ખારાં ઝરણ/સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું
Jump to navigation
Jump to search
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.
તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું?
હું અરીસામાં મઢાતું બિંબ છું.
કેમ અટકી જાઉં છું કોને ખબર?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.
કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું.
૨૭-૯-૨૦૦૮