એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૧૨. કરુણિકાના મુખ્ય વિભાગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. કરુણિકાના મુખ્ય વિભાગો

[સમગ્રનાં ઘટકતત્ત્વો રૂપે જેમની ગણના કરવી જોઈએ તેવા કરુણિકાના અંશોની આપણે આગળ વાત કરી ગયા છીએ. હવે આપણે કરુણિકા જે વિભિન્ન વિભાગોમાં વિભક્ત થયેલી છે તે પરિણામસૂચક વિભાગોની વાત કરીએ – જેવા કે પ્રવેશક, ઉપકથા, નિર્ગમન અને વૃંદ-ગાન; વૃંદગાન પાછું બે વિભાગોમાં વહેંચાયેલું છે – પૂર્વગાન અને ઉત્તરગાન. આ બધા વિભાગો બધાં જ નાટકોમાં સામાન્ય છે. પરંતુ રંગમંચના અભિનેતાઓનું ગીત તેમજ વિલાપિકા કેટલાંક નાટકોમાં જ હોય છે.

પ્રવેશક કરુણિકાનો તે આખો ભાગ છે જે ગાયકવૃંદના પૂર્વગાન પહેલાં આવે છે. ઉપકથા કરુણિકાનો તે આખો ભાગ છે જે બે સંપૂર્ણ વૃંદગાનની વચ્ચે આવે. કરુણિકાના જે ભાગની પછી કોઈ વૃંદગાન ન આવતું હોય તે ભાગને નિર્ગમન કહે છે. પૂર્વગાન એ વૃંદગાનનો તે ભાગ છે જે ગાયકવૃંદનો પ્રથમ અવિભક્ત ઉચ્ચાર હોય: ઉત્તરગાન ગાયકવૃંદનું સંબોધનગીત છે જેમાં એનેપિસ્ટ અથવા ગુરુ-લઘુક્રમવાળા દ્વિમાત્રિક ચતુષ્પદી વૃત્તોનો પ્રયોગ ન હોય : વિલાપિકા એ ગાયકવૃંદ અને અભિનેતાઓનો સંયુક્ત વિલાપ છે. સમગ્રનાં ઘટકતત્ત્વો રૂપે જેમની ગણના કરવી જોઈએ તેવા કરુણિકાના અંશોની આપણે આગળ વાત કરી ગયા છીએ; એટલે તેના પરિણામસૂચક ભાગો – વિભિન્ન વિભાગો જેમાં કરુણિકા વિભક્ત થઈ છે – અહીં ગણાવ્યા છે.]

.