ગુજરાતી ગઝલસંપદા/ ઉદયન ઠક્કર
Jump to navigation
Jump to search
ઉદયન ઠક્કર
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે,
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે.
એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે,
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે!
હસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે.’
બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે.
ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો,
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’
વાતેવાતે શેનું મોડું થાય છે?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા!
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે