કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/રાઈનાં ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. રાઈનાં ફૂલ

સૂર્ય હવે છ વાગ્યે નથી આથમતો,
રોકાય છે રાઈનાં ફૂલો જોવા.
આ ફૂલ એકલદોકલ મહેકતાં નથી,
મહેકવા કરતાં પણ પ્રકાશે છે વધુ.
શતસહસ્ર છોડને
એકસાથે મહેકાવતો આ રંગ
પીળાં પટકૂળની યાદ આપે છે.
સરસવ અને રાઈના છોડને
પાનખર હોતી નથી.
ફૂલ એક સવારે ઝાકળ ઓઢીને
લીલા દાણામાં સમાઈ જાય છે
પછી
નીલ ગગન નીચે હરિત ઝાંય
સૂરજની સામે જુએ છે.
વસંતપંચમી ઊજવે છે
વચ્ચેનો અવકાશ.
સૂરજ વધુ રોકાય છે.
૧૯૯૫

(ફૂટપાથ અને શેઢો, પૃ. ૭૯)