કંકાવટી/આંબરડું ફોફરડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આંબરડું ફોફરડું

“પૂજારી! ઓ પૂજારી, ઉઘાડો ને!”

“રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે?” પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે, કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે. એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, ‘આંબરડું-ફોફરડું’ વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીસેય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠ ઘઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે:

આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું
ગાય રે ગાય
તું મોરી માય,
નત નત ડુંગરે ચરવા જાય
ચરી કરી પાછી વળી
ગંગાજળ પાણી પીવા ગઈ;
સામો મળિયો સિંહ ને વાઘ
વાઘ કે’, મા તને ખાઉં!
ના રે ભાઈ, મને નો ખવાય!
મારા છાણનો ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મા’દેવને ચડે.


તલક તળસી [૧]
ઝમરક દીવડો
હત હત કરતો જાય રે જીવડો:
જીવા કે’, તું જળશિયો.
રાણી માગે કળશિયો.
આણી કે’શે કાણી
તને ચડપ લેશે તાણી.
તપિયા રે તું તપેશરી
મારો વીરો લખેશરી.
લખેશરીના આણાં ભાણાં
અમરત આણાં.
જેટલાં રે બોરડીએ બોર
એટલાં રે મારા વીરાને ઢોર
ઢોર ઢોર ઢોરંતી
પડોષ્હણ છાણાં ચોરંતી
મારાં ચોર્યાં
આનાં ચોર્યાં
એને નાખો જમને બાર
ઈ બૂડે ને અમને તાર.
 
એટલું બોલી સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે:
ચકલાં રે તમે ચણી ચણી લેજો,
ગોવિંદના ઘર ગણી ગણી લેજો!
ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો!
ગોઠડીએ બે બેન્યું દેજો!
આણે પરિયાણે વીરોજી દેજો!
રાંધણીએ વઉવારુ દેજો!
પીરસણે માતાજી દેજો!
પાટલે જમવા બાપ દેજો!
ભેગો જમાડવા ભત્રીજો દેજો!
પછી સાથિયા ઉપર ચારે ફળ મૂકીને બોલે: બેસ રે રામ શ્રી ભગવાન,
ક્યારે લેશું હરિનાં નામ!
હર રે હૈડાંની ગોરી
ઓસડિયામાં નાખો ઢોળી.
વૈદ રે તું કુટિયો વૈદ
મોંઘાં તુલસી મોંઘાં પાન
મોંઘાં રે શ્રી રામનાં નામ
મોંઘે વરતે વરા કરો
વરતોલાં કરો,
લખ ચોરાસી ફેરા ટળો!
ફેરા ફરતાં લાગી વાર
શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર
બારોબાર દીવા બળે
શ્રી કૃષ્ણના વિવા કરે.

[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં]

ટીલી રે મારી ટબક દેરાણી,
ઝબક જેઠાણી,
વરત કરો બે ઝલ દેરાણી.
મારી ટીલી આરે માસ બારે માસ
શિવજી પૂરો સૌની આશ!
સૌ નાયાં સૌ ધોયાં,
તેની બાંધો પાળ્ય
પાળ્યે પાંચ પૂતળાં ને
મંઈ બેઠા વાસુદેવજી.
મરડક મારી મૂઠડી
લે રે રામ લેતો જા
કાંઈક આશરવાદ દેતો જા,
રાણી પાસે થાતો જા,
રાણી કે’શે કા’ણી
તને ચડપ લેશે તાણી.
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે:
કારતક ના’ય કડકડ ખાય
એનું પુન્ય કૂતરાને જાય.
[એટલેકે આ વ્રતમાં તેલમાં તળેલું
ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.]
પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે —
કાગડા બોલ્યા
કૂતરા બોલ્યા
ઓલીપાની છોડિયુંનું ખો... ટું!
 

  • અહીંથી લગભગ અર્થશૂન્ય જોડકણું શરૂ થાય છે.