કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૯.છાંયો ગમી ગયો
Jump to navigation
Jump to search
૨૯.છાંયો ગમી ગયો
રાવજી પટેલ
અમને વડ વગરને છાંયે છાંયો ગમી ગયો;
ગમતું જણ વનાનું ગામ છાંયો ગમી ગયો.
અમે તો આસોને ઊતરતે દીવો રાણો કર્યો,
દીવો આંખોમાં ઊતરતો સખીએ સામો ધર્યો.
સખીએ સાથળની સપાટી પર એક દીવો ધર્યો,
સખીએ થરથરતી જ્યોતિથી અમને દગો કર્યો.
સખીએ થરથરતી જ્યોતિથી અમને ચૂંટી ખણી,
મેં તો અમાસની મધરાતે ચૂંટી ભેળી કરી.
લોલે લોલ વધ્યો રે ચસકો ચટકે ઝેર ચડ્યાં,
અમને આસોના દહાડામાં વસમાં ઝેર નડ્યાં.
અમને વડ વગરનો છાંયો અમથો નથી ગમ્યો,
ગમતું જણ વનાનું ગામ અમથું નથી ગમ્યું.
(અંગત, પૃ. ૪૮)