની સંતાકૂકડીની રમત યોજીને મને ઈશ્વરે એવો તો લીલાવશ બનાવી દીધો છે કે હવે ઈશ્વરને અનેક પ્રશ્ન પૂછીને પજવવાનો મને સમય જ નથી મળતો! કોઈ વાર સમયનું ચક્ર મારા મગજમાં ક્યાંક ખોટકાઈને ઊભું રહી જાય છે ત્યારે હું ચારેય યુગની બહાર ફંગોળાઈ જાઉં છું. કોઈ વાર છાપરું અને ચાર દીવાલવાળા સુરક્ષિત ઘર વચ્ચેથી હું ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈને એકાએક અવકાશયાત્રીની જેમ અવકાશમાં તરતો થઈ જાઉં છું!

મારી પીઠ પર બધી બદલાતી સરકારોના સહીસિક્કા છે, મારા કપાળમાં અત્યાર સુધીમાં મેં ઓળંગેલી સરહદોની છાપ છે. મારી આંખોમાં જુગજૂની વેદનાના સાગરમાં સૂર્ય, ચન્દ્ર તર્યા કરે છે. મારાં ચરણ સદા મહાયાત્રાએ પ્રસ્થાન કરી ચૂક્યાં હોય છે. આ બધામાંથી જે કાંઈ પાછળ અવશેષમાં રહે છે તેના ભંગારમાંથી વળી સમાજ મને ઘડવાનો ઉદ્યમ કરે છે. વળી એના પર પ્રમાણભૂતતાના સહીસિક્કા કરાવવાનો વિધિ કરવો પડે છે. જન્મ્યાનો દાખલો સરકાર આપે નહીં ત્યાં સુધી હું જન્મ્યો છતાં જન્મ્યો ન ગણાઉં અને મર્યાનું પ્રમાણપ્રત્ર પણ સરકારી રાહે મળે નહીં ત્યાં સુધી મૃત્યુલોકમાં જવાનું બારણુંય કોણ મારે માટે ખોલે?

આથી જ તો મેં જોયું છે કે ઘણા લોકો પોતાનાં અંગત વ્યક્તિવાચક નામથી વેગળા રહીને જીવે છે. એઓ મરણિયા બનીને અંગત ભાષાનો ત્યાગ કરે છે. પૂરી બિનંગતતા સિદ્ધ કરવી એ જ એમનાં જીવનનો ચરમ પુરુષાર્થ બની રહે છે. એ લોકો જાહેર હવામાં જ જીવી શકે છે. છાપાની ભાષાથી પોતાની ભાષાને બહુ છેટે એઓ રાખતાં નથી. સુખદુ:ખની વ્યાખ્યા પણ એઓ અધિકારીઓ પાસે કરાવી લીધા પછી જ એને ભોગવે છે. આથી ઘણીવાર મને વળગેલા આ ‘હું’નું જાહેરમાં લિલામ કરવા ઉશ્કેરાઈ જાઉં છું. પણ ખરીદનાર તરીકે જો છુપાવેશે ઈશ્વર જ આવીને ઊભો રહ્યો હોય તો!

11-12-77