ગુજરાતી ગઝલસંપદા/ મનોજ જોશી ‘મન’
Jump to navigation
Jump to search
મનોજ જોશી ‘મન’
દિવસ ઉથલાવતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
ભીતરથી જાગતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ
પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
સમય ધક્કા લગાવે પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ
લગોલગ ચાલતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે!
નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.