ગુજરાતી ગઝલસંપદા/ મધુમતી મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મધુમતી મહેતા

શ્રી સવા જેવું લખ્યું જ્યાં ચોપડે તો,
તેં કહ્યું જૂના હિસાબો જોઈ લે તો.!

યાદ જૂની રોજ વાગોળ્યા કરે છે,
હિંચકાનું આ કીચુડ્યું ઓરડે તો.

દર્દ મારું લઈ અને એ સાચવે છે,
ના હતું સગપણ સગાના ધોરણે તો.

છાપ પગલાંની તને અકબંધ મળશે,
જો સમયનો બર્ફ થોડો ઓગળે તો.

આપણે પારસમણિ ત્યારે ગણાશું,
એક નજરે પારખી જો કોઈ લે તો.

શ્વેત સાતે રંગમાં પલટાઈ જાતું,
આંખનું કાજળ જરા જો ધોઈ લે તો.

સર્વ સબંધો સમેટી ચાલ મનવા,
જાન આવીને ઊભી છે તોરણે તો.