કથાચક્ર/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

ભૂરો ઘોડો આગલા બે પગ ઊંચા કરીને ઊછળે છે. એનાં નસકોરાં ફૂલે છે. મોઢે ફીણ વળે છે… બહુ વિશાળ દરિયો, કાંઠે માછીમારનાં ઝૂંપડાંમાંના દીવા પણ ટગમગતા નથી. સરી જતા સાપના જેવાં ફીણ અન્ધકારમાં દર શોધ્યા કરે છે…

‘અરે, મૂરખ, એ દરમાં હાથ નહીં નાખીશ.’

‘કેમ?’

‘કેમ શું, કોણ જાણે અંદર શુંનું શું હશે?’

‘તો હું શાને આધારે ઉપર ચઢું?’

‘લે, મારો હાથ ઝાલ.’

‘ના રે, હું પડું ને તનેય પાડું.’

‘હું કહું છું, હાથ ઝાલ.’

‘વારુ, અરે…’

‘ક્યાં છે તું?’ ‘ક્યાં છે તું?’ ‘ક્યાં છે તું?’ ‘ક્યાં…છે…તું?’

ભૂરો ઘોડો ઊછળે છે. એની ચારે બાજુ કિલ્લાના બુરજની દીવાલ છે. એની ફાટમાંથી પીપળા ઊગી નીકળ્યા છે, એ દીવાલમાં ઘણા બધા દર છે, દરેક દરમાં સાપ છે, ઊછળતા ઘોડાના મોઢા પરનું ફીણ ચાટવા સાપની જીભ લપકારા મારતી બહાર આવે છે, ઘોડો ભડકે છે, એની ખરી પથ્થર સાથે અથડાય છે, તણખા ઝરે છે. એ તણખા અંધારામાં સંતાઈ રહેલા જીનની દાઢીમાં જઈને પડે છે, એકાએક ભડકો થઈ ઊઠવાથી ઘુવડની આંખ અંજાઈ જાય છે, દરમાંના સાપના ફૂંફાડાથી જીનની દાઢીમાં થયેલો ભડકો હોલવાઈ જાય છે, ધુમાડો ચક્રાકારે ઉપર ચઢે છે….

ચક્રાકાર પગથિયાં ઉપર ને ઉપર ચાલ્યાં જાય છે, એનો અન્ત નથી, ઉપરથી એ પોતાને જુએ છે, દીવાલને બાઝીને ચઢતું કોઈ જન્તુ જાણે! પોતાના એક પછી એક શ્વાસ પર પગ મૂકીને એ ઉપર ચઢતો જાય છે. વલયાકાર ધુમાડો એને ઘેરી વળીને એની સાથે સાથે ઉપર ચઢતો જાય છે. બે હાથ ફંગોળીને એને એ દૂર કરવા જાય છે, ને એના પગ સરી પડે છે. પડતાં પડતાં એ ચારે બાજુથી પડઘા સાંભળે છે: ‘ક્યાં છે તું?’ ‘ક્યાં છે તું?’ ‘ક્યાં…છે… તું?’

બેઠા થવા જતા ઉપરના પાટિયા સાથે એનું માથું અથડાયું. નીચે બેઠેલા પૈકીના ત્રણ જણ સિગારેટ ફૂંકતા હતા, બારીઓ બધી બંધ હતી. ધુમાડામાં વીજળીનો દીવો જાણે તરવા લાગ્યો હતો. બંધ બારીના કાચ સાથે એક માખી અથડાયા કરતી હતી.

‘કેમ,ગાડી અહીં ઊભી રહી ગઈ છે?’

‘કહે છે કે એન્જિનનો ડાયનેમો ફેઇલ ગયો છે.’

એણે બારી ખોલી. બહારની ઠંડી એને એકદમ બાઝી પડી…

‘અરે, તમે તો મને મારી નાખશો, છોડો ને…’

‘કેમ? ભીંસાઈ ગઈ!’

