કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પ્રસાદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૦. પ્રસાદી


ગઝલ કંઈ ન બીજું, પ્રણયની પ્રસાદી,
કુસુમ જેમ કોઈ ઉદયની પ્રસાદી.

ઢળેલાં નયનમાં નિહાળી લો ઓજસ,
વિવેકે ભરી છે વિનયની પ્રસાદી.

સુગંધી કહો કેમ ચંદનની ના’વે?
આ મલયાગરી છે મલયની પ્રસાદી.

જવાંમર્દની છાતીનું જોર જોયું?
અચંબા સમી છે અભયની પ્રસાદી.

કહું તો કરું આમ મયની હું વ્યાખ્યા,
છે સમ આપનારી સમયની પ્રસાદી.

ધબી જાય હૈયું યદિ લય મહીં તો-
એ માની જ લેજો વિલયની પ્રસાદી.

મને આજ ગાફિલને આવું સૂઝે છે,
છું મૃત્યુ ને જીવન – ઉભયની પ્રસાદી.

(બંદગી, પૃ. ૧૬)