ઋણાનુબંધ/બિલ્લી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બિલ્લી


તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
હું ઘૂરકિયાં નહીં કરું
હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.

હું ભયાનક છું
વાઘના સગપણમાં કંઈક છું
એવો સંશય જ કાઢી નાંખ.
જો, જો, એક બિલ્લી
તારા હાથ, ગાલ, નાક ચાટે છે
તારા પગ પાસે આળોટી પડે છે.
તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?

મારી જરૂરિયાત—
તારું દીધું દૂધ
અને તારા ભવ્ય આ મહેલનો એકાદ ખૂણો.
તું પુરુષ—
અને હું નાની શી (નિર્દોષ?) બિલ્લી.

તું મને ઊંચકીને ઉછાળી શકે છે
હું તને નહોર નહીં ભરું;
જો, અહીં, મારે ગળે, મારે મોંએ હાથ મૂક
મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.

પણ તારે મને ક્યાં પાળવી છે?
દૂર દૂર વનમાં
ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે

ભલા, મ્યાઉં મ્યાઉં વિનાની
કોઈ બિલ્લી હોઈ શકે ખરી?