કંસારા બજાર/પૂનમના પ્રકાશમાં
Jump to navigation
Jump to search
પૂનમના પ્રકાશમાં
પૂનમના ચંદ્ર અને
એની આગલી રાતના ચંદ્ર વચ્ચે
ખાસ ફરક નથી હોતો,
સિવાય કે એક દિવસ જેટલો.
એક દિવસ –
આંગળીના વેઢે ગણી શકાય એટલો
અને છતાં વિસ્મૃતિના પટ જેવડો લાંબો.
વારાણસી ઘાટ જેવો છે એ દિવસ,
ક્યાં ક્યાંથી લોકો આવી ચડે
મોક્ષ માટે
અને પડી જાય ઉકળતા તેલની કડાઈઓમાં,
ચૌદશના ચંદ્ર અને પૂનમના ચંદ્ર વચ્ચે
ફરક હોય છે, એક રાતનો પણ,
બે માથા, છ હાથ અને ચાર પગ.
આવા ખોડખાંપણવાળા બાળક જેવી
એક રાત જન્મે છે,
કોઈ સુશીલ સગર્ભાના પેટથી
અને મરી જાય છે તરત.
ચૌદશના ચંદ્રને હું જોઈ રહી છું.
પૂનમનો ચંદ્ર, હજી કેટલો પ્રકાશમાન હશે?