ગંધમંજૂષા/ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઘર

પૃથ્વીના આ છેડાથી છેક પેલા છેડા લગ
છવાયેલું છે ઘરનું છાપરું
ક્યાંક છે ઘાસ છાયેલું,
ક્યાંક ઇગ્લુ બર્ફીલું,
ક્યાંક હાંડી ઝુમ્મરથી સજીલું.
અત્રતત્ર સર્વત્ર
છત્ર આ છાપરું.

કોણ કહે છે કે રાજાશાહી હવે નથી રહી ?
ઘેર ઘેર છે મારો રાજ્જા.
ઘેર ઘેર છે રાણી ધમકતી ઘરવાળી
પાંચ વાર સાડીમાં સજીલી,
આંખો થોડી નશીલી,
ધાન ઊપણતી, કાલાં ફોલતી, કણક ગૂંદતી,
રોટલા ઘડતી, ટપ ટપ ટાઇપ કરતી
રંભા એ રસીલી.
ઘેર ઘેર પગમાં ઘૂઘરા ઘમકે છે નંદકુંવરને.

ચડિયાતા લસણનો વઘાર મૂકી રજાને ઊજવે છે રૂખી.
-એમાં જ એ તો સુખી.
રવિવારે લખમણ છોકરાંવને ફેરવી લાવે છે ઝૂમાં.
પહોંચ બહાર પણ આજે ઉડાવે છે જ્યાફત
આઇસક્રીમની.

દિવસે ઘર, પોળ, શેરી, મહોલ્લો, સોસાયટી, હાઈવે,
સબવે
ફૂટે જે ઘરના ઉંબરથી
તે,
રાતે બધા નદ નદીના વહેણ વળે
ભળે ઘરના ગંભીર સમુદ્રમાં.
દિવસનો ગુલામ
બને રાતનો રાજા તરોતાજા.
પથારીમાં રુઝાય છે દિવસના ઉઝરડા
ઊંજાય છે મારો ઘાવ.

ક્યાંક તો જોવાય છે મારી રાહ
ક્યાંક તો સંભળાય છે મારી આહ.
ભફક ભફક ફાનસની વાટમાં,
કે
નાઇટલૅમ્પના તંદ્રાળું અંધકારમાં,
ફટોફટ વસાઈ જાય બારણાં
ને ફટાક અંદર ખૂલે વિશ્વો અનેક.
રંભા સાથે પરિરંભ, વિશ્રંભ,
આરંભ વિશ્વનો.

રાતે મને જે કરે છે નગ્ન તે વરસાદી દિવસે કહે છે :
‘પલળતા નહિ, છત્રી રાખો સાથે
શરદી જેવું છે, વળી માંદા પડશો.’

‘મિજાજ તો તમારા જેવો જ છે' કહી
દીકરી તરફ આંગળી ચીંધી હસી પડે છે તે.
ઊમરાથી આરંભાય છે જે યાત્રા,
ઊમરે અટકે છે તે યાત્રા.
ઊમરા પાર નથી કશું ઉમેરવાનું
ઊમરામાં જ ઉમેરાવાનું.
કંકાવતી કાયાના વહેણ તાણમાં
લાંગરે છે મારું વહાણ.
પૂરના પાણીની જેમ ફરી વળું છું હું
અને તે પડી છે કાંપ જેવી.
રોજ અભિનિષ્ક્રમણે નીકળેલો હું પાછો આવું છું,
રોકાઈ જાઉં છું.
રાહુલ યશોધરાને જોઈને.