કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૦. નહિ વ્હાલીડા
Jump to navigation
Jump to search
૪૦. નહિ વ્હાલીડા
ડાળનું પાક્યું પાંદડું અમે નહિ વ્હાલીડા!
ઊભરાતા અંધારની ભેળું ઓગળે
એવું ચાંદરડું તે નહિ વ્હાલીડા!
મોસમ આવી ઊતરે,
અમે જાઈં ન ઝરી;
નજર નો મંડાય તો,
રિયે સોડમાં સરી.
વરસતા વરસાદનો વ્હૅળો નહિ વ્હાલીડા!
ભમ્મરિયા વંટોળનો ઘેલો
વગડે વાગી જાય હેલો તે નહિ વ્હાલીડા!
પારકી થાપણ લઈ
ન ગરવ કરીએ જરી,
સાંસની સમાં આયખું
આખું રાખીએ ધરી.
વાળમાંનું વરણાગિયું પીંછું નહિ વ્હાલીડા!
આપણા આ ગોકુળિયે તારા
કાળજાથી કાંઈ હોય બીજું તે નહિ વ્હાલીડા!
(સંકલિત કવિતા, પૃ. ૪૨૭-૪૨૮)