ગંધમંજૂષા/મોઢેરાના સૂર્યમંદિરમાં
મોઢેરાના સૂર્યમંદિરમાં
સ્થંભ પછી સ્થંભ
ઘુમ્મટ પછી ઘુમ્મટ
તોરણ પછી તોરણ
રૂપવાન કાયાના વિરૂપ આકારો
લુપ્ત રૂપની વિષાદરેખાઓ
માગશરની ઠંડી હવામાં
આસનસ્થ બધા જ દેવો
સૂર્યકુંડના જળમાં ખંખોળિયું ખાઈને
ગોઠવાઈ જાય સહુસહુના ગોખમાં
સહુસહુના વિવર્ણ આકારો ઓઢીને.
શાંતિના ઉદ્ગાર સમો સૂર્યકુંડ
ને
સૂર્યકુંડના જળની છાલકે છાલકે
ઊખળે મારી આંખનાં પડળ
અને
ભજવાઈ રહે અનેકાનેક પ્રાક્તન કથાઓ
મત્સ્યાવતારનો નિબિડ જળસ્પર્શ
નૃસિંહાવતારનો અગ્નિસ્થંભ
સમુદ્રોત્થીતા પગ તળાંસે છે મારા
યક્ષ કિન્નરો ગંધર્વો વિદ્યાધરોના ગાનથી
મંજુલ છે બધું.
રતિપ્રિયા પીનસ્તના સંગે
નિકુંજમાં કેલિ
અરણ્ય પ્રાંતરમાં મૃગયા
કમળ તળાવડીના પદ્મપત્ર પર
આંસુઓ સારવે છે કોઈ
આખીય રાત
આકાશમાં નક્ષત્રોનું આદિગાન
બારબાર આદિત્યો પ્રહરી
ને
સૂર્યની ગતિ
મેષ વૃશ્ચિક ને મીનમાં
માત્ર પગલાં પડે
તેટલી મોઢેરાની ધૂળમાંથી
ઊભી થાય
રૂપાવતી સોનાવતી
કે
ત્રાંબાવતી નગરીઓ
ધૂળ ઉડાડતા અસવારો
કીનખાબી અસબાબ
ભીનીભીની પાનીઓ
કરુણમુખ
ઘેઘૂર લીમડા, ઘેઘૂર આંખો
ઝૂકી રહેતા ગવાક્ષો, ઝળુંબી રહેતી હવેલીઓ
હાથમાં હાથ ગૂંથેલી શેરીઓ
શ્વાસમાં શ્વાસ ગૂંથેલાં ઘરો
પ્રહર પ્રહરના માનવીય અવાજો.
રૂમઝૂમ રૂમઝૂમ
વાવના જળમાં ઊતરે કોઈ
ને
ખૂંપી જાય અનેક નૂપુરઝંકારો
વાવના અંધ જળમાં
ઓચિંતું ફડફડાટ કરતું કબૂતરોનું ટોળું
વાવમાંથી ઊડે પ્રકાશના ચોકઠા ભણી
ગરોળી સરકી જાય
જર્જરિત ઈંટની તિરાડમાં
ઝપ્ કરતોક કાચબો સરી જાય
જળના તળિયે
- તેની પીઠ પર એક યુગનો ભાર લઈને.
રહે કેવળ
યુગયુગ જૂનો અંધકાર
લીલખાયેલ વાવની દીવાલ પર કાળલેખ.
સાત સાત વાર વસેલું મોઢેરા
સાત સાત વાર દટાય
દટાય બધા માનવીય સંદર્ભો
કોમળ પાનીઓ
ઘૂઘવતા અસવારો
ઘેઘૂર લીમડા, ઘેઘૂર આંખ
બધું થઈ જાય
ઈંટોના નકશા
થંભી જાય બધા રણકારો ઝણકારો
પ્રહર પ્રહરના માનવીય અવાજો અચાનક.
ને રહે
સૂર્યમંદિરની ભૂખરી ફરશ પર
હગારને ખોતરવાનો કિચૂડાટ.
રહે ખંડિત શિલ્પો.
હશે કોઈ કાળે રૂપમંડિત
હવે માનવનું ગૌરવ ખંડિત.
સૂર્ય !
તારી વેદિ-પૃથ્વીની આ દુર્દશા
સૂર્ય !
લક્ષલક્ષ અગ્નિજિહ્વાથી
આસ્વાદ અમારા રક્તમાંસ મજ્જાને
બાળી નાખ અમને
જેમ બાળ્યું છે અમે આ બધું.
ભીમદેવ !
તું ભલે પ્રાતઃકાલીન સૂર્યપૂજા પછી
અન્નજળપ્રાશન કરતો હોય
પણ ભવિષ્યની ભૂગર્ભ પેઢીઓ
સૂર્યને જોશે છળી મ૨શે
કોઈ અનિષ્ટની જેમ.
ગાઇડને આપેલ સિગારેટને
ધુમાડે ધુમાડે ધૂસર થતો જાય છે ઇતિહાસ.
હે સૂર્ય !
હે ખંડિત શિલ્પો
હે મોઢેરા !
અમે તો પર્યટકો
અમે કશું જ ન લઈ જઈ શકીએ
અમે લઈ જઈ શકીએ
માત્ર
ખંડિત શિલ્પોની વેદના
જે છે
છેક અમારી કરોડ સુધી ઊંડી અખંડિત
- ખંડિત શિલ્પોની વેદના