ઋણાનુબંધ/તમે તરસ્યા રહો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તમે તરસ્યા રહો


તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઈ જાઉં: રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવીને તમે શોધી કાઢો: મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.