ગુજરાતી ગઝલસંપદા/ અમિત વ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમિત વ્યાસ

તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં!

સાંઈ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં!

જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં!

તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં!

ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં!

સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં!