કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કહેતા નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. કહેતા નથી

આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી.

લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે,
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી!
(આગમન, પૃ. ૩૮)