ગુજરાતનો જય/૨૮. બાળકો જેવાં!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. બાળકો જેવાં!

દાનેશ્વરી અનોપ, વામનસ્થલી બેઠેલા સ્વામીનાં મનોમંથનોની દુનિયામાં ભૂલી પડેલી આજ ઘણા વખતે, ધોળકાને ઘરઆંગણે ઊભીઊભી ભૂખ્યાં દુખ્યાં અભ્યાગતોને સ્વહસ્તે ભોજન જમાડી રહી હતી ને વસ્ત્રો વહોરાવતી હતી. 'તું કોણ છે? તું લાયક છે કે નહીં?' એવો પ્રશ્ન કોઈને પૂછતી નહોતી; તું જૈન છે, શૈવ છે કે યવન છે, એવીય જિજ્ઞાસા દાખવતી નહોતી. એ તો બસ દેતી જ હતી. સ્વહસ્તે દેવા સિવાય કંઈ સમજતી નહોતી. એ જે હાથે દેતી હતી તે જ હાથના કંકણ પર કોતરેલું આ કાવ્ય હૃદયમાં રમાડતી હતી. સૌ અભ્યાગતોને જમાડ્યા પહેલાં, સર્વ સાધુસંતોને વહોરાવ્યા પહેલાં, એકાદ અતિથિ પણ બાકી હોય તે પહેલાં પોતે ભોજન લેતી નહીં. દેતાંદેતાં બપોર થઈ જતા છતાં પોતે ભૂખી સુકાતી હતી. એક દિવસ ભોજન પીરસતાંપીરસતાં પંગતમાં એક છેલ્લા ચડી આવેલા યુવાનના મોં પર એની મીટ ઠરી ગઈ. એને ભોજન જમાડી લીધા પછી પોતાની પાસે બોલાવ્યો, પૂછ્યું: “કોણ છો, ભાઈ?” “સૂત્રધાર (સલાટ) છું.” “ક્યાં જાઓ છો?” "શત્રુંજય પર પ્રભુ-બિમ્બ ઘડવા જાઉં છું.” 'પ્રભુ-બિમ્બ' શબ્દ કાને પડતાં જ અનોપની યાદદાસ્તનાં અંધારા ઉલેચાઈ ગયાં. એણે યુવાનની આંખો નિહાળી નિહાળીને પૂછ્યું: “કેટલાં વર્ષની વય છે તમારી?” એણે જે વર્ષો બતાવ્યાં તે અનોપે મનમાં મનમાં ગણી જોયાં. તાળો મળી ગયો. બરાબર લુણિગના મૃત્યુને થયેલાં તેટલાં જ વર્ષ! આંગણે જાણે એ જ આવી ચડ્યો! એ જ શિલ્પીનો નવાવતારીઃ ચહેરોમોરો એ જ: એ જ – એ જ અણસાર. “આબુજી ઉપર એક પ્રભુ-બિમ્બ મુકાવવું હોય તો કેટલો ખર્ચ પડે? પાછા ક્યારે વળવાના છો? આંહીં થઈને જજો.” એવા એવા અનેક પ્રશ્નો પૂછીને અનોપે એને વિદાય દીધી. ત્યાં તો જેઠ આવી લાગ્યા. ઠપકો સંભળાવ્યો: “સાંજ થવા આવી તોયે જમ્યાં નથી! આમ તે કેમ ચાલે? અનોપે નીચે જોઈને કહ્યું: “ભૂલી ગયા મંડલિકપુરનો એક પ્રસંગ?” "કયો પ્રસંગ?” “આપણે સૌ ખાઈને ઊઠી ગયેલાં. પછી ત્રણ અભ્યાગતો આવી ઊભા રહ્યા. આપણા રસોડામાં એક કણ પણ વધેલો નહીં. આપણે જવાબ ન દઈ શક્યાં. બા બાને ઠેકાણે, તમે બેઉ તમારી જગ્યાએ, ને અમે અમારે સ્થાને થીજી ગયાં. શરમથી ધરતીમાં સમાઈ જવા મન થયું. ઘરમાં કશું એઠું જૂઠું પણ દેવાનું રહ્યું નથી એમ કહીયે ન શકાયું. ભૂખ્યા અભ્યાગતો નિ:શ્વાસ નાખી બહાર નીકળી ગયા ને આપણી