કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૯.કુહાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯.કુહાડી

ચિનુ મોદી

કલ્પ્યું તો હતું કે
કૂવામાં કુહાડી પાડશું એટલે
ત્રણ ત્રણ કુહાડી બતાડી
કોઈ પૂછશે કે આ સોનાની, આ
ચાંદીની, ને આ લોઢાની – કઈ
કુહાડી તારી ?
ખોટું તો હું બોલવાનો જ નહોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે ભૈ, આ ગયા
ધરતીકંપમાં પડી ગયાં છે
કૈંક મકાનો,
તે તારે પણ ઘર હતું કે નહીં ?
ખોટું તો હું બોલવાનો જ ન્હોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે લે, આ ભરી
ભીડમાં દબાઈ ગયા,
ચળાઈ ગયા કેટલાય શ્વાસ
તે એમાં તારો મૂકેલો કોઈ
નિઃશ્વાસ હતો કે નહીં ?
(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)