કંદરા/બ્રેઈનકેન્સર
મને લાગે છે કે મને બ્રેઈનકેન્સર થયું છે.
શેષ બચેલી સ્મૃતિને જાળવવી છે. પણ ક્યાં?
મગજ તો સડી ગયું છે.
અચાનક કોઈ સુરંગ ફાટી નીકળે તેમ એ ગમે ત્યારે
ખોપરી તોડીને બહાર આવી જઈ શકે છે.
હૃદયમાં પણ કાણું પડી ગયું છે.
લાગણીઓ એમાંથી બહાર ઢોળાઈ રહી છે.
લોકો ગદૂગદ્ થઈને મારી સાથે વાતો કરી રહ્યા છે.
પણ મારા કાનમાં તો એક જીવડું ચાલ્યું ગયું છે.
મને કંઈ સંભળાતું નથી.
કાનના પડદા પર એ જીવડાનો સુંવાળો સળવળાટ
ગલીપચી કરાવે છે ને હું હસી રહી છું.
આંખોની પાંપણના વાળ પણ ખરી રહ્યા છે.
સામે જ તું છે. બસ, જરા હાથ લંબાવું ને
અડી શકાય એટલો જ દૂર.
પણ મારા સ્નાયુઓ હવે અમીબા જેવા,
સંકોચાઈ જાય છે, ઘડીકમાં વિસ્તરે છે.
હાડકાં બટકણાં થઈ ગયાં છે.
હથેળીઓમાં કંઈ જ પકડાતું નથી.
છતાં થાય છે કે જો હાથ લાંબો થાય તો
આ માથા પર ચોવીસે કલાક ફરતા રહેતાં
ગોળ ગોળ ઘુમરાતા પંખાને પકડી લઉં.
એ નીચે ઊતરીને મને રહેંસી નાખે, એ પહેલાં જ,
જલ્દી, એક જ હાથથી હું
એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં.
❏