આંખોમાં દડદડ પાણી પડ્યાં. આજ ક્યાંઈક એ રીતે લુણિગભાઈનો આત્મા નવા અવતારે આવી ચડે ને ઘરમાં કશું દેવા ન હોય તો આપણી શી ગતિ?” સાંભળીને મંત્રી મનમાં મનમાં આ ગૃહિણીને નમી રહ્યો. એણે કુમાશ ધરીને સવિનય પૂછ્યું: “એ કોણ હતો? શું કામ કરે છે?” “નામ શોભનદેવ. પ્રભુપ્રતિમાઓનો શિલ્પી છે, બરાબર એ જ મોં.” વસ્તુપાલને એ દિવસો યાદ આવ્યા. જ્યારે પોતે 'વસ્તિગ' હતો ને શિલ્પઘેલા પ્રભુભક્ત મોટાભાઈ લુણિગને વચન દઈ વળાવ્યો હતો. અનુપમા તો તે દિવસ અજાણી યાત્રિકા હતી. તોપણ આવો કુટુંબ-ભાવ! મંત્રી મનમાં ને મનમાં આ ગૃહદેવીને પૂજતો ઊભો. એણે પૂછ્યું: “ક્યાં ગયો એ? હું શોધાવી લાવું છું.” એમ કહી એણે માણસો દોડાવ્યાં, પણ શોભનદેવ સલાટનો પત્તો લાગ્યો નહીં. ભાઈ સ્વપ્નમાં દેખાયો? કે પ્રેતલોકથી આવી ઝબકી ગયો? આપેલું વચન યાદ કરાવવા આવ્યો હશે? અનોપે તે દિવસ ધંધુકાના નાણાવટીને ચોપડે બાએ મુકાવેલી રકમની તપાસ કરાવી. નાણાવટી હિસાબ લઈ હાજર થયો. વ્યાજ સુધ્ધાં રકમ બહુ મોટે આંકડે પહોંચી ગઈ હતી. એ બધા દ્રવ્યનો અનોપે મંત્રીના હસ્તે સ્ફોટ કરાવીને આબુ પર લુણિગભાઈના સ્મારકની વાત વિચારી. શોભનદેવ સલાટની વાટ જોતી જોતી એ બેઠી. રોજ પડતી ભોજન-પંગતમાં સ્વહસ્તે પીરસવા નીકળવું એણે તે દિવસથી કદાપિ છોડ્યું નહીં. "દેવી!” મંત્રીએ અણવાણે પગે અનોપની પાસે દોટ કાઢતા આવીને ખબર આપ્યા: “વામનસ્થલીમાં તો તારા પતિએ અપૂર્વ ભ્રાતૃધર્મ અને સેવકધર્મ બજાવ્યો, જેતલબાએ રાજ્ઞી ધર્મની અવધિ કરી, ને રાણાએ રંગ રાખ્યો.” સવિસ્તર વૃત્તાંત કહ્યો. અનોપે સ્વસ્થ રહીને સર્વ સાંભળ્યું. એની છાતીમાં સંધ્યાકાળના સમીરણે કમ્પતા સરોવર સમી ધડક ઊપડી, પણ એ બોલી ન શકી. “અનુપમાદેવી” જેઠે બીતેબીતે પૂછુયું, “હવે તો સંઘમાં અગ્રેસરી બનશોને? ધોળકું, પાટણ અને સ્તંભનપુર ઘેલાં બન્યાં છે. રાણો-રાણકી રૈવતાચળ પાસે આપણી રાહ જુએ છે.” અનુપમાને મોંએ સ્મિત ફરકીને વિરમી ગયું. “બોલો. કેમ નથી બોલતાં?” મંત્રીએ વધુ વિનયથી પૂછયું. “શું બોલું? વારે વારે આડી જીભ વાઈશ તો રોષે ભરાશો, પણ...” "પણ શું?” "લુણિગભાઈની છેલ્લી વાંછનાઃ આબુજી પર પ્રભુ-બિમ્બ પધરાવ્યા પહેલાં સૌરાષ્ટ્રનો સંઘ કયા ઉમંગે?” ફરી વાર વસ્તુપાલ છોભીલો પડ્યો ને એણે કહ્યું: “તમારી વાત ખરી છે. હજારો સાધુ-સાધ્વીઓ ને શ્રાવકો છો ઊછળતાં. હું પહેલી વ્યવસ્થા આબુની કરાવું છું.” “શોભનદેવની ભાળ જડે તો કેવું સારું! એને જ હસ્તે પ્રતિમા ઘડાવીએ. એ શત્રુંજય તરફ ગયા છે.” "હું માણસો દોડાવું છું.” તેટલામાં તો પાટણથી લવણપ્રસાદ આવી પહોંચ્યા. મંત્રીએ ધોળકામાં એનો વિજયપ્રવેશ કરાવ્યો, ધોળકાનો ઉત્સવ ગગનને ગજાવી ઊઠ્યો. ઉત્સવમાંથી એકલા પડેલા લવણપ્રસાદે વસ્તુપાલને પોતાની પાસે બેસારી, પોતાનો વૃદ્ધ હાથ એના ખભા પર મૂક્યો. એ હાથમાં વિલક્ષણ ધ્રુજારી હતી. એ કાંઈક કહેવા જતો હતો પણ કહી ન શક્યો. "બાપુ!” મંત્રીએ કહ્યું, “મૂંઝાઓ છો? શી વેદના ભરી છે હૈયે?” "છોકરા!” રાણાએ મહાપ્રયત્ને કહ્યું, “અઢારેક વર્ષ પૂર્વેનું એક પ્રભાત યાદ આવે છે? મેં તમને ત્રણ ભાઈઓને – પાટણ ભણવા જતાને – મહેણાં મારેલાં. આજ છાનોમાનો એની ક્ષમા યાચુ છું.” કહેતે કહેતે એણે વસ્તુપાલનો ખભો વધુ જોરથી દબાવ્યો, “ને તને તારી બાએ કહ્યું હશે કે નહીં, પણ મેં, તારા બાપુના એક સ્નેહી તરીકે, તારી માને ને બહેનોને થીગડાં દીધેલ વસ્ત્રે મંડલિકપુરની ભાગોળે તે દિવસ દીઠાં તોય હું ચાલ્યો ગયેલો. પણ બેટા! હું તે દિવસે આગલી રાતનો અસ્વસ્થ હતો.” “મારી બાને ને બાપુને આપ ઓળખતા?” "એ વાત લાંબી છે. તમને તો કોણે કહી હોય? કહું?” “આજ નહીં, બાપુ, અમે સૌ સપરિવાર ભેળા બેસીને સાંભળીએ તે દિવસ કહેજો.” “તારી મા... વસ્તુપાલ! તારી માતા સુંદર હતી.” “બાપુ! ફરી એક વાર કહો. એ કેવી સુંદર હતી?” વસ્તુપાલે આંખો મીંચી દીધી. એ ધ્યાનમગ્ન બન્યો. લવણપ્રસાદની વાણીને એ પીવા લાગ્યો. “એવી સુંદર હતી! - કેમ કહીને વર્ણવું? મને લડવૈયાને એવું શીલવંતું રૂપ વર્ણવતાં ન આવડે. એ સુંદર હતી – પેટ અવતાર લેવા જેવી સુંદર. અમે ક્ષત્રિયો સ્ત્રીની સુંદરતાને એ એક જ રીતે વર્ણવી શકીએ.” જીવનમાં વસ્તુપાલ એક વાર રડ્યો હતો – લુણિગના અંત સમયે. આંસુ એને આવતાં નહીં. પણ માને સુંદર સાંભળી એની આંખોની પાંપણો પટ પટ થઈ રહી. લવણપ્રસાદ પોતાના લલાટ પર હાથ ચોળીને કાંઈક યાદ કરતા કરતા આગળ બોલ્યાઃ “એને મેં દીઠી'તી સૌ પહેલી માલાસણમાં વિધવાને વેશેઃ સાંભળેલું કે એને તમારા સાધુઓ મૂંડવાના હતા...” "બસ, બાપુ!” વસ્તુપાલની પાંપણો નીતરતી હતી. એમણે લવણપ્રસાદના મોં આડે હાથ દીધો. “છોકરા!” લવણપ્રસાદે કહ્યું, “કોઈને કહે નહીં તો એક વાત કહું.” “પવનને ય નહીં કહું બાપુ.” મંત્રીએ નેત્રો લૂછીને કૌતુકભેર કહ્યું. “મારા વીરધવલની મા આજે હોત તો તમારાં સૌનાં મીઠડાં લેત.” “બાપુ, તમારે ભલે એ મૂએલાં રહ્યાં. અમારે તો એ મા ઠેકાણે જીવતાં છે.” "કોણ કહે છે? બેવકૂફ! તું શું જાણે? ક્યાં છે?” “ચમકો મા, બાપુ! અહીં સોમેશ્વરદેવની પાસે સિદ્ધેશ્વરમાં જ છે.” "જૂઠાડા! કહું છું કે એ મરી ગઈ છે.” લવણપ્રસાદે ડોળા ફાડ્યા. “જીવતી સ્ત્રી બીજી સર્વ વાતે મરી જાય, બાપુ, પણ મા લેખે અમર છે. એના પુત્રની વીરતા મેં સૌ પહેલી એને કાને સંભળાવી છે, બાપુ. પણ હવે કદાચ એ નહીં આવે. એના જીવનની સિદ્ધિ પૂરી થઈ. એ અત્યારે જ સિદ્ધેશ્વરમાં અંતકાળ છે.” લવણપ્રસાદ બીજી બાજુ જોઈ ગયો. વસ્તુપાલે એના મર્મસ્થલ પર વધુ ઘા કર્યો: “વાર નથી, બાપુ. આજ રાતે તો કદાચ એના શબને અમારાં કાંધ સ્મશાને ઊંચકી જશે.” "એના દીકરાને − ” "એ જોવા નહીં પામે. મળવા તો એણે કદી ઇચ્છ્યું જ નથી. જોવો હતો એક વાર, પણ હૈયું ભેદાઈ ગયું છે – હર્ષાવેશથી.” “હં-હં” લવણપ્રસાદે હોઠ કરડી લીધા. “હેં બાપુ,” વસ્તુપાલે કહ્યું “એક પ્રાર્થના કરું?” "મારી નાખીશ, જો કંઈ માગ્યું છે તો.” રાણો સમજી ગયો. એ રુદ્ર સ્વરૂપ બન્યો, “મને જીભ કરડીને મૂએલો જોવો છે?” “તો રહેવા દો, બાપુ! નહીં માગું.” “સંઘ ક્યારે લઈ જાય છે તું?” “ઉતાવળ શી છે? પ્રથમ મારે આબુની માનતા છે તે પતાવવી છે.” "તો વીરધવલને પાછો બોલાવવો છેને?” "તેડાવવા સાંઢણી રવાના કરી દીધી છે.” “તો ઠીક, ત્યાં સુધી હું આંહીં છું.” “એક શરતે. મદનબાને આંહીં કંઈ અવળું થાય તો આપે છૂપું સ્નાન તો કરવું જ પડશે.” “નહીં તો?” “નહીં તો કોઈક બીજે ગામ જઈને બેસો.” મંત્રી કડક બન્યો, “આવી વટ! કંઈ સ્નાનસૂતક પણ ન પહોંચે, હેં બાપુ?” “તું મને વધુ ના બોલાવ, નીકર જીભ ખેંચી નાખીશ. તારું કાળું કર, જા, હું આંહીં જ છું, ને માથે લોટો રેડવા કબૂલ થાઉં છું.” એમ કહીને લવણપ્રસાદ ઊઠી ગયો. એણે અંદરના ખંડમાં જઈ દ્વાર બંધ કરી વાળ્યાં. થોડી વારે અંદરથી કોઈક પ્રાર્થનાસ્વરો સંભળાવા લાગ્યા. તે જ રાત્રિએ મંત્રી, સોમેશ્વરદેવ, દેવરાજ પટ્ટકિલ અને ચોથા એક જણને ખભે ચડીને મેહતા ગામની એક ખેડૂત-સ્ત્રીનું શબ સ્મશાને જઈ બળી ખાખ થયું. રાતને ત્રીજે પ્રહરે લવણપ્રસાદ એકલો મલાવમાં જઈ નહાઈ આવ્યો તેની, એકાદબે જણ સિવાય, કોઈને ખબર ન પડી. લોકોએ વળતા દિવસે વાતો કરી કે, મલાવમાંથી મોડી રાતે કોઈક કારમા કંઠના રુદનધ્વનિ ઊઠતા હતા. માનવીના જેવું નહીં પણ ભૂતના જેવું ભેંકાર એ રુદન હતું.

પ્રભાતે પાટણના અગ્રેસર પટ્ટણીઓ વધાઈ લઈને આવ્યા. સ્તંભનપુર ઊમટ્યું. પરગણાંના પટ્ટકિલો લોકટોળાં લઈને આવ્યા. ગુર્જર દેશ ધોળકામાં ઠલવાયો. રાણા વીરધવલ અને તેજપાલ પણ હાજર થયા. રાણા વીરધવલનો ને મંત્રીઓનો પાટનગર પાટણમાં વિજ્યપ્રવેશ કરાવવાની જીદ પટ્ટણીઓ તરફથી મચી ગઈ. "ને હવે તો કાં મહામંડળેશ્વરે ને કાં રાણા વીરધવલે પાટણમાં આવી રાજાધિરાજપદનો અભિષેક સ્વીકારવો જ જોઈએ.” એવી રઢ લઈને પટ્ટણી રાજપુરુષો પણ બેઠા. વધુ કારણ એ હતું કે વર્ષો થયાં મહારાજ ભીમદેવને રૂંવે રૂંવે રોગો ફૂટ્યા હતા. પક્ષઘાતે એને જીવતે મૂઆ કરી નાખ્યા હતા. પાટણ હવે રાજાધિરાજ વગર કેમ જ રહી શકે? બેઉ મંત્રીઓ સાથે પ્રજાજનોને લાંબી મસલતો થઈ. વસ્તુપાલ પણ ધીરે ધીરે એ વિચાર તરફ ઢળતો થયો. રાણા લવણપ્રસાદ પાસે એ વાત ભરદરબારમાં મુકાઈ. “એનો જવાબ તો આ રહ્યો.” એમ કહીને લવણપ્રસાદે પોતાની પાસે સાચવી રાખેલું એક ત્રણેક વર્ષ પૂર્વેનું નાનું બચકું કાઢ્યું. એ ખોલીને એણે પ્રજા તેમ જ મંત્રીઓ સમક્ષ મૂકી દીધું. બચકામાં બે ચીજો હતી. એક ચૂંદડિયાળી ભાતની સાડી અને એક કાજળની ડાબલી. દેખીને સૌ વિચારગ્રસ્ત બન્યા. મંત્રીઓને પણ ગમ ન પડી કે રાણાજી કઈ સમસ્યાનો ઉકેલ માગી રહ્યા છે. “આ બે વાનાં,” લવણપ્રસાદે સ્ફોટ કર્યો, “પહેરીને પાટણના મહારાજે ગોધ્રપુરના ઘુઘૂલરાજના રાણીવાસમાં સ્થાન સ્વીકારવું એવું નોતરું ત્રણ વર્ષથી મારી પાસે પડ્યું છે. હવે જો મંત્રીઓ ને પટ્ટણીઓ ફરમાવતા હોય તો હું અભિષેક સ્વીકારીને પછી આ શણગાર ધારણ કરું.” એમ બોલતો બોલતો એ બુઢો ખડખડાટ હસવા લાગ્યો. ચૂપ રહેલા પ્રજાજનોને ને મંત્રીઓને એણે ફરી ચીમકી લીધી: “કયો એવો દિગ્વિજય કરી લીધો છે મેં મારે છોકરે કે આ મંત્રીઓએ, કે તમે મને તિલક કરવા હરખપદુડા બન્યા છો? હજી તો ગુર્જર દેશના મંડળેશ્વરો જ નિરંકુશ ડણકે છે. ભોંઠામણ નથી આવતું તમને? अजित्वा सार्णवामुर्वीमनिष्ट्वा विविधैर्मख्वै । अदत्वा चार्थमथींभ्यो भवेयं पार्थिवः कथम् ॥ સાગર સુધીની ધરતીને જીત્યા વગર, જૂજવા અસુરોના સંતાપનો અંત આણ્યા વગર, અને ભીડ ભોગવતા પ્રજાજનોની ભીડ ભાંગ્યા વગર હું કેમ કરીને રાજતિલક કરાવું?” એમ કહીને એ નીચે જોઈ ગયો. વસ્તુપાલ ઊઠ્યો ને બોલ્યો: “આ સાડી અને આ કાજળની ડબીનો શણગાર ગોધ્રપુરના મંડળેશ્વર ઘુઘૂલરાજને પહેરાવવાનું બીડું કોણ ઝડપે છે?” જવાબ મળતાં થોડોક વિલંબ થયો. આ વિલંબમાં ગોધ્રપુરના ઘુઘૂલરાજની ભીષણતા અંકિત થઈ ગઈ. કંઈકને કલેજે છાનાં સ્વેદ વળી ગયાં. "ભાઈ, એ બીડું આંહીં લાવો,” એમ કહીને તેજપાલે હાથ લંબાવ્યો. લવણપ્રસાદે ઊઠીને તેજપાલની છાતી પર પંજો થાબડ્યો. એ છાતી નગારા જેવો ઘોષ કરી રહી. પાનબીડું તેજપાલના મોંને રાતા રંગે રંગી રહ્યું.