કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાણીનો વહેવાર
Jump to navigation
Jump to search
૫. વાણીનો વહેવાર
અણમૂલાંને વણમૂલ આપે,
જીયો ખરીદણહાર,
રે એવો વાણીનો વહેવાર જી.
જુગ જુગથી પેલો જોગી હિમાલય
વહે ગંગની ધાર,
કોઈ પીએ, કોઈ પીએ ન વારિ,
એને તમા ન લગાર.
રે એવો વાણીનો વહેવાર જી.
આંબો ઊગે કે મ્હોર ધરે ને
કેરી દિયે રસદાર,
કોઈ ચૂસે, કે કોઈ ન ચૂસે,
એને ન એ દરકાર.
રે એવો વાણીનો વહેવાર જી.
સૂરજ એનાં દે અજવાળે
ચેતનનો અંબાર,
એને ન પરવા, બાર રહો કે
બેસો બીડીને દ્વાર.
રે એવો વાણીનો વહેવાર જી.
અંતરમાંથી આવે આફૂડા
અલખના ઉદ્ગાર,
ઝીલો, ન ઝીલો ભાઈ, ભેરુ સહુયને
ઝાઝા કરીને જુહાર.
રે એવો વાણીનો વહેવાર જી.
(રામરસ, પૃ. ૧૬)