ઇન્ટરવ્યૂઝ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

યશવંત ત્રિવેદી
૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪

Yashvant Trivedi.jpg


યશવંત રામશંકર ત્રિવેદી (૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪) : એમનો જન્મ પાલિતાણામાં. પિતા રામશંકર ત્રિવેદીનું નાની વયે અવસાન થયું હતું. માતા રેવાબહેનનાં વાત્સલ્ય અને સંસ્કારવારસાએ તેમની સાહિત્યપ્રીતિને પોષવાનું કામ કર્યું. નાની વયે જ વિપુલ વાચનનો નાદ લાગ્યો હતો. મહુવાની નેટિવ લાઇબ્રેરી, મજૂર કલ્યાણ કેન્દ્રનાં પુસ્તકો અને જે. પી. પારેખ હાઈસ્કૂલની લાઇબ્રેરી આ ત્રણ સ્થળેથી એમને વાચનસામગ્રી ઉપલબ્ધ થઈ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટીક્સ વિષયો લઈ ૧૯૫૬માં બી.એ. એ વખતે છેલ્લા બે વર્ષ તેઓ મહેન્દ્રભાઈ મેઘાણીને ત્યાં રહ્યા ત્યારે ‘લોકમિલાપ’માં કામ કરવાનો અવસર મળ્યો. એ સમયે વિજયરાય વૈદ્ય ‘માનસી’નું કામ યશવંત ત્રિવેદીને સોંપતાં. યશવંતભાઈ એ વખતે જુનિયર બી.એ.માં હતા ને દર્શકની બધી કૃતિઓ લઈ અભ્યાસલેખ તૈયાર કરેલો જે ‘માનસી’માં છપાયેલો. ભાવનગરની હરભાઈ ત્રિવેદીની ઘરશાળામાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી ૧૯૫૮માં મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવ્યાના છ-સાત વર્ષ પછી માટુંગા સ્થિત રૂઈયા કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય લઈ એમ.એ. કર્યું. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી અધ્યક્ષ તરીકે નિવૃત્ત. રમેશ જાનીના માર્ગદર્શનમાં ‘કાવ્યની પરિભાષા’ વિશે મહાશોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું રામપ્રસાદ બક્ષી પારિતોષિક એનાયત થયેલું. આ ઉપરાંત એમને અનેક પારિતોષિકો મળેલાં. ‘પ્રતિયુદ્ધ કાવ્યો’ માટે ૧૯૭૮નો સોવિયેતલેન્ડ નહેરુ ઍવૉર્ડ, નિબંધ માટે કાકાસાહેબ કાલેલકર ઍવૉર્ડ, સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો, સુરસિંગાર સંસદનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, તેમજ જે. એ. ફાઉન્ડેશન તરફથી ‘સાહિત્યરત્ન’ ઍવૉર્ડ મળેલ.

—નૂતન જાની
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૭’માંથી સાભાર