કંસારા બજાર/વૃક્ષ, નિરાધાર
મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઊભેલાં
એ વૃક્ષનાં મૂળિયાંને કોઈ આધાર નથી.
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે.
નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી,
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરનાં ઈંડાં
ક્યાં પડ્યાં?
ન વૃક્ષ, ન ઈંડાં.
કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં,
હમણાં અહીં હતાં, હવે નથી.
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઈ જાય
અને આસપાસ કોઈ ફરક સુધ્ધાં નહીં?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે
ઈંડાં હજી શોધી રહ્યાં છે, ગરમી
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજી ઝાવાં નાખી રહ્યું છે.
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે.
નિરાધાર વૃક્ષ,
નોંધારાં ઈંડાં,
ખાઈમાં ઘૂમરાતા પવનમાં
નિઃશબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર, મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા.
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે માટે સાંભળવું છે.