‘હા રે, તમે તો જાણે એક નહીં પણ દસને એકી સાથે ભેટતા હો તેમ…’

બહાર અંધારું હતું. એણે ઉપર આકાશ તરફ નજર કરી… ઊછળી ઊછળીને કૂદતો ભૂરો ઘોડો, એને મોઢે વળેલાં ફીણ…. અંદર કોઈક એકસરખું બોલ્યે જતું હતું. એનો અવાજ જાણે બહાર છટકી જવાનો રસ્તો નહિ જડવાને કારણે ચકરાવા લીધે જતો હતો. એ અકળાયો, એણે જોયું: લઘરવઘર વેશવાળો પ્રૌઢ વયનો એક માણસ, ઊંઘમાંય હીબકાં ભરતાં, રહી રહીને રડી ઊઠતાં ત્રણ છોકરાં, બે પગ આગળ ને એક ખોળામાં… માણસ એક સરખું બોલ્યે જાય છે, ને એકાએક હસી પડે છે, એ હસવાના અવાજથી ચમકીને ખોળામાંનું છોકરું રડી ઊઠે છે. એને એ માણસ કહ્યે જાય છે: ‘એ તો ગઈ, બે દિવસ થયા છે માંડ, દાક્તર જાણતા હતા તોય પહેલેથી કહ્યું નહીં, આય કેવું! તમેય મૂરખ ‘મા મા’ કરો છો તે શોધો ને તમે જ, ઘંટીની પાછળ છે? નાવણીમાં છે? ક્યાં છે?’ ને એ ફરી હસવા લાગે છે.

‘અરે ભાઈ, છોકરાને જરા જંપીને સૂવા તો દો, જે થવાનું હતું તે થઈ ગયું, જરા ધીરજ ધરો.’

‘આંખ બીડીએ તો આવી જ બને ને! હું જેવી આંખ બીડવા જઉં છું કે તરત જ એ એના બે હાથ મારી આંખ પર દાબી દેવા નજીક આવે છે. એ ગઈ પછી અમે કોઈએ આંખ બીડી નથી. એ અહીં જ છે…હાથ તૈયાર રાખીને જ બેઠી છે…’

‘ધાર કે હું આંખ દબાવી જ રાખું તો?’

‘તો શું?’

‘તો તને શું દેખાય?’

‘કેમ, તમને એવો તુક્કો સૂઝ્યો?’

‘તું ઉઘાડી આંખે શું જુએ છે તે તો હું જાણું છું. પણ બંધ આંખે તું શું જુએ છે તે મારે જાણવું છે.’

‘હું જૂઠું કહું તો?’

‘તો?…’

‘અરે, સાંભળો તો, ક્યાં ગયા તમે?’…

એ બારણું ખોલીને પ્લેટફોર્મ પર ઊતરી પડ્યો. શિયાળાની રાતની નિસ્તબ્ધતા વચ્ચે એન્જિનની વરાળનો એક સરખો અવાજ સંભળાયા કરતો હતો. પ્લેટફોર્મ સૂમસામ હતું. એને કુતૂહલ થયું, ‘આ કયું સ્ટેશન હશે?’ દૂર ડુંગરનો અણસાર હતો. ગામ નજીકમાં હોય એમ લાગ્યું નહીં. એ સ્ટેશનના નામના પાટિયા આગળ ગયો. અંધારામાં કશું દેખાયું નહીં. પાટિયા પરના કોતરેલા અક્ષરો પર હાથ ફેરવીને એણે આંધળાની જેમ નામ ઉકેલવા માંડ્યું. ત્રણ અક્ષર ઉકેલતાં જ એ ચમક્યો…

‘કેમ, ચમકયા? એ તો મારો હાથ હતો.’

‘તારો હાથ હતો?’

‘કેમ, હજી શંકા છે?’

‘તો એ આટલે બધે દૂરથી આવતો હોય એમ કેમ લાગ્યું?’

‘કારણ કે તમે ક્યાંક દૂર દૂર છો?’

‘તો તારી પાસે કોણ છે?’

‘તમારું શૂન્ય…’

‘શૂન્ય મારું જ છે એની શી ખાતરી?’

‘તમારા શૂન્યને મારા નિ:શ્વાસ ઓળખે છે.’

‘ને મને કોણ ઓળખે છે?’

‘લાવો તમારો હાથ.’

‘કેમ?’

‘મેં હાથ માગ્યો હતો, પ્રશ્ન નહીં. કન્યાઓ પાણિગ્રહણ કરે છે, પ્રશ્નગ્રહણ નહીં.’

‘ગ્રહણ કરે છે ખરી?’

‘જાઓ, તમને તો નરી શંકા જ શંકા છે?’

‘ને તને?’

‘જરા પાસે આવો, જવાબ દઉં.’

‘અરે, હોઠને હોઠ.’

‘હા, બોલશો નહીં…’

એ ફરી ચમકી ઊઠ્યો. અંધારામાં કોઈ જોતું નહોતું, છતાં એણે પોતાને હોઠે હાથ ફેરવ્યો, આંગળી વડે એ ત્યાં કોઈ નામ ઉકેલવા મથી રહ્યો. પાસેના ઝાડની ડાળ પરથી કોઈ પંખી પાંખો ફફડાવીને બીજી ડાળે જઈ બેઠું.

એ સ્ટેશનની બહાર નીકળી ગયો. એણે ચાલવા માંડ્યું. એ જાણતો હતો, આ બીજા વળાંક આગળ દાદા સામે મળશે, કહેશે: ‘અલ્યા, આટલી લાંબી મુસાફરીએ નીકળ્યો છે તે ઓઢવા-કરવાનું કશું લીધું નથી?

‘તને ઠંડી લાગી જાય છે ને પછી તારો શ્વાસ રુંધાઈ જાય છે, લે આ મફલર…’

‘દાદા, તમારો શ્વાસ રુંધાતો નથી?’

‘તેં જ્યારથી જીદ પકડી છે ત્યારથી…’

‘આપણે બંને જીદથી પકડાયા છીએ.’

‘આવી જીભાજોડી કરવા મેં તને નથી ભણાવ્યો.’

‘દાદા, હું તો જાઉં છું.’

‘બેટા, કોઈ ક્યાંય જતું નથી, પોતાની જ પ્રદક્ષિણા બધા ફર્યા કરતા હોય છે.’

એણે પાછળ જોયું. કોઈ નહોતું. અંધારામાં એનો પોતાનો પણ ચાલવાથી આઘીપાછી થતી હવાને કારણે આછો આભાસ જ વરતાતો હતો.

‘કેમ હસે છે?’

‘બસ, અમથી જ.’

‘કારણ વગર હસે તે ગાંડા કહેવાય.’

‘તમે છો પછી બીજા કારણની શી જરૂર?’

‘મને જોઈને હસવું આવે છે?’

‘નહીં આવે? રહીરહીને પાછળ જુઓ છો, કેમ જાણે કોઈ પાછળ નહીં પડ્યું હોય?’

‘મને ભય લાગે છે.’

‘હવે તમે જ કહો, આવું આવું બોલો છો તે મને હસવું નહીં આવે!’

‘મને કોઈ માણસનો ભય નથી લાગતો, કશુંક અશરીરી, શૂન્ય…’

‘એ તમારા શૂન્ય આગળ મને એકડાની જેમ ઊભી કરી દો ને!’

એણે ચાલવા માંડ્યું. દૂર વસતિનો અણસાર હવે વરતાતો હતો. અંધારામાં મનુષ્યના સંસારની ભૌમિતિક રેખાઓને એ જોઈ રહ્યો. રેખા રેખાને છેદે છે, ખૂણો પડે છે, ઉપર છાપરું થાય છે, દીવો પ્રકટે છે, ચહેરાઓ દેખાય છે:

‘શું લખે છે?’

‘નહીં બતાઉં.’

‘એમ?’

‘હા, એમ.’

‘વારુ.’

‘બસ, ડરી ગઈ ને?’

‘સાચું કહું? તારો મને ઘણો ડર લાગે છે.’

‘કેમ?’

‘તારામાં જાણે ઘણો બધો અન્ધકાર ઠાંસીઠાંસીને ભર્યો છે.’

‘તેં સપનું જોયું છે કે શું?’

‘જે હોય તે – એ અન્ધકારમાં સાપની આંખથી જ જોઈ શકાય.’

‘સાપ, પછી બીજું શું?’

‘તને તો બધી મજાક જ લાગે છે! જા, નહીં બોલું!’

‘લે, હું શું લખતો હતો તે જોવું છે ને?’

‘અહં..’

‘જો, આ ત્રણ રેખા ‘

ચાલતાં ચાલતાં એનો શ્વાસ ભરાઈ આવ્યો. એ સહેજ ઊભો રહી ગયો. એનાં થંભેલાં પગલાંની વચ્ચે થઈને જાણે કોઈ ધસી આવ્યું. એ અણછતા આકારોની વસતિ વચ્ચે જાણે અથડાતો હતો. એ સહેજ દૂર સરીને ઊભો રહ્યો. વળી એની ટેવ પ્રમાણે એણે પાછા ફરીને જોયું. જુવાળની જેમ કશુંક ધસમસતું આવી રહ્યું હોય એવા ભણકારા વાગ્યા. એણે સફાળા ફરી ચાલવા માંડ્યું. ભૂમિતિની આગળ ખેંચાતી રેખાની જેમ,…બિન્દુઓનું સાતત્ય વિસ્તારતો એ ચાલ્યો ગયો. ચાલવાની ક્રિયામાંથી એણે પોતાનો દોર ખેંચી લીધો. દોર ખેંચવાનું પૂરું થતાં એ બેસી પડ્યો. એની આંખ સામે કાચની બારી હતી. અંદર મહેફિલ જામી હતી. પાયલના આછા રણકાર એ સાંભળતો હતો. અંદર કોઇક નાચતું હતું– વલયાકાર ધુમાડાની જેમ, કાચની બારીની બહાર નીકળવા મથતી માખીની જેમ, ઊછળીને કૂદતા ભૂરા ઘોડાની જેમ.

કોઈએ એને હડસેલો માર્યો. પૂછ્યું: ‘આટલી રાતે અહીં શું કરે છે ‘લ્યા?’

એણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો.

‘સારા ઘરના માણસ થઈને આટલી રાતે અહીં ભટકો છો? ક્યાં રહો છો?’

એની આંખ આગળ મ્યુનિસિપાલિટીના ઘરના નંબરની ભૂરી તખતી, ઉપર દેવનાગરીમાં ધોળા ઇનેમલથી પાડેલો અને થોડા આંકડા અસ્પષ્ટ દેખાયા. એને એ ઉકેલતો જ હતો ત્યાં –

‘કેમ, જવાબ કેમ દેતા નથી? મોઢામાં મગ ઓર્યા છે?’

‘મારી સામે શું તાકી રહ્યા છો, મને તમે જોઈ નથી?’

‘અરે તમને થયું છે શું? જવાબ કેમ દેતા નથી?’

‘શેનો જવાબ?’

‘મારી સામે કેમ તાકી રહ્યા છો?’

‘તાકી તાકીને તારો ચહેરો પારદર્શી બનાવવા ઇચ્છું છું .’

‘કેમ?’

‘જેથી એની આરપાર જોઈ શકાય.’

‘શું જોવું છે?’

‘એ તો જે દેખાય તે ખરું!’

‘મને જોઈ જોઈને કંટાળ્યા?’

‘તું મને જુએ છે ખરી?’

‘લો, તમે તે કેવી વાત કરો છો!’

‘મારા પ્રશ્નનો જવાબ આપ.’

‘આપું છું. એમ ડરાવશો નહીં.’

‘તેં મને જોયો છે?’

‘જોયા છે, જોઉં છું, ને –’

‘શું જોયું છે?’

‘કેમ વળી તમારી આંખની ભમર પરનો તલ,…’

‘પોલીસખાતું જેમ શરીર પરની નિશાનીની નોંધ રાખે તેમ…’

‘કેમ, મિસ્ટર, પોલીસચોકીએ જવું છે કે શું?’

‘ના.’

‘તો બોલો, શું છે તમારું નામ?’

‘નામ?…’

‘અલ્યા, જો વળી ભૂલ કરી. તારું નામ લખતાં સુધ્ધાં નથી આવડતું. ઘૂંટ, જોઉં.’ આંખમાં ઝળઝળિયાં આવી ગયાં છે, હમણાં જ આમળેલો કાન બળી રહ્યો છે. નીચી મૂડીએ એ નામ ઘૂંટ્યે જાય છે. ફરી ફરીને એ ત્યાં ને ત્યાં આવે છે, ત્રણ અક્ષરનું નામ ઘુંટાઈ ઘુંટાઈને રેખાઓની જાળ જેવું બની ગયું છે. એ જાળ વચ્ચેથી એ રસ્તો શોધીને છટકી જવા ઇચ્છે છે, પણ એ જેમ જેમ બહાર નીકળવા મથે છે તેમ તેમ રેખાઓની અડાબીડ ઝાડીમાં અટવાતો જાય છે.

‘કઈ ડાળ પર છે તું?’

‘જોતો નથી? આ તો રહી.’

‘અરે, એ તો સાવ પાતળી ડાળ છે, તૂટી પડશે તો હાડકાં ભાંગશે. આ ડાળ પર આવી જા.’

‘તું આ બાજુ આવ ને!’

‘કેમ?’

‘એક વાત ખાનગીમાં કહેવી છે.’

‘તો અહીં ક્યાં બીજું કોઈ છે?’

‘તેથી શું કાંઈ ઘાંટો પાડીને થોડું જ બોલાય?’

‘વારુ, કહે જોઉં.’

‘બધા તને જે નામે બોલાવે છે તે નામે હવે હું તને નહિ બોલાઉં.’

‘તો?’

‘મેં તારું નામ પાડ્યું છે.’

‘શું?’

‘અહીં પાસે આવ ને, કાનમાં કહું.’

‘લે બસ.’

‘પણ એક શરત.’

‘એમાંય વળી શરત? શી શરત?’

‘નામ બીજા કોઈનેય કહેવાનું નહીં, ભગવાનનેય નહીં.’

‘તું એ નામે મને બોલાવશે તો કોઈ સાંભળી નહીં જાય?’

‘ના, હું તને એ નામે બોલાવવાની નથી. એ નામ તો સંતાડી રાખવાનું.’

‘એ તે કાંઈ સીતાફળ છે કે સંતાડી રાખવાથી પાકીને મીઠું થાય?’

‘એની તને શી ગતાગમ? લે, તારે સાંભળવું નથી?’

‘કહે જોઉં?…’

એ નામનો ઢગલો ફંફોળવા લાગ્યો: માએ પાડેલું હુલામણું નામ, દોસ્તદારોએ ચિઢવવાને પાડેલું નામ, નિશાળના રજિસ્ટર પરનું નામ, ટપાલના સિક્કાની છાપ નીચે દબાયેલું નામ, નોકર તરીકે કરેલી સહીમાં લખાયેલું નામ – એણે આખરે કંટાળીને કહી દીધું: ‘લખોને, જે લખવું હોય તે ….