ગુજરાતી ગઝલસંપદા/ દીપક બારડોલીકર
Jump to navigation
Jump to search
દીપક બારડોલીકર
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી;
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી.
એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી.
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર,
ને કોઈની તલાશ છે, હું એકલો નથી.
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની,
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી.
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી,
મનની અતાગ વાવ છે, હું એકલો નથી.
આ કેફ ઊતરે તો હવે કેમ ઊતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.
‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી.