કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૫. નથી મળાતું
Jump to navigation
Jump to search
૨૫. નથી મળાતું
ચંદ્રકાન્ત શેઠ
બે પંખીને મળવું છે, પણ નથી મળાતું,
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું!
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૩)