ગુજરાતી ગઝલસંપદા/ આકાશ ઠક્કર
Jump to navigation
Jump to search
આકાશ ઠક્કર
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.
સૂનાં પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.
ભગવી ધજાને ફરફરાવે એ રીતે,
જાણે પવન પણ લઈ રહ્યો સંન્યાસ છે.
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.
પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.