ગુજરાતનો જય/૭. મહિયરની લાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. મહિયરની લાજ

આબુરાજની આસપાસનાં ગામોના અને એ ગામોને છોડી ચંદ્રાવતીને ફક્ત બસો જ વર્ષો પર વસાવવા આવેલા આ શ્રેષ્ઠીઓનાં ને ગોષ્ઠિકો (મંદિરોના કાર્યકર્તાઓ)નાં નામો બરછટ હતાં. એ નામોમાં પહાડની ખડતલ પ્રકૃતિનો પડઘો હતો. એ નામોને ધારણ કરનારા વણિકોના શરીર-બાંધા પણ ગુજરાતથી જુદી જ જાતનો મરોડ દાખવતા હતા. પઢિયારો, પરમારો અને મહેરોના નિત્યસંગાથીઓ આ પોરવાડો ને ઓસવાળો પોચટ કે પોપલા નહોતા. પાટણના પ્રધાન વિમલશાહે આ નગરી વસાવી અને સત્તર મ્લેચ્છોનાં છત્ર તોડ્યાં, તે વિમલશાની દંડનાયકીનું રગેરગ પાન કરીને આ મહાજન માલવદેશ, નડૂલ અને સામે જ પડેલા મેવાડનો મદ ઉતારવા માટે જાણીતું હતું. ચંદ્રાવતીને ચંદ્રનો ટુકડો બનાવનારા આ વૈશ્યો હતા. તેઓ બોલતા હતા તે મીઠી પુરાણી અપભ્રંશ વાણી હતી. તેમનાં શરીરો પણ આરસનાં જાણે ચોસલાં હતાં. ચંદ્રાવતીની પુત્રીના મસ્તક પર વૃદ્ધોએ હાથ મૂક્યા, પ્રૌઢોએ સન્માન કર્યું, યુવાનોએ હાથ જોડીને વંદન કર્યું. અનુપમા ઓઢણું સંકોડીને નીચે બેઠી. ધરણિગ શેઠે સૌને કહ્યું: “આપણી અનોપ આપણને તેડવા આવી છે.” "ના, વડીલો,” અનુપમાએ સ્વસ્થ અને સબૂરીભર્યા સ્વરે સંભળાવ્યું. "જેઠજીએ તો મને મોકલી છે તમને તેડવા, પણ હું તો આવી છું તમને ચંદ્રાવતીનો ત્યાગ ન કરવાનું વિનવવા.” મહાજનોનાં મોં ચકિત બનીને ઊંચાં થયાં. “વડીલો, પાટણ ભાંગીને ચંદ્રાવતી પસ્તાયું. હવે ચંદ્રાવતી ભાંગીને પાટણધોળકા સમૃદ્ધિવાન ન બની શકે.” “પણ – પણ – બહેન –” અનોપના ત્રણ ભાઈઓમાંથી એકે બોલવા યત્ન કર્યો. તેને હળવેથી તોડતી અનુપમા બોલી: “મારા ભાઈઓને મારો પહેલો ઠપકો છે. તેમણે જ તમને સૌને અવળી મતિ બતાવી છે. ચંદ્રાવતી ભાંગે એટલે ગુર્જર દેશ ભુક્કો થાય; શત્રુઓ આબુના ધણી બને; પછી બીજે જ દિવસે ગુર્જર દેશને દેવપટ્ટણ સુધી ખૂંદી નાખે.” “પણ અમારો કાંઈ વાંક છે?” “વાંક! –” અનુપમાની ડોક ઉન્નત બની, “વાંક તો ખરો જ. આ નગરીનાં તોરણ એક વણિકે બાંધ્યાં, એ વાંક જ ને! એ વણિક વિમલશાએ તેરેતેર મ્લેચ્છ આક્રમણકારોનાં આંહીં છત્ર ભાંગ્યાં, એ વાંક તો ખરો જ ને! ઓતરાદી સરહદનું દિક્પાલપદ પોણાબસો વર્ષથી વણિકે સ્વીકાર્યું, એ વાંક કહો તો વાંક, ને ગૌરવ કહો તો ગૌરવ!” “અમે ક્યાં સુધી ચૂંથાઈએ?” “દુશ્મનો આ દિશાના સીમાડા પર દ્રષ્ટિ કરતાં કંપી ન ઊઠે ત્યાં સુધી. તમે શું એમ સમજો છો, શ્રેષ્ઠીઓ, કે પાટણ-ધોળકા મોજ માણે છે? સ્તંભતીર્થમાં બેઠેલા મારા જેઠજી કવિઓને બોલાવી સુભાષિતો રચે છે તેવું સાંભળીને સૌની દાઢ ગળી લાગે છે! ભ્રમણામાં ન રહેતા. હું વધુ કહી સમજાવી શકીશ નહીં. પણ ચંદ્રાવતીનો આપણી સલામતીની આશાએ ત્યાગ કરવો એ તો સૌથી મોટો ભૂમિદ્રોહ છે. તમે ભાગશો, સો-બસો કુટુંબો ગુર્જર દેશને શરણે સમાશો, પણ આ લાખો ગરીબોનું શું થશે?” “પણ અમને તો મહામંડલેશ્વરે પણ રજા આપી છે.” "કારણ કે તમે એમને મેણું દીધું છે કે પોતે ઊંચે ઊંચે અચલગઢમાં મહાલે છે ને ચંદ્રાવતી તો નીચે સપાટ મેદાનોમાં સબડે છે. તો હું તમને કહું છું, વડીલો, કે મહામંડલેશ્વર ધાર પરમારને તમે અન્યાય કર્યો છે. અચલગઢનાં શૃંગો ઉપર ઊભીને એ ચંદ્રાવતીની જ ચોકી કરે છે. એનેય આરસમાં આળોટવું મીઠું લાગે છે. ને એ ધારે તો ચપટીવારમાં ચંદ્રાવતીના વૈભવોનો અમરપટો મેળવી શકે છે.” "કઈ રીતે?” એક યુવાને પ્રશ્ન કર્યો. “એ પણ મારે સમજાવવું પડશે? નાને મોંએ મોટી વાત કરતાં હું ક્ષોભ પામું છું, મહાજનો! પણ મહામંડલેશ્વરને વેચાતા લેવા આજે મેવાડથી દિલ્હી સુધી કોણ તૈયાર નથી? મહામંડલેશ્વર મટાડીને એને મહારાજપદ આપવા કોણ ના કહે છે? તમે ચંદ્રાવતી છોડી ધોળકે આવી શકો છો, તેમ એ પણ માલવદેશ કે દિલ્હીને આશરે ક્યાં નથી જઈ શકતા?” મહાજને આ વાત સાંભળતાં જ ભયનો એક આંચકો અનુભવ્યો. તેમનાં ચક્ષુઓ વિચારમાં ઊંડાં ગયાં. તેમને આ મુદ્દો જાણે કે પહેલી જ વાર સૂઝ્યો. અનુપમાએ આ આર્દ્ર બનેલાં હૃદયો પર વધુ ચોટ લગાવી –  “મહામંડલેશ્વર ધારાવર્ષદેવની બે પેઢી પચ્છમ ભારતવર્ષની પહેરેગીરી કરતી ખપી ગઈ. બાપુ યશોધવલે ગુર્જરીના દ્વેષી માલવરાજ બલ્લાલને આ જ મેદાનો પર માર્યો. મહારાજ કુમારપાલે કોંકણ દેશ પર ચડાઈ કરી ત્યારે પણ એની સાથે ચડીને મલ્લિકાર્જુનને આજના ધારાવર્ષદેવે હણ્યો. કાળનોયે કાળ સુરત્રાણ શાહબુદ્દીન આંહીંથી મહામંડલેશ્વરની સમશેરે જ ઘાયલ થઈને ગુર્જર દેશનાં દેરાં ભસ્મીભૂત કરવાનું સ્વપ્ન પાછું લઈ પોબારા ગણી ગયો; અને કુતબુદ્દીન એબકનાં અપાર ધાડાંને આંહીં રોકી પાડવા આપણા જ મહામંડલેશ્વર આડા ઊભા હતા. પણ એકલે હાથે એની કારી ફાવી નહીં. મહારાજ ભીમદેવે મોં સંતાડ્યું, પટ્ટણી યોદ્ધા તલવારપટા મૂકીને ભાગી ગયા, બાપુ ધારાવર્ષનાં વહાલાં સગાં અને સૈનિકો ફૂલધારે ઊતર્યાં, ચંદ્રાવતીની કાયા પડી તે પછી જ યવનોના પગને આગળ વધવાનો મારગ મળ્યો. આજ એ નામોશીને પોતાનાં આંસુઓથી ધોતાં એંશી વર્ષના વૃદ્ધને મેં અચળગઢની કેડીએ દીઠા, પહોડોની કરાડોમાં એ પોતાના કુંવર સોમ પરમારને ધનુર્વિદ્યા શીખવતા હતા, આંગળી ચીંધીચીંધીને ચતુર્દિશાના મર્મસ્થાનો બતાવતા હતા. ડોસા હાંફતા હાંફતા ડુંગરે દોડતા હતા ને ઠોકર વાગતાં ગડથોલાં ખાતા હતા.” પોતાના રાજાનું આવું વર્ણન શ્રેષ્ઠીઓની પાંપણો પલાળનારું બન્યું એટલે અનુપમાએ છેલ્લી વાત કહીને પોતાનું કામ પૂરું કર્યું: “અમારી ઘોડવે'લ અને તેના ઉપર ફરકતો કકુટધ્વજ એમણે ઊંચે ઊંચેથી દીઠો. એક જ પલમાં તો બાપદીકરો અદૃશ્ય બન્યા અને ચંદ્રાવતીને સીમાડે જોઉં છું તો બેઉ પહાડ ઊતરીને ઘોડે ચડેલા ઊભેલા. મને ઓળખી લીધી – પંદરેક વર્ષ પર દીઠી હશે. મને દેખીને