કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬. પરમ ધન

ન્હાનાલાલ


પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
          અચળ બ્રહ્મની લહેર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

નહીં સૂરજ, નહીં ચંદ્ર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
          બ્રહ્મ તણા ભંડાર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

દૂર થકી પણ દૂર,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
          એ ધન છે અવિનાશ :
                   પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)