કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧. જાગૃતિ
Jump to navigation
Jump to search
૧. જાગૃતિ
નિરંજન ભગત
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કવિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે, અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, છલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
૧૯૪૩
(બૃહદ છંદોલય, સંવર્ધિત આવૃત્તિ, ૨૦૧૮, પૃ. ૩)