ડોસા ખસિયાણાં પડ્યા. કુશલ-સમાચાર પૂછીને પછી ઘણો વિચાર કરી માંડ માંડ એટલું જ બોલી શક્યા – શ્રેષ્ઠીઓને ધોળકે તેડી જવા આવી છોને, બહેન ભલે ભલે, એ મારા અટંકી સાથીઓનો હવે કંઈ વાંક નથી. બહુ માર ખાધો. હું ન રક્ષી શક્યો. ને હવે આ મારા સોમના શા ભરોસા! મેવાડ જેવાં મહામંડલ ખડી ગયાં, તો મારાં પેટ કેટલીક ટક્કર ઝીલશે! ભલે બહેન, તેડી જાજે – મારે રાંકને ઘેર ચંદ્રાવતી જેવું રત્ન ન સચવાય! શૂરા શ્રેષ્ઠીઓએ બહુ વેઠ્યું – બહુ ભોગવ્યું. તેડી જાજે.” આ વર્ણન કરતી કરતી અનુપમા અટકી ગઈ. એને ગળે ડૂમો વળી ગયો. એ નીચે જોઈ ગઈ. અને પછી છેલ્લું મર્મબાણ છોડ્યું: “તે છતાં જેઠજીએ તો કહ્યું છે કે ભલે આવતા બિચારા! બિચારા બનીને આવવું હોય તો ધોળકું તમારે માટે તૈયાર છે. મારા પિયરને રાંકડું શરણાગત બનાવીને હું લઈ જઈશ. પણ બિચારા તે સદા બિચારા જ રહેશે અને ધોળકાનાં લોક એ બિચારાની દયા ખાશે! બિચારાનું સ્થાન સદા બિચારું જ રહેશે. મારું પિયર – મારું ચંદ્રાવતી ત્યાં બિચારું બનશે! તમારામાંના કોઈકનું પણ જે દિવસે ધોળકામાં અપમાન થશે તે દિવસે હું ઉઘાડી, પડી જઈશ.” "આપણે નથી છોડવું ચંદ્રાવતી.” એક યુવાન આઘે ઊભો ઊભો હાક મારી ઊઠ્યો. “નથી જવું.” બીજાએ કહ્યું, “ગમે તે થાય, નથી જવું.” ત્રીજાએ કહ્યું, “વડીલો ને વૃદ્ધો છો જતા.” ચોથો બોલ્યો. “અમારે ક્યાં જવું હતું?” વૃદ્ધોમાંના એકે કહ્યું, “અમે તો તમારી, જુવાનોની ખાતર વિચાર કરતા હતા.” "જ્યાં મહામંડલેશ્વર ત્યાં આપણે,” બીજા બુઢ્ઢાએ ડગમગ થતી ડોક ઘુમાવીને સંભળાવ્યું, “હવે આપણે ધોળાંમાં ધૂળ નથી નાખવી.” “હું તમને શરમાવવા નથી આવી.” અનુપમા બોલી, “ને હું તો ભાળું છું –” એમ કહેતાં કહેતાં એણે ઉત્તરાપથના આઘેરા સીમાડામાં દૃષ્ટિ ખુંતાડી – “કે અહીં છેલ્લી કસોટી કારમી આવશે. ઇચ્છા હોય તો ઘરેણાંગાંઠ ને માલમિલકત સાથે બૈરાંછોકરાંને ખેસવી કાઢજો.” “એક પણ એવો બાયલો ચંદ્રાવતીમાં નહીં હોય, બહેન.” એક તરુણે તીખા સ્વરે જવાબ દીધો, “બોલો ભાઈઓ, કોઈને ચંદ્રાવતી છોડવાનું એની બાયડીએ કહ્યું છે?” "ના, ના, ના,” ઘણા અવાજો સામટા ઊઠ્યા, “અમારે ઘેર જઈને એવું પૂછવું નથી. બૈરીઓનાં નામો આગળ કરીને અમારે બેવડા હિચકારા બનવું નથી. આ છોકરાંને વારસામાં બાયલાપણું સોંપી જવું નથી.” "બસ ત્યારે, મારા જેઠજીને હું જઈ વધામણી આપીશ કે મારું મહિયર બિચારું નથી.” કહેતે કહેતે અનુપમાએ ગર્વભેર સન્મુખ જોયું. સર્વ મહાજન-ચહેરા કાંતિમય બન્યા હતા. વૃદ્ધોએ પાસે આવી આવીને અનુપમાના મસ્તક પર હાથ મૂક્યા. પોતે પણ પ્રત્યેકના ઘરનાં બૈરાંછોકરાંના કુશળ પૂછ્યા; અને વ્યક્તિગત વાતચીતમાં એણે ચંદ્રાવતી છોડવાની ઉગ્ર વાતનો ઉલ્લેખ સરખો પણ કર્યો નહીં. સભા વીખરાઈ ત્યારે પોતાના વિજયથી પોતે જ શરમાતી હોય તેમ તે નીચું મોં રાખી ચાલી ગઈ.