ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મારી કામના
Jump to navigation
Jump to search
મારી કામના
હર્ષદ ત્રિવેદી
પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહીં
પથ્થર એ મારી કામના છે.
કેમકે –
તમે આધિપત્યના જોરે
બધું જ બંધ કરી દીધું છે.
આપણાં લોહીમાં
એકલો અંગારવાયુ જ આવનજાવન કરે છે.
અંદરની હવા
બહાર નહીં જાય તોય જગતને નુકસાન નથી.
મને ચિંતા છે
બહારની હવા અંદર નથી આવતી એની
મને જોઈએ ખુલ્લું આકાશ.
મને જોઈએ ધોમધખતો તાપ.
મને જોઈએ વરસતો વરસાદ.
સુસવાટે વાતો પવન જોઈએ મને.
મારી તૈયારી ઘરમાં દફન થવાની નથી.
આ કાચઘરને –
અંદરથી તોડે એવો પથ્થર શોધું છું.
પથ્થર એ મારી કામના છે.
પથ્થર એ મારી કામના ક્યારેય હજો નહીં!