કોડિયાં/પરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરી


આરસનો ઉજમાળો દેહ;
આંખડીએ ઊભરાતો નેહ.
પાંખ મહીં તો મોતી મઢ્યાં,
હું નીચે, કાં ઊચે ચઢ્યાં?
          અનંત વ્યોમે ગાતી પરી!
          મુજ ગૃહથી કાં પાછી ફરી?
વ્યોમબીજ શી તું સુકુમાર,
ઊડતું પંખી વ્યોમ અપાર.
કાળી આંખો કાળા કેશ,
શિરે ધર્યો સાચે શું શેષ?
          ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા,
          મુજ વાડીથી પાછા ફર્યા?
ફૂલ ફૂલનાં તો પગલાં પડે,
અંગોથી ઉછરંગ ઝરે;
સુંદરતાની સુંદર વેલ,
કળી ઝૂલે તું અણવિકસેલ.
          સોણે સૌને આવો, બ્હેન!
          પાછાં ઠેલ્યાં મારાં કહેણ?
બાળપણામાં સાથે રમ્યાં,
એકબીજાને બહુએ ગમ્યાં;
ભાઈબ્હેનનાં બાંધ્યાં હેત,
વીસર્યા એ સૌ સ્નેહ સમેત?
          મનવનમાં સાથે વિચર્યાં;
          મનગમતાં શાં કાવ્યો કર્યાં!
નિશદિન તું સ્વપ્નામાં આવ,
એ દિવસો શું વીસરી સાવ?
વાદળનું વાહન તું કરે,
ગાતીગાતી આવે ઘરે.
          મોટી થઈ બેસાડે અંક!
          કમળપત્રના વીંઝે પંખ!
પાંખ વીંઝતી ઊંચે ચડે,
મુજ સાથે તોફાને ચડે.
ત્યાં આવે અદ્ભુત આવાસ,
લગ્નોત્સવશા હોય ઉજાસ!
          ભવ્ય તુજ આરસના મ્હેલ!
          અંદર કરતાં કેવો ગેલ?
ફૂલધારી તુજ સખીઓ રમે,
ચાંદો ને તારલિયા ભમે;
ફૂલડાંને હીંચે હીંચાવ,
હોજ મહીં હંકારે નાવ!
          અધવચ જાતાં નાવ ડૂબે,
          મુજને લઈ તું અંદર કૂદે!
અંદર આવે છૂપા વાસ,
પુષ્પમાત્રની હોય સુવાસ;
અર્ધમાછલી, અર્ધમાનવી,
દાસી આવે થાળો ધરી.
          અંક ધરી ખવરાવે મને,
          હા-હા! એ તો કેવું ગમે!
જાતજાતના હીરા મળે,
હીરાના તું હાર કરે;
મોતીનો તું મુગટ બનાવ,
શણગારીને ઉપર લાવ.
          ચકીત બની સૌ વાતો કરે!
          તારાઓ તો બળી મરે!
એવાં-એવાં રમણો રમ્યાં:
બાળપણામાં બહુએ ગમ્યાં.
યૌવનમાં કાં ના’વે પરી?
સરી... સરી... ના પાછી ફરી?
          સ્વપ્નાંઓ સૌ જટિલ થયાં,
          પરી તણાં સોણાંઓ ગયાં!
નહિ; પરી તો સ્નેહસખી;
અળગી નવ થાયે એ નકી;
સ્નિગ્ધ રૂપ તુજ વિકસી ગયું,
પૌરુષમાં એ તો પ્રગટ્યું.
          બાળપણની મીઠી પરી!
          યૌવનમાં પૌરુષ પમરી!

7-5-’29