ગુજરાતી ગઝલસંપદા/ જયન્ત ઓઝા
Jump to navigation
Jump to search
જયન્ત ઓઝા
એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.
બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.
આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર!
ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.
આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર.