કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/જીવનરેખા અને વ્યક્તિત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જીવનરેખા અને વ્યક્તિત્વ

કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં ૧૮૮૭ના ડિસેમ્બરની ત્રીસમી તારીખે થયો હતો. એમના પિતા માણેકલાલ નરભેરામ મુનશીએ અમદાવાદની કલેક્ટર ઑફિસમાં સાધારણ કારકુન તરીકે વ્યવસાયી જીવનનો પ્રારંભ કર્યો; અને વધતાં વધતાં સચીન રાજ્યના દીવાનનું પદ મેળવ્યું ને શોભાવ્યું. માણેકલાલને સંગીત અને તબલાંનો શોખ હતો. મુનશીનાં માતા તાપીબા (જીજીમા) પણ ભરૂચનાં જ હતાં. જીજીમા સુશીલ, સંસ્કારી અને કાર્યકુશળ હતાં. એમને ઘણાં કાવ્યો કંઠસ્થ હતાં ને પોતે પણ કવિતા જેવું કંઈક લખતાં. માણેકલાલ અને જીજીમાને સાત સંતાનો થયાં : છ પુત્રીઓ અને પુત્ર. પુત્ર કનૈયાલાલ – કનુભાઈ — સૌથી નાનો અને છ પુત્રીઓ પર આવ્યો હોવાથી લાડકો પણ ઘણો. કનુભાઈ કલ્પનાશીલ મૂળથી. બાળપણમાં ‘અરેબિયન નાઇટ્‌સ’ વાંચી તો દમાસ્કસને દરવાજે કોઈકનો કળશ ઢળે ને પોતાને સુલતાનની શાહજાદી મળે એવી કલ્પના સળવળી ઊઠી. નાટક જોયું તો કલ્પનામાં નાટકનું પાત્ર બની ગયા. યજ્ઞોપવીત લીધું તો ઋષિમુનિઓમાં ભળી ગયા અને ગંભીર ભાવે ત્રિકાલસંધ્યા કરવા લાગ્યા. કનુભાઈ પિતા સાથે સચીન હતા ત્યારે એ એક આઠનવ વરસની બાળાના પરિચયમાં આવ્યા. ને એ ગૌરવર્ણી ને તેજસ્વી, હેતાળ ને તોફાની બાળા એમના હૃદયની ‘દેવી’ બની ગઈ, અને તેની આસપાસ તેમણે કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી અને ભાંગી. તેરમે વરસે કનુભાઈનાં અતિલક્ષ્મી નામની ખરેખર નવ વર્ષની પણ દેખાવે પાંચ વર્ષની લાગતી કન્યા સાથે લગ્ન થયાં. ચૌદમે વરસે ભરૂચની હાઈસ્કૂલમાંથી એ મૅટ્રિક થયા અને વડોદરા કૉલેજમાં દાખલ થયા. ત્યાં એ પ્રો. જગજીવન શાહ અને પ્રો. અરવિંદ ઘોષના પરિચયમાં આવ્યા, તેમનાથી પ્રભાવિત થયા અને દેશવ્યાપી રાષ્ટ્રભાવનાથી, એ સમયના સૌ નવયુવાન વિદ્યાર્થીઓની જેમ એ પણ રંગાયા. સોળમે વરસે પિતાશ્રીનું અવસાન થયું. કુટુંબ આર્થિક રીતે ઘસાઈ ગયું હતું છતાં માતાએ કનુભાઈનું ભણતર ચાલુ રખાવ્યું. ઓગણીસમે વર્ષે એ બી.એ. થયા. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન તેમણે સારું વાંચેલું અને કૉલેજના વાદમંડળમાં ભાગ પણ ઉત્સાહભેર લીધેલો. આ ઉપરાંત, બંગભંગને લીધે દેશમાં જે નવી ચેતના સ્કુરાયમાણ થઈ રહી હતી તેનો સંસ્પર્શ પણ કનુભાઈને થયો ને તે પણ રાજકારણમાં રસ લેવા માંડ્યા હતા. બી.એ. થયા બાદ એલએલ.બી.નો અભ્યાસ કરવા માટે એ મુંબઈ ગયા. ત્રેવીસમે વરસે એલએલ.બી. થયા, છવ્વીસમે ઍડવોકેટ થયા ને મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. વકીલાતની સાથેસાથે જાહેર જીવન પણ શરૂ કર્યું. ધીમે ધીમે વકીલાત જામવા લાગી; અને થોડાં વર્ષમાં મુંબઈના એક અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તરીકે તેમનું નામ પંકાવા લાગ્યું. જાહેર જીવનમાં એક તરફથી તેમણે હોમરૂલ લીગમાં અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં ભાગ લેવાની અને બીજી તરફથી પત્રકાર, તંત્રી અને લેખક તરીકેની પ્રવૃત્તિ શરૂ કરી. રાજકારણમાં એમનો ગજ ઝાઝો ન વાગ્યો ને ગાંધીજીએ કૉંગ્રેસ પર વર્ચસ્વ જમાવ્યું ત્યારે કનુભાઈએ—મુનશીએ—રાજકારણને તિલાંજલિ આપી. પણ સાહિત્યમાં તેમણે પોતાનો માર્ગ કરી લીધો ને થોડાં જ વર્ષમાં એમના નામનો ડંકો વાગવા લાગ્યો. એમના લેખન દ્વારા અને પહેલાં ગુજરાત સાહિત્ય સંસદની અને ત્યાર બાદ થોડા સમયે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ દ્વારા એમનું નામ ગાજતું જ રહ્યું ને ગુજરાતી સાહિત્યમાં જાણે કે કોઈ નવા યુગનો ઉદય થયો એવી હવા બંધાઈ ગઈ. મુંબઈ ગયા બાદ થોડા જ સમયમાં મુનશીએ અતિલક્ષ્મીબહેન સાથે પિતાનો સંસાર શરૂ તો કર્યો હતો. પણ મુનશીનું જીવન હર્યુંભર્યું નહોતું થતું. મુનશી અને અતિલક્ષ્મીબહેન એકબીજાને સાચવી લેવામાં કચાશ નહોતાં રાખતાં, છતાં મુનશીને જે ‘દેવી’ જોઈતી હતી તે અતિલક્ષ્મીબહેન બની શકે તેમ નહોતાં. તેવામાં ૧૯૧૯માં એ પહેલી વાર લીલાવતીબહેન શેઠને મળ્યા; અને ૧૯૨૨માં તેમણે ‘ગુજરાત’ માસિક શરૂ કર્યું ત્યારથી લીલાવતીબહેન સાથે પરિચય વધવા લાગ્યો. મુનશીને એમની મનોમૂર્તિ— એમની ‘દેવી’—મળી; પણ અતિલક્ષ્મીબહેનને અન્યાય કરવાની વૃત્તિ નહોતી મુનશીમાં કે નહોતી લીલાવતીબહેનમાં. ત્રણે જણાં કેટલોક સમય સખત તાવણીમાં તવાયાં. ત્યાં ૧૯૨૪માં અતિલક્ષ્મીબહેનનું અવસાન થયું. ૧૯૨૬ની શરૂઆતમાં લીલાવતીબહેનના પતિ લાલભાઈ શેઠ ગુજરી ગયા અને ૧૫-૨-૧૯૨૬એ મુનશી લીલાવતીબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. મુનશીએ રાજકારણને તિલાંજલિ આપી હતી. અને એ (મુનશી) જો રાજકારણમાં પડે તો તેની અને પોતાની મૈત્રી નહિ નભે એમ લીલાવતીબહેને મુનશીને લખ્યું હતું પણ ખરું. એટલે “આ પત્ર મળ્યા પછી (મુનશીની) રાજકારણમાં પડવાની જે કંઈ ઇચ્છા હતી તે વિરમી ગઈ.”[1]

તેમ છતાં લીલાવતીબહેન સાથેનાં પોતાનાં લગ્ન પહેલાં મુનશી મુંબઈ યુનિવર્સિટીની સેનેટ માટેની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ચૂંટાયા પણ હતા. લીલાવતીબહેનને ગાંધીજીનું આકર્ષણ હતું. એટલે ૧૯૨૮માં બારડોલીની લડત વખતે મુનશીદંપતીએ રાજકારણમાં ઝંપલાવ્યું. ૧૯૩૦માં મુનશી કરીથી કૉંગ્રેસમાં દાખલ થયા. ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીના રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ્‌સ મતદારમંડળમાંથી મુનશી બૉમ્બે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ગયા. ૧૯૩૭માં કૉંગ્રેસે ધારાસભાપ્રવેશ કર્યો ત્યારે મુનશી મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન થયા પણ ૧૯૪૨ની ‘હિંદ છોડો’ની ચળવળમાં એમણે ભાગ ન લીધો, ને અખંડ હિંદુસ્તાનના મુદ્દા ઉપર ફરીથી ગાંધીજીથી છૂટા થયા. ૧૯૪૫ સુધી કૉંગ્રેસની બહાર રહ્યા. ૧૯૪૬માં કૉંગ્રેસમાં ફરી દાખલ થયા. કેન્દ્રમાં કૉંગ્રેસ સત્તાસ્થાને આવી. સરદાર વલ્લભભાઈ પટેલે મુનશીને હૈદરાબાદમાં ભારતના એજન્ટ જનરલ નીમ્યા. ૧૯૪૮માં મુનશી દેશની બંધારણ સભા(Constituent assembly)ના સભ્ય નિમાયા. ત્યાર બાદ એમને કેન્દ્રના પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન તરીકે સ્થાન મળ્યું. ૧૯૫૨ની ચૂંટણી પછી તેમને ઉત્તર પ્રદેશના ગવર્નર નીમવામાં આવ્યા. એ પદેથી નિવૃત્ત થયા પછી એ સ્વતંત્ર પક્ષમાં જોડાયા પણ થોડા સમયમાં પક્ષમાંથી નિવૃત્ત થયા. મુનશીએ ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવન શરૂ તો કર્યું હતું; પણ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓને લીધે તેઓ ભવનને પૂરો સમય આપી શકતા નહોતા. સ્વતંત્ર પક્ષમાંથી નિવૃત્ત થયા બાદ જીવનનાં છેલ્લા દસબાર વર્ષ એમણે સંપૂર્ણપણે ભવનને જ આપ્યાં અને કૃતાર્થતા અનુભવી. ૧૯૭૧ના ફેબ્રુઆરીની આઠમી તારીખે મુંબઈમાં મુનશીનું અવસાન થયું.

જાહેર જીવનમાં પડવાની મહત્ત્વાકાંક્ષા મુનશીમાં નાનપણથી જ હતી. વ્યવસાય તરીકે વકીલાત અને જાહેર જીવનના કાર્યક્ષેત્ર તરીકે એમણે રાષ્ટ્રસેવા અને સાહિત્યને પસંદ કર્યાં હતાં. વકીલાત અને રાષ્ટ્રસેવાનાં ક્ષેત્રોમાં સફળ થવા માટે જે પ્રભાવશાળી વ્યક્તિત્વ, વક્તૃત્વ, હાલવાચાલવાની છટા અને દમામ વગેરે જોઈએ ને પોતામાં લાવવા-કેળવવા માટે તેમણે ચારેક વર્ષ બહુ જ ગંભીરતાથી પ્રયત્ન કરેલો. જાહેર જીવનમાં સફળ થવા માટે જે જે ગુણો જોઈએ તેની મુનશી યાદી કરતા અને તે ગુણો કેળવવા માટે પોતે શું શું વાંચવું જોઈએ તથા શાનો શાનો અભ્યાસ કરવો જોઈએ તેની તે નોંધ તૈયાર કરતા. પ્રભાવશાળી વ્યક્તિત્વ ઘડવા વિકસાવવા માટેના આ પ્રયત્નોનું નક્કર પરિણામ, અલબત્ત, કંઈ જ ન આવ્યું એમ એ પોતે નોંધે છે. પણ પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે, એ કેટલા જાગરૂક અને વ્યવસ્થિત રીતે પ્રયત્નશીલ રહેતા તે આના પરથી દેખાઈ આવે છે. પચીસેક વર્ષની વયે મુનશીની જાહેર જીવનમાં પડવાની મહત્ત્વાકાંક્ષા સવિશેષ સ્પષ્ટ રીતે પ્રકટ થાય છે. તે માટે એ યોગાભ્યાસને માર્ગે ઉત્સાહપૂર્વક વળે છે. બુદ્ધની છબીને પોતાની સામે રાખીને, એ નિયમિત ધ્યાન કરવા બેસે છે, યોગસૂત્રનો રોજ પાઠ કરે છે, ૐકારનોજપ કરે છે ને ત્રાટક કરવાનો અખતરો પણ કરે છે. બેએક વર્ષ યોગસાધના કરવાનો પ્રયત્ન કરવા છતાં મુનશીને ધ્યાન કરવું ફાવ્યું નહિ ને તેમને લાગ્યું કે ધ્યાનમાર્ગ તેમને માટે નથી. ‘વેરની વસૂલાત’ના અનંતાનંદ જેવો કોઈ માર્ગદર્શક મળી જાય તો રસ્તો સૂઝે એમ ધારીને એમણે ઘણો સમય રાહ જોઈ પણ કોઈ મળ્યું નહિ એટલે થાકીને, ૧૯૧૪માં તેમણે શ્રી અરવિંદ ઘોષને પત્ર લખ્યો : “જો મારે કર્મે યોગસિદ્ધિ લખાઈ હોય તો જવાબ આપશો. જવાબ નહિ આવે તો હું સમજી લઈશ કે મારે કર્મે એ નથી લખાઈ.” એકાદ મહિનો રાહ જોઈ. જવાબ ન આવ્યો. એટલે યોગી થવાની આકાંક્ષા તેમણે છોડી દીધી. તેમ છતાં, પોતાની “નિર્બળતા અને હૃદયમાં ઊઠતી અશાંતિને વશ કરવા”ના તેમના પ્રયત્નો તો ચાલુ રહ્યા જ. ૧૯૧૩થી ૧૯૨૨ સુધી (૧૯૧૭, ૧૯૧૮ અને ૧૯૧૯, એ ત્રણ વર્ષોને બાદ કરતાં) મુનશી દર વર્ષે બેત્રણ વાર માથેરાન જતા ને ઉનાળાની દોઢ મહિનાની રજા પણ ત્યાં ગાળતા. માથેરાનમાં મુનશી સવારે કોઈ શૃંગ પર ઊભા રહેતા, નીચે ખીણમાં શક્તિનો સાગર વિસ્તરી રહ્યો છે એવી કલ્પના કરતા, ને પ્રત્યેક શ્વાસે ‘ૐશક્તોઽહમ્‌’ને પ્રત્યેક ‘નિઃશ્વાસે’ ‘ૐ શાન્તોઽહમ્‌’ બોલીને પોતા એ શક્તિના જળ પોતામાં ખેંચી રહ્યા છે એવી ભાવના કરતા. મુનશી લખે છે, “આ પ્રયોગથી મારામાં સ્વસ્થતા આવતી ને કામ કરવાનો નવો ઉત્સાહ આવતો.” ૧૯૧૪માં મુનશીએ યોગાભ્યાસ છોડી દીધો ને પોતાના આત્મવિકાસ માટે તેઓ ભગવદ્‌ગીતામાંના ચરણ ‘નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુનનો’ જ૫ કરવા લાગ્યા. એ પોતે કહે છે તે પ્રમાણે ‘નિસ્ત્રૈગુણ્ય’નો શાસ્ત્રીય અર્થ તેમણે સ્વીકાર્યો નહોતો. પણ એમની દૃષ્ટિએ ‘નિસ્ત્રૈગુણ્ય’ એટલે “સત્ત્વ, રજસ ને તમસ – શાંત, પ્રવૃત્તિમય ને શૈથિલ્યમય એવા ત્રણ ગુણોમાંથી જે ગુણ પ્રસંગ પરત્વે વ્યક્ત કરવા યોગ્ય હોય તે જે જાણી શકે ને તે તે ગુણ પ્રમાણે આચરી શકે તે.”[2] બીજા શબ્દોમાં કહીએ તો મુનશીની દૃષ્ટિએ ‘નિસ્ત્રૈગુણ્ય’ એટલે જે સમયે જે રીતે વર્તવાની જરૂર જણાય તે સમયે તે રીતે વર્તવું તે.

આમ, ‘નિસ્ત્રૈગુણ્ય’ થવાનો પ્રયત્ન મુનશી જેમ જેમ કરતા ગયા તેમ તેમ “આત્મદમન કરીને જીવ પર જુલમ કરવાની વૃત્તિ” ઓછી થતી ગઈ; ને “પ્રભાવવૃત્તિ (sense of power) કલ્પનામાં વધારે રમવા લાગી.” આમ ૧૯૧૨થી ૧૯૨૨ સુધીના ગાળામાં મુનશી એક તરફથી પોતાની નિર્બળતાઓ અને અશાંતિને દૂર કરીને સ્વસ્થ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કેળવવા તરફ પ્રયત્નશીલ થાય છે તો બીજી તરફથી, એ જ ગાળા દરમ્યાન જાહેર જીવન તરફ પણ દુર્નિવાર રીતે આકર્ષાય છે. ચંદ્રશંકર પંડ્યા, મનસુખલાલ માસ્તર અને કાન્તિલાલ પંડ્યાની પ્રેરણાથી એ ગુજરાતીમાં લખવા તરફ વળે છે. શરૂઆત ગુજરાતીમાં કાગળો લખવાથી કરે છે પણ તરતમાં જ, ૧૯૧૨ના જૂન કે જુલાઈમાં ‘મારી કમલા’ નામની ટૂંકી વાર્તા પણ ગુજરાતીમાં લખે છે. એ વાર્તા ‘ઘનશ્યામ વ્યાસ’ના તખલ્લુસ નીચે ‘સ્ત્રીબોધ’માં છપાય છે. ‘મારી કમલા’ લખ્યા પછી તરત, ૧૯૧૨ના જ ઑગસ્ટમાં મુનશી ‘ભાર્ગવ ત્રૈમાસિક’ શરૂ કરે છે. ૧૯૧૩માં ‘કોકિલા’ લખે છે ને ૧૯૧૪માં ‘વેરની વસૂલાત’ ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં કકડે કકડે પ્રકટ થતી શરૂ થાય છે. આમ, ગુજરાતી ભાષામાં લેખનપ્રવૃત્તિનો પ્રારંભ થાય છે. ૧૯૧૨માં મુનશી ચંદ્રશંકર પંડ્યા જોડે યુનિયનના મંત્રી થાય છે. થોડા જ મહિનામાં એનું આખું બંધારણ ફેરવી નાખીને, ૧૯૧૩માં એનું ‘ગૂર્જર સભા’ નામ રાખે છે, ને ત્રિભુવનદાસ રાજા સાથે એના સહમંત્રી થાય છે. એ જ વર્ષમાં ચંદ્રશંકર પંડ્યા, મનસુખલાલ માસ્તર, નૃસિંહ વિભાકર, કાન્તિલાલ પંડ્યા, ઇન્દુલાલ યાજ્ઞિક અને મુનશીનું ‘ષડ્‌રિપુમંડળ’ પણ ધમધોકાર પ્રવૃત્તિ કરવા માંડે છે. મંડળના છયે સભ્યો લગભગ રોજ મળે, ચાપાણી પીએ, સાહિત્યની અને બીજી વાતો પણ કરે તે પ્રસંગોપાત્ત ઘાંટાઘાંટ પણ કરે. મુનશી પોતે કહે છે તે પ્રમાણે “અમે બધા બોલકણા, મહત્ત્વાકાંક્ષી, રસિક ને ભાવનાશીલ; બધા જ તરફડિયાં મારતા.” [3] ‘ષડ્‌રિપુમંડળ’ના છયે સભ્યો ૧૯૧૪માં નાશિક ગુરુકુલના મહોત્સવમાં ભાગ લેવા ગયા. ત્યાં મુનશીનો આર્યસમાજમાં રસ તાજો થયો ને આર્યસમાજના મુખપત્ર ‘આર્યપ્રકાશ’માં એ લેખો લખવા લાગ્યા. (‘આર્યપ્રકાશ’ના તંત્રી પરધુભાઈ વહાલભાઈ શર્મા ગૂર્જર સભાના પણ અગ્રણી કાર્યકર્તા હતા.) તેવામાં ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. મુનશી રાષ્ટ્રભાવનાથી રંગાઈ ગયા. ‘ભાર્ગવ ત્રૈમાસિક’ અને ‘આર્યપ્રકાશ’ જેવાં મર્યાદિત કાર્યક્ષેત્રવાળાં સામયિકોમાં લેખો લખવામાંથી એમનો સ્વાદ ઊડી ગયો; ને ૧૯૧૫માં એમણે અને ઇન્દુલાલ યાજ્ઞિકે ‘સત્ય’ માસિક લીધું ને જુલાઈમાં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદે ‘નવજીવન અને સત્ય’ શરૂ કર્યું. રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને મુનશી સર ફિરોઝશા મહેતાની ‘પ્રેસિડેન્સી ઍસોસિયેશન’માં જોડાયા. પણ એ સંસ્થા એ વખતે નિર્ગત ને નિષ્પ્રાણ જેવી થઈ ગઈ હતી, અને મુનશી “કંઈ નવું કામ કરી બતાવવાની ઉતાવળમાં” હતા. એટલે એ એની બેસન્ટની હોમરૂલ લીગ પ્રત્યે આકર્ષાયા. ને બેસન્ટે “ઉચ્ચારેલા જ્વલંત રાષ્ટ્રીય કાર્યક્રમનો” પ્રચાર કરવા માટે તા. ૧૭-૧૧-૧૯૧૫એ એમણે ‘યંગ ઇન્ડિયા’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. એ સાપ્તાહિકના તંત્રી જમનાદાસ દ્વારકાદાસ મહેતા અને મુનશી, બે હતા. પણ ‘યંગ ઇન્ડિયા’ની આર્થિક વ્યવસ્થા સંભાળનાર શંકરલાલ બૅંકર સાથે મુનશીને ન ફાવ્યું એટલે બેએક મહિનામાં જ મુનશીએ ‘યંગ ઇન્ડિયા’નું તંત્રીપદ છોડી દીધું. અને ૧૯૧૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં બેસન્ટનું કંઈ ચાલ્યું નહિ અને એમનો હોમરૂલનો કાર્યક્રમ ઊડી ગયો. ઇન્દુલાલ યાજ્ઞિક ‘સર્વન્ટસ ઑફ ઇન્ડિયા સોસાયટી’ તરફ વળ્યા એટલે મુનશીએ પણ ‘નવજીવન અને સત્ય’માં લખવાનું ઓછું કરી નાખ્યું. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને હિંદ આવ્યા. ગૂર્જર સભાએ તેમને માટે એક સંમેલન યોજ્યું. સભાના મંત્રી તરીકે મુનશી એમને મળ્યા પણ ખરા; પણ ગાંધીજીનો કશો પ્રભાવ એમના પર પડ્યો નહિ. ૧૯૧૪થી ૧૯૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદના રાજકારણમાં જબરદસ્ત પલટાઓ આવવા લાગ્યા હતા. હોમરૂલ લીગ પર ગાંધીજીનો પ્રભાવ વધતો જતો હતો. ઝીણાની જેમ મુનશીને પણ લાગતું હતું કે ગાંધીવાદ દેશને હાનિકારક છે. ઝીણા, જયકર વગેરે હોમરૂલ લીગના સભ્યોનો લીગની પ્રવૃત્તિઓમાં રસ ઓછો થવા લાગ્યો હતો એટલે ૧૯૨૦માં ઝીણા, જયકર વગેરેની સાથે મુનશીએ પણ લીગમાંથી રાજીનામું આપ્યું. એ જ વર્ષના ડિસેમ્બરમાં મુનશી રાયપુર કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા ગયા. એ લખે છે કે, “ગાંધીજીએ બે વર્ષમાં એ સંસ્થાને જુદું જ સ્વરૂપ આપી દીધું હતું. એનું બાહ્ય અંગ મોટી જાત્રા જેવું થયું હતું. પ્રાંતે પ્રાંતથી નવા ખાદીધારી નેતાઓ આવ્યા હતા. રાજકારણના જૂના નિષ્ણાતો ભાગ્યે જ નજરે પડતાં. જે સમૂહ ભેગો થયો હતો તે ઘણે ભાગે ગાંધીભક્ત ઝનૂનીઓનો હતો. અભિપ્રાય સ્વાતંત્ર્યની ઠેકડી કરવી, તેને દબાવી દેવું એ બધે દેખાતી મનોદશામાં અહિંસાનો અંશ ખાસ તરી આવતો નહોતો. હિંદ જીતવા નીકળેલા વિજયમસ્ત સૈન્યનો આ પડાવ હતો.”[4] અને “આ સંસ્થા મને ન સમજાય તેવી થઈ પડી” એટલે મુનશીએ એમાંથી રાજીનામું આપી દીધું. આમ, મુનશી હોમરૂલ લીગ અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, બંનેમાંથી છૂટા થઈ ગયા અને રાજકારણના ક્ષેત્રમાંથી ખસી ગયા. ઉપરાંત આપણે જોઈ ગયા તે પ્રમાણે, લીલાવતીબહેને પણ તેમને લખ્યું હતું કે, “કોણ જાણે ક્યાંથી મગજમાં વિચાર આવ્યો કે કદાચ રાજકરણમાં આપણી મૈત્રી નહિ ચાલી શકે.”[5] એટલે પણ મુનશીની રાજકારણમાં પડવાની જે કંઈ ઇચ્છા હોય તે વિરમી ગઈ. પણ મુનથી માટે રાજકારણનો રસ છૂટવો સહેલો નહોતો. ૧૯૨૩ના અરસામાં એમને સ્વરાજ્ય પક્ષ તરફથી ધારાસભામાં જવાનું નિમંત્રણ મળે છે. જરાક વાર મન થાય છે પણ “એક જ વિપળ પછી આપણો (મુનશીનો અને લીલાવતીબહેનનો) ક્રમ યાદ આવ્યો ને ના કહી દીધી.” લીલાવતીબહેનને આટલું લખીને ઉમેરે છે, “જરાક મહેનત કરું તો જવાય ને વખાત છે તે પ્રધાનપદ પણ મળે!”[6] એ જ ગાળામાં સર ચીમનલાલ સેતલવાડ લિબરલ પક્ષની પુનર્‌-વ્યવસ્થા કરતા હતા. તેમણે મુનશીને બોલાવીને તેમાં જોડાવાનું ‘દબાણ’ કર્યું. આ સમાચાર લીલાવતીબહેનને લખતાં મુનશી કહે છે, “હમણા મારો ભાવ કાંઈ વધ્યો છે એમ લાગે છે. મેં ન હા કહી ને ન ના કહી.” ને લીલાવતીબહેનને ધરપત આપે છે, “બીવાનું કારણ નથી.” પણ સાથેસાથ ઉમેરે પણ છે, “જરા વિચાર કરજો.” વળી બેચાર દિવસમાં જ એ લીલાવતીબહેનને લખે છે, “રાજદ્વારી પ્રવૃત્તિઓનો કીડો હજી ચળવળે (સળવળે?) છે,” ને કહે છે કે, “નવા રાજકીય પક્ષમાં (સ્વરાજ્ય પાર્ટીમાં) તો નથી જ જોડાવું – તમારી રજા વિના પૈસા પણ ભેગા કરવા છે.”[7] વળી ૧૯૨૫માં બૅરિસ્ટર મંગળદાસ દેસાઈ અને છોટુભાઈ સૉલિસિટર વગેરે નવો રાજકીય પક્ષ કાઢવાની વાતો કરવા મળે છે તેમાં મુનશી જોડાય છે. મહિના પછી એ વાત પાછી આગળ વધે છે. એ સમાચાર લીલાવતીબહેનને આપતાં મુનશી લખે છે, “તારે ધાકે હું ઠંડું પાણી રેડવાનો છું.” ને છોટુભાઈ, મંગળદાસ વગેરે આવે છે ને ચર્ચા કરે છે ત્યારે મુનશી એ વાતને ‘સુવાડી’ દે છે. વળી, એ જ ૧૯૨૫ની આખરમાં ઝીણાને ત્યાં પાર્ટી કાઢવા માટે કેટલાક માણસો મળે છે. મુનશી લખે છે, “હું નામનો ગયો હતો. મને આ વાત રુચતી આવતી નથી, અને સક્રિય ભાગ લેવો કે નહિ તે પણ સૂઝતું નથી. અને છેક અડગ ઊભા રહેવું તે પણ ગમતું નથી.”[8] ૧૯૨૬ના જાન્યુઆરીમાં યુનિવર્સિટી સેનેટની ચૂંટણી આવે છે. મુનશીને લાગે છે કે પોતે સહેલાઈથી આવી શકશે. એટલે લીલાવતીબહેનને લખે છે, “તારી રજા હોય તો તેમાં ઝુકાવું.” લીલાવતીબહેને રજા આપી કે નહિ તે તો સ્પષ્ટ થતું નથી. પણ મુનશી ચૂંટણીમાં ઊભા રહે છે અને ૫-૧-૧૯૨૬એ ચૂંટાય છે. ત્યાર બાદ, આપણે જોઈ ગયા તે પ્રમાણે મુનશીદંપતી બારડોલી સત્યાગ્રહમાં ભાગ લે છે. મુનથી ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાય છે. ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીના રજિસ્ટર્ડ ગ્રૅજ્યુએટ્‌સ મતદાર વિભાગમાંથી બૉમ્બે લેજિસ્લેટિવ એસેમ્બલી માટે ઊભા રહે છે, ચૂંટાય છે ને આ નદીમુખે એ રાજકારણના સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૧૯૨૦માં મુનશીએ રાષ્ટ્રીમ રાજકારણના ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી ને સાહિત્યને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. પણ ઘરને છાંયડે બેસીને પોતાના ગજા પ્રમાણે સાહિત્યસર્જન કરવું અને પોતાની સિસૃક્ષાને પોષે ને સતેજ રાખે તેવા સ્વાધ્યાય અને સંશોધન આદિ કર્યાં કરવાં તે મુનશીના સ્વભાવમાં જ નહોતું. જાહેર જીવનનો – પ્રજાની નજરની પાસે ને પાસે રહ્યા કરવાનો ને પ્રજાનું નેતૃત્વ લેવાનો રસ મુનશીમાં ઘણો હતો. એટલે ૧૯૨૨માં તેમણે ગુજરાત સાહિત્ય સંસદની સ્થાપના કરી, સાહિત્ય પ્રકાશક કંપની શરૂ કરી અને ગુજરાતની પ્રજાને તેની અસ્મિતાનું ભાન કરાવવાના આશમથી ‘ગુજરાત’ માસિકનું પ્રકાશન આરંભ્યું. આ ઉપરાંત, મુનશીએ ગુજરાત સાહિત્ય સંસદ દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદને તેનું અધિવેશન મુંબઈમાં ભરવા માટે નિમંત્રણ આપ્યું. અધિવેશન મળ્યું. અને ત્યાર બાદ થોડા સમયમાં, પરિષદનું બંધારણ ઘડાયું ને પરિષદનું કાર્યાલય મુંબઈ ગયું. મુનશી ગુજરાતી સાહિત્ય પરિષદના મુખ્ય સૂત્રધાર બન્યા. અને આમ, રાષ્ટ્રીય રાજકારણમાંથી છૂટા થઈને મુનશીએ સાહિત્યને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારે પણ સાહિત્યસર્જનની સાથે જેને પ્રત્યક્ષ અને જીવાતુભૂત સંબંધ કશો જ ન હોય એવી સંસ્થાઓ પણ મુનશીએ ઊભી કરી કે હસ્તગત કરી ને એની પ્રવૃત્તિઓ દ્વારા સાહિત્યના રાજકારણના આટાપાટા ખેલ્યા. રાજકારણ મુનશીના જીવનનો એક મુખ્ય રસ હતો. પણ રાજકારણમાં મુનશીથી કોઈ પણ પક્ષને લાંબો સમય વળગી રહેવાનું બની શક્યું નહોતું. પોતાના જાહેર જીવનના પ્રારંભકાળે, ઈ. સ. ૧૯૧૪ના અરસામાં મુનશી “સર ફિરોઝશા મહેતાના માત્ર પડછાયા જેવી” પ્રેસિડેન્સી ઍસોસિયેશનમાં જોડાય છે. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થાય છે ને મુનથી એની બેસન્ટ અને સર વિલિયમ વેડરબર્નની ‘હોમરૂલ’ની ચળવળ પ્રત્યે આકર્ષાય છે. ૧૯૧૭ના જૂનમાં બેસન્ટ અને તેના બે સાથીઓની ધરપકડ થાય છે, દેશમાં આંદોલન જાગે છે, ને મુંબઈની હોમરૂલ લીગની પુનર્ઘટના થાય છે ત્યારે મુનશી એની કાર્યવાહી સમિતિના એક સભ્ય થાય છે. દરમ્યાન, ગાંધીજીનું ભારતમાં આગમન થઈ ચૂક્યું હતું અને રાષ્ટ્રના રાજકારણ પર એમનો પ્રભાવ વરતાવો શરૂ થઈ ચૂક્યો હતો. ૧૯૧૮માં દિલ્હી કૉંગ્રેસમાં બેસન્ટનો ઠરાવ ઊડી ગયો ને “બેસન્ટ અને ઝીણા પ્રમાણમાં નિસ્તેજ થઈ ગયાં.” મુનશી ગાંધીજીને ૧૯૧૫માં પહેલી વાર મળ્યા ત્યારે ગાંધીજી પ્રત્યે એમને કોઈ સવિશેષ આકર્ષણ જન્મ્યું નહોતું. એટલું જ નહિ પણ ગાંધીજીની રીત મુનશીને અવ્યવહારુ લાગી હતી. પણ દિલ્હી કૉંગ્રેસમાં એની બેસન્ટે જે નીતિ સ્વીકારી હતી તે પણ મુનશીને ગમી નહોતી. એટલે ૧૯૧૮માં ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગનું પ્રમુખસ્થાન ગાંધીજીને આપવા માટે જે પ્રવૃત્તિ શરૂ થઈ તેમાં મુનશી ઉત્સાહપૂર્વક જોડાયા. ૧૯૧૯ના ડિસેમ્બરમાં અમૃતસર કૉંગ્રેસમાં “જલિયાંવાલાની કતલ અને અમૃતસરના દંગા વખતે જનતાએ દાખવેલું ખૂની ઝનૂન – એ બન્નેનો વિરોધ કરનારો” ગાંધીજીનો ઠરાવ પસાર થયો અને મુનશી કહે છે તેમ, “કૉંગ્રેસનું સમ્રાટપદ ગાંધીજીના હાથમાં ગયું.”૯[9] ગાંધીજીને હોમરૂલ લીગનું નામ બદલાવવું હતું અને લીગના ઉદ્દેશોમાં ફેરફાર કરવો હતો. તે માટે જે ઠરાવ રજૂ થયો તેમાં ઝીણા અને જયકરે સુધારો સૂચવ્યો તે ઊડી ગયો. મુનશી અને હરસિદ્ધભાઈએ સુધારો સૂચવ્યો તે પણ ઊડી ગયો. ઝીણા, જયકર, મુનશી વગેરેએ વિરોધ દર્શાવી સભાત્યાગ કર્યો અને એકાદ મહિના બાદ લીગમાંથી રાજીનામું આપ્યું. ૧૯૨૦માં નાગપુર કૉંગ્રેસમાં મુનશીએ જોયું કે ગાંધીજીએ બે વર્ષમાં એ સંસ્થાને જુદું જ સ્વરૂપ આપી દીધું હતું. અને આ સંસ્થા મુનશીને ન સમજાય તેવી થઈ ગઈ હતી. એટલે મુનશીએ એમાંથી રાજીનામું આપી દીધું. દસ વર્ષ બાદ, ૧૯૩૦માં મુનશી કૉંગ્રેસમાં ફરી દાખલ થયા. સત્યાગ્રહમાં ભાગ લીધો. બે વર્ષની જેલ ભોગવી. ૧૯૩૭માં કૉંગ્રેસે ધારાસભા-પ્રવેશ કર્યો ત્યારે તે મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન થયા. પણ ૧૯૪૨ની લડતમાં એમણે ભાગ ન લીધો ને અખંડ હિંદુસ્તાનના મુદ્દા ઉપર ફરી ગાંધીજીથી છૂટા થયા. ૧૯૪૫ સુધી કૉંગ્રેસથી છૂટા રહ્યા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ લખે છે તે પ્રમાણે, “બાપુ આમંત્રણ આપે તો કૉંગ્રેસમાં જોડાવું એમ મુનશીની ઇચ્છા હતી. બાપુનું આમંત્રણ ન આવ્યું. પણ છેવટ ૧૯૪૬માં કૉંગ્રેસમાં ફરી દાખલ થયા. દેશમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ.૧૦[10] દેશના ભાગલા થયા અને કેન્દ્રમાં કૉંગ્રેસ સત્તાસ્થાને આવી.” શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આગળ જણાવે છે તે પ્રમાણે, “૧૯૫૨ની ચૂંટણી પછી એમને (મુનશીને) ઉત્તર પ્રદેશના ગવર્નરપદે મૂક્યા. મુનશી મહાલી શકે એવું આ સ્થાન હતું. આ પદેથી નિવૃત્ત થયા પછી કૉંગ્રેસમાં મુનશીનું અસરકારક સ્થાન ન રહ્યું. મુનશીથી પ્રવૃત્તિ વિના બેસી રહેવાય નહિ. છેવટ સ્વતંત્ર પક્ષમાં જોડાયા. મારા નમ્ર મત મુજબ મુનશીના જીવનની આ એક કરુણ ઘટના હતી. સ્વતંત્ર પક્ષમાં મુનશી જોડાવાના હતા તેના થોડા દિવસ પહેલાં મને ડૉ. બાલિગાની હૉસ્પિટલમાં ઑપરેશન કરેલું અને મને જોવા આવ્યા હતા. ત્યારે મેં પૂછ્યું અને આગ્રહપૂર્વક વિનંતી કરી કે તેમણે આવું ન કરવું. મને કહે, ‘કૉંગ્રેસમાં મારો કોણ ભાવ પૂછે છે?’ મેં કહ્યું, ‘આટલા માટે વિરોધ પક્ષમાં જવાય?’ પણ સ્વતંત્ર પક્ષમાં તેમને ચેન ન હતું. ઘણા મતભેદ હતા. અને છેવટ લગભગ તેમાં નિષ્ક્રિય અને નિવૃત્ત થયા.”૧૧[11] “કૉંગ્રેસમાં મારો કોણ ભાવ પૂછે છે?” એમ મુનશીએ શ્રી ચીમનભાઈને કહ્યું તેમાં તેમના જીવનની ચાવી રહી છે એમ મને લાગે છે. મુનશી કૉંગ્રેસમાં જોડાયા ને છૂટા થયા, ફરી જોડાયા ને ફરી છૂટા થયા તેના સમય સંજોગો વગેરેને ધ્યાનમાં લઈએ તો, “મુનશી ઉપર શંકાનાં વાદળો હતાં” એવું જે વિધાન શ્રી ચીમનભાઈ કરે છે[12] તે શા માટે હોઈ શકે તે ન સમજી શકાય તેવું રહેતું નથી. પણ ૧૯૨૫માં એ નવો રાજકીય પક્ષ કાઢવાની વાતમાં રસ લે છે ને ૧૯૪૨(?)માં અખંડ હિંદુસ્તાનના મુદ્દા પર નવો રાજકીય પક્ષ કાઢે પણ છે, તેમ જ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ કોઈ જૂની અને ચાલતી આવેલી સંસ્થામાં લાંબો સમય કામ કરવાને બદલે એ નવી જ સંસ્થાઓ ઊભી કરે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી જૂની સંસ્થા હોય તો તેની એવી કાયાપલટ કરી નાખે છે કે એ નવી જ થઈ જાય, તે હકીકતો લક્ષમાં લઈએ તો મુનશીના આ વિલક્ષણ ચાંચલ્યનું મૂળ તેમના સ્વભાવની મનસ્વિતામાં રહ્યું હોય એવું અનુમાન કરી શકાય. મનસ્વીનું લક્ષણ દર્શાવતાં ભર્તૃહરિ કહે છે :

‘કુસુમસ્તબક્સ્યેવ દ્વે ગતીહ મનસ્વિનામ્‌ |
મૂર્ઘ્નિ વા સર્વલોકસ્ય વિશીર્યેત વનેઽથવા ||’

પુષ્પસ્તબકથી આંહી ગતિ બે છે મનસ્વીની,
શિરે કાં સર્વે લોકોને, વને થાય વિશીર્ણ વા.

પોતે જે સંસ્થામાં કે ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં કેન્દ્રસ્થાને પોતે હોય ને સર્વાધિક મહત્ત્વ પોતાનું હોય તો જ પોતે પોતામાં જે કંઈ ઉત્તમ પડ્યું હોય તેને ઉત્સાહપૂર્વક ને પરિપૂર્ણ રીતે પ્રકટ કરી શકે એ પ્રકારનું માનસ મુનશીનું હોય એમ એમણે પોતે પોતાની આત્મકથામાં પોતા માટે જે કંઈ કહ્યું છે તેના પરથી લાગે છે. સાવ નાનપણમાં કે કિશોરાવસ્થામાં જ નહિ પણ પચીસ-છવ્વીસ વર્ષની વયે—જ્યારે એમનાં લગ્ન થઈ ગયાં હતાં, ઘેર પારણાં પણ બંધાયાં હતાં ને વકીલ તરીકે પ્રૅક્ટિસ પણ ચાલવા લાગી હતી તે વખતે—પણ મુનશી પોતાનું વ્યક્તિત્વ ઘડવાના, નિસ્ત્રૈગુણ્ય થવાના અને પ્રભાવશાલી બનવાના પોતાના સભાન પ્રયત્નો ચાલુ જ રાખી રહ્યા હતા એ હકીકતને અને આ મનસ્વિતાને સંબંધ હોય તે સંભવિત છે.

વકીલ તરીકે

મુનશી વ્યવસાયે વકીલ હતા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કહે છે તે પ્રમાણે : “૧૯૧૩માં વકીલાત શરૂ કરી. શરૂઆતનાં વર્ષો દરેક વકીલને મુસીબતમાં જાય છે તેમાં મુનશી અપવાદ ન હતા. સદ્‌ભાગ્યે, ભૂલાભાઈ દેસાઈની ચેમ્બરમાં સ્થાન મળ્યું. ત્યાં ઘણો અનુભવ મળ્યો. બુદ્ધિની તીક્ષ્ણાતામાં, પૃથક્કરણ શક્તિમાં મુનશી કોઈથી ઊતરે એવા ન હતા. ટૂંક સમયમાં જ વકીલ તરીકે મુનશીએ નામના મેળવી, અને અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું... મુનશી પ્રથમ પંક્તિના વકીલ હતા એટલું જ નહિ પણ મારા નમ્ર મત મુજબ મુનશીમાં વકીલ તરીકે જે મૌલિકતા (originality) હતી. તે બીજા કોઈમાં મેં જોઈ નથી. એમને કેસ સોંપ્યો હોય તો સોલિસિટરે તૈયાર કરીને આપ્યું હોય તેટલું સરસ રીતે રજૂ થાય એટલું જ નહિ પણ કઈક નવું જ શોધી કાઢે. કેસની સાથે તેમનું તાદાત્મ્ય અદ્‌ભુત રહેતું. મુનશી માત્ર વકીલ હતા. He was an artist, તેમની રજૂઆતમાં સૂક્ષ્મતા, બુદ્ધિચાતુર્ય, અને ભાષા ઉપરનું પ્રભુત્વ અપ્રતિમ હતા.”[13]

લેખક તરીકે
વાર્તાના લેખક તરીકે, મુનશીને પોતાની સર્જનકલાના ત્રણ પ્રકાર દેખાય છે :

૧. પહેલા પ્રકારમાં નર્યું આત્મકથન એટલે કે પોતે અનુભવેલા સુખ કે દુઃખનું સીધુંસાદું કથન. જેમ કે, ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘વેરની વસૂલાત’, ‘કોનો વાંક?’.
૨. બીજા પ્રકારમાં સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંઘરી રાખી, પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગને અવલંબીને વાર્તાનું લેખન એટલે કે કોઈ કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગની ઓથે પોતાના અનુભવનું આલેખન જેમ કે, ‘પાટણની પ્રભુતા’.
૩. ત્રીજા પ્રકારમાં વણઅનુભવેલી મનોદશાને ઘટાવી, તેનો કાલ્પનિક સ્વાનુભવ કરી, તેના પર મુખ્ય પાત્રો ને પ્રસંગોની રચના. એટલે કે સ્વાનુભવની સાથે જેને કશો જ સંબંધ ન હોય તેવી કેવળ કાલ્પનિક અનુભૂતિઓ, ઘટનાઓ અને વ્યક્તિઓનું આલેખન. જેમ કે, ‘ભગવાન કૌટિલ્ય’, ‘’જય સોમનાથ’.

હકીકતમાં જોઈએ તો આ વર્ગીકરણ શાસ્ત્રીય નથી. સાહિત્યકૃતિમાં નર્યું આત્મકથન એટલે કે લેખકે ખરેખર અનુભવેલા સુખ કે દુઃખનું સીધુંસાદું કથન શક્ય જ નથી. એવું કથન થતું હોય ત્યારે પણ એ પુરસ્કાર અને તિરસ્કારની પ્રક્રિયા સમેત જ થઈ શકતું હોય છે. અને એ રીતે જેમાં કથન થયું હોય તે કૃતિ આત્મલક્ષી જ રહેતી હોય છે, પરલક્ષી નહિ. અને મુનશી તો મુખ્યત્વે અને સમગ્રે નવલકથાકાર, નવલિકાકાર અને નાટકકાર છે. એટલે એ પરલક્ષી સાહિત્યકાર છે. પરલક્ષી સાહિત્યકૃતિઓના મુખ્યત્વે પ્રકાર ત્રણ હોઈ શકે,

૧. લેખકના સ્વાનુભવનું અંશતઃ કે પૂરેપૂરાં કાલ્પનિક પાત્રો અને પ્રસંગો દ્વારા આલેખન.
૨. લેખકના સ્વાનુભવની સાથે જેને પ્રત્યક્ષ સંબંધ ન હોય તેવાં પાત્રો અને ઘટનાઓનું આલેખન.
૩. મિશ્ર.

આ ત્રણે પ્રકારમાં પાત્રો અને ઘટનાઓ દ્વારા આલેખન, અલબત્ત, જીવનનું એટલે કે જીવનના કોઈ વિશિષ્ટ ખંડનું થતું હોય છે. અને લેખકની પોતાની જીવનની જે સમજણ હોય એટલે કે જીવનના સદસદ્‌ અનુભવો અને નિરીક્ષણ પર્યેષણ આદિ દ્વારા જીવન વિશે જે ખ્યાલ લેખકના ચિત્તમાં બંધાવા પામ્યો હોય તે અભિવ્યંજિત થતો હોય છે. મુનશી પરલક્ષી સર્જક છે અને તેમણે ઉપરિનિર્દિષ્ટ ત્રણે પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે. મુનશીની કૃતિઓના બે મુખ્ય વિભાગો કરી શકાય :

૧. સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ. આમાં એમની નવલકથાઓ, નાટકો અને નવલિકાઓનો તેમ જ આત્મકથા, જીવનચરિત્રો, ગુજરાતના જ્યોતિર્ધરો અને ‘શિશુ અને સખી’નો સમાવેશ થાય છે.
૨. વિચારાત્મક અને ચિંતનાત્મક કૃતિઓ. આમાં એમના લેખો, પ્રાસ્તાવિક પ્રવચનો, સૌન્દર્ય સાહિત્ય આદિના સિદ્ધાંતાની ચર્ચાઓ, એમણે લખેલા ઇતિહાસ, સંશોધન આદિનો સમાવેશ થાય છે.

  1. ૧. સ્વપ્નસિદ્ધિની શોધમાં, પૃ. ૬૫.
  2. ૨. મધ્વરણ્ય, પૃ. ૫૮.
  3. ૩. મધ્વરણ્ય, પૃ. ૬૪.
  4. ૪. મધ્વરણ્ય, પૃ ૧૪૪.
  5. ૫. સ્વપ્નસિદ્ધિની શોધમાં, પૃ. ૬૩.
  6. ૬. એજન, પૃ. ૧૧૮.
  7. ૭. એજન, પૃ. ૧૨૦.
  8. ૮. એજન, પૃ. ૨૮૮.
  9. ૯. મધ્વરણ્ય, પૃ. ૧૩૮
  10. ૧૦. ભારતના તાત્કાલીન રાજકીય ઇતિહાસથી અનભિજ્ઞ હોય તેવા કોઈક વાંચકને, કદાચ, એમ લાગવાનો સંભવ છે કે દેશમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ તે મુનશી કૉંગ્રેસમાં દાખલ થયા તેને લીધે. હકીકતમાં, અંગ્રેજોએ પોતાની સત્તા છોડી દેવાનો નિર્ણય અસંદિગ્ધ શબ્દોમાં જાહેર કરી દીધો હતો; અને કેન્દ્રમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના સભ્યોએ વચગાળાનુ પ્રધાનમંડળ (interim government) રચ્યું હતું. તેને લીધે દેશમાં નવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
  11. ૧૧. ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, ઑક્ટોબર-નવે. ૧૯૭૧, પૃ. ૧૬૧-૬૨.
  12. ૧૨. એજન, પૃ. ૧૬૧.
  13. ૧૩. એજન, પૃ. ૧૫૯-૬૦.