ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું નાટ્યસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. ઉમાશંકર જોશીનું નાટ્યસાહિત્ય

શબ્દના ઉપાસક ઉમાશંકર પોતાની કલમને પદ્યમાં જ, કવિતાક્ષેત્રમાં જ સીમિત રાખે એમ તો ન જ બને. કવિતાક્ષેત્રે કાર્ય કરતાં ઉમાશંકરે અછાંદસનો – ગદ્યનો પ્રયોગ પણ કરી જોયો હતો. ઉમાશંકર જેવા શબ્દથી ઘાયલ થનાર સાહિત્યસર્જકને ગદ્ય-લયની ક્ષમતા-સિદ્ધિનો અંદાજ ન હોય એમ તો ન જ બને. બોલાતા શબ્દ તરફ કાનને સરવો રાખવાની કળા તો તેમને વરેલી જ હતી. એ કળાએ ખરી તકે સાહિત્યમાં તેમને યારી આપી અને નાટ્યાત્મક – સંવાદાત્મક તેમ જ કથાનાત્મક – વર્ણનાત્મક વાગ્રૂપોમાં તે અનેકધા ઉપકારક બની રહી. ઉમાશંકરે પદ્યક્ષેત્રે ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, નાટ્યલક્ષી સંવાદકાવ્ય આદિ સાહિત્યરૂપો અજમાવ્યાં; તો ગદ્યક્ષેત્રે પણ એકાંકી, ટૂંકી વાર્તા, નિબંધિકા, નવલકથા, પત્રાદિ અનેક સાહિત્યરૂપો અજમાવ્યાં. ઉમાશંકરે કવિતાક્ષેત્રે શબ્દને આત્મલક્ષી ભૂમિકા પરથી ઊર્મિકાવ્યમાંથી ઉઠાવી પરલક્ષી ભૂમિકા સુધી – નાટક સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો; તેમ ગદ્યક્ષેત્રે ઉમાશંકરે એકાંકીમાં પરલક્ષી નાટ્યભૂમિકા પર શબ્દને અજમાવી તેને નિબંધિકામાં આત્મલક્ષી ભૂમિકા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. ઉમાશંકરે કાવ્યના શબ્દને વિવિધ પરિમાણોમાં પ્રયોજી તેની રમણીયતાનો – તેના સામર્થ્યનો સાક્ષાત્કાર કરવા –કરાવવાનો સતત પ્રયત્ન કર્યો છે. ઉમાશંકરને ‘કવિ ઉમાશંકર’ તરીકે મોટા ભાગનો ભણેલો ગુજરાતીભાષી વર્ગ ઓળખે છે, પરંતુ તેમના સાહિત્યનો ઊંડો પરામર્શ કરનારને એમની કવિ –કવિતાસર્જક ઉપરાંતની બીજી અનેક સર્જક-ભૂમિકાઓ તુરત દૃષ્ટિગોચર થાય છે. તેઓ સમર્થ એકાંકીકાર, વાર્તાકાર છે ને સાથે ઉત્કૃષ્ટ ગદ્યકાર ને વિવેચક છે. ગુજરાતી એકાંકી ને ટૂંકી વાર્તાનો ઇતિહાસ; ગુજરાતી ગદ્યનો તેમ જ વિવેચનનો ઇતિહાસ એમના નિર્દેશ વિના અધૂરો જ રહે. અનેક ક્ષેત્રોમાં એમનું સાહિત્યિક પ્રદાન એવું તો વિશિષ્ટ અને/અથવા સમર્થ રહ્યું છે કે તેમની એ બાબતે નોંધ વિના ચાલે નહીં. ઉમાશંકર ૧૯૩૦ પછી વાર્તા-એકાંકી આદિ ગદ્યસર્જનપ્રવૃત્તિ તરફ અભિમુખ થયા. તેઓ પોતે જ કહે છે તેમ, તેમણે “વાર્તા લખવાનો આરંભ કર્યો ૧૯૩૦માં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં, ભાઈ વજુ કોટકને સાથ આપવા.”[1] આ ૧૯૩૦ની સાલમાં જ પોતાને એક નાટક સૂઝ્યાનું તેઓ જણાવે છે.[2] ૧૯૧૩માં ‘યુધિષ્ઠિરનો યુદ્ધવિષાદ’ (ઈસુનું બલિદાન) નામનું નાટક લખેલું પણ ખરું. એ લાંબું નાટક લખવા નિમિત્તે એમને અન્ય વિષયો ઉપરાંત નાટ્યસાહિત્યનો અભ્યાસ પણ જરૂરી લાગ્યો. પણ ભવિષ્યમાં એકાંકીકાર નીવડનાર આ નાટ્યકારને આરંભના તબક્કે “એકાંકી... રસ્તામાં આવ્યાં ન હતાં.”[3] ૧૯૨૯–૩૦ના કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એ દસકામાં જ પ્રગટ થયેલ મેરિયટ-સંપાદિત એકાંકી નાટકોનો પ્રથમ સંગ્રહ પાઠ્યપુસ્તકરૂપે ભણવાનો હતો, જે એક મિત્ર પાસેથી તેમને વાંચવા મળ્યો. એ પછી ૧૯૩૨માં વીસાપુર જેલમાં “નાઇન વન-ઍક્ટ પ્લેઝ” (‘સર્જક-વાચન’ની રીતે) વાંચવા મળ્યું. પરિણામે તેઓ લખે છે તેમ, “એકાંકીના સંસ્કારને પોષણ મળ્યું, પેલી ટેકરી અને વતનના ગામના સામાજિક જીવનના સહચારી ભાવો જાગ્રત થયા. પહેલું એકાંકી સત્યાગ્રહ આંદોલન ઉપરથી ભાવનાત્મક ‘શહીદનું સ્વપ્ન’ લખ્યું, પણ પછી ‘સાપના ભારા’માંના ૧૧ વાસ્તવપ્રિય સામાજિક એકાંકી લખાયાં.”[4] ઉમાશંકરને જેમ ગ્રામીણ તેમ સત્યાગ્રહનાં આંદોલનોનું વાતાવરણ સર્જનક્ષેત્રે ઠીક ઠીક ઉપકારક બન્યું છે. સત્યાગ્રહનાં આંદોલનો દરમિયાન પત્રિકાઓ લખવા – કાઢવાની જવાબદારી પણ એમને શિરે આવી હતી. તેથી કલમને ગદ્યમાં કસવાની તક પણ સારી મળી. વળી એમનો માંહ્યલો તો કવિ – નાટ્યસર્જકનો. તેથી જે કંઈ જોયું – અનુભવ્યું તે બધું સંચિત થઈ પાછળથી નાટક – વાર્તા આદિમાં સારી રીતે ખપે લાગ્યું. એ જોવા જેવું છે કે ભાવનાપ્રધાન નાટકથી નાટ્યલેખનનો આરંભ કરનાર ઉમાશંકરે ખૂબ જ ઝડપથી ‘વાસ્તવપ્રિય’ નાટકોનો પ્રકાર અપનાવી લીધો.

  1. પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૨૨.
  2. શહીદ, ૧૯૫૧, પૃ. ૫.
  3. શૈલી અને સ્વરૂપ, ૧૯૭૨, પૃ. ૭૮.
  4. શહીદ, ૧૯૫૧, પૃ. ૫–